વસતી વધારાનો ’બોમ્બ’ ડિફ્યુઝ..?
ભારતમાં પ્રથમ વખત પ્રતિસ્થાપન-સ્તરીય પ્રજનન દરમાં નોંધપાત્ર ઘટાડો: હવે વસતી નિયંત્રણ નહીં પણ જાપાનની જેમ ભારતમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધી ન જાય તે જોવું પડશે
જેમ ગરીબી, ભૂખમરો અને બેરોજગારી ભારતના અગાઉથી જ પડકારજનક પ્રશ્નો રહ્યા છે. તેવી જ રીતે આઝાદીકાળથી ભારતમાં વસ્તી વધારો એક અતિ ગંભીર અને જટિલ પ્રશ્ન રહ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે આવે છે. જો કે સૌથી વધુ યુવાન વસ્તીઓમાં ભારત જ પ્રથમ ક્રમે છે.18થી 35 વયજુથના લોકો માત્ર વસ્તી જ નહીં પણ ભારતનું યુવાધન છે. વચમાં એવું પણ કહેવાતું હતું કે આગામી ટૂંક જ સમયમાં એટલે કે વર્ષ 2022થી 30ના સમયગાળામાં વસ્તીવધારાના દરમાં ભારત ચીનને પણ પાછળ રાખી વિશ્વનો પ્રથમ દેશ બની જશે. વસ્તી વધારો મતલબ અન્ય તમામ સમસ્યાઓની જનની…. વસ્તી વધારાનો પ્રશ્ન પહેલાથી જ સરકાર માટે એક પડકાર અને માથાના દુખાવા સમાન છે પરંતુ હવે સરકારની ચિંતા દૂર થવા તરફ છે.
ભારતમાં વસ્તી વધારાનો બોમ્બ ’ડિફ્યુઝ’ થઈ ગયો હોય તેમ હવે વસ્તી વધારાથી ડરવાની કે તેની ચિંતા કરવાની જરૂર નથી..!! હવે ભારતે વસ્તી નિયંત્રણ કરવાની જરૂર રહેશે નહીં. હવે તમને લાગશે કે કેમ આવું …? તો આ પાછળ તાજેતરમાં જાહેર થયેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જવાબદાર છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં એ ખુલાસો થયો છે કે ભારતમાં પ્રથમ વખત પ્રજનન દરમાં પ્રતિ સ્થાપન સ્તર કરતા પણ વધુ ઘટાડો નોંધાયો છે. જેના પરિણામે વસ્તી વિસ્ફોટનો ખતરો તો મહદંશે ઘટ્યો છે. પ્રથમ વખત મહિલાઓમાં પ્રજનન દર 2 બાળકોએ નોંધાયો છે.
જેનાથી વસ્તી નિયંત્રણ તો થશે પણ તેની હોડમાં જાપાનની જેમ વૃદ્ધ લોકોની સંખ્યા વધી ન જાય તે પણ જોવું અતિજરૂરી છે…!! કેન્દ્ર સરકારના તાજેરતના ફેમેલી હેલ્થ સર્વેમાં જણાયું છે કે ભારતના સંખ્યાબંધ રાજ્યોમાં પ્રજનન દર સ્થિર થઇ રહ્યો છે. તો અહીંયા થી ઉત્તર પ્રદેશ, ઝારખંડ તેમજ બિહાર સિવાયના અન્ય તમામ રાજ્યોમાં રિપ્લેસમેન્ટ-લેવલ ફર્ટિલિટી અર્થાત પ્રતિસ્થાપન-સ્તરીય પ્રજનન ક્ષમતા 2 બાળકો અથવા તેનાથી પણ ઓછી નોંધાઈ છે. નોંધનીય છે કે પ્રતિસ્થાપન-સ્તરની પ્રજનન ક્ષમતા પ્રતિ મહિલા લગભગ 2.1 બાળક હોય છે.
જે ભારતમાં 2 બાળકે પહોંચી ગયો છે. માત્ર ત્રણ રાજ્યો બિહાર કે જ્યાં 3, યુપી કે જ્યાં 2.4 અને ઝારખંડ કે જ્યાં 2.3 પ્રજનન દર નોંધાયો છે. પ્રતિસ્થાપન-સ્તરીય પ્રજનન ક્ષમતા આ એવી સ્થિતિ હોય છે, જેમાં એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચવા દરમિયાન પ્રજનનની દર સમાન જ રહે છે.