ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષમાં ભારત બાવનમાં ક્રમે જયારે ચાઈના ૧૪માં ક્રમે પહોંચ્યું
કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે સંશોધાત્મક કાર્યને વધુને વધુ વેગ આપવો પડતો હોય છે ત્યારે ભારત દેશની વાત કરવામાં આવે તો ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષમાં ભારતને ૫ ક્રમનો સુધારો જોવા મળ્યો છે. પહેલા ૫૭ ક્રમ પર રહેલો ભારત દેશ હાલ ૫૨માં ક્રમે પહોંચી ગયો છે અને જયારે ચાઈના ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષમાં ૧૪માં ક્રમે પહોંચ્યો છે. દેશ અને નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીને આંબવા માટે અને ૮ ટકા જીડીપી ગ્રોથને હાંસલ કરવા માટે જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે તેનાં માટે સંશોધાત્મક કાર્ય ખુબ જ મહત્વપૂર્ણ અને દેશ માટે આવશ્યક બની રહ્યું છે.
ભારત દેશે તેની આર્થિક વ્યવસ્થાને સુદ્રઢ અને મજબુત બનાવવા માટે તમામ ક્ષેત્રે સંશોધાત્મક કાર્યો કરવા પડશે. ૨૦૦૯નાં વર્ષમાં ચાઈનાનો રેન્ક ૩૭ હતો જયારે ભારતનો રેન્ક ૪૧ હતો પરંતુ હાલ ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષ પ્રમાણે ચાઈના ૧૪માં ક્રમે પહોંચી ગયું છે જે ગત ૨૦૦૯માં ૩૭માં ક્રમે રહ્યું હતું. કોઈપણ દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ મજબુત બનતી હોય છે જયારે તેનું જીડીપી દર વધુને વધુ મજબુત બનતો હોય. ગત ૩૦ વર્ષમાં ભારતની સરખામણીમાં ચાઈનાએ સાયન્સ અને ટેકનોલોજીમાં સૌથી વધુ રોકાણો કર્યા છે. ૨૦૦૬નાં વર્ષમાં ચાઈના સરકારે ૧૫ મીડીયમ અને લાંબાગાળાનાં પ્લાનો વિશેનાં ગોલ નિર્ધારિત કર્યા હતા જે પેટે તેઓએ જીડીપીમાં ૧.૩ ટકાનાં રોકાણની સરખામણીમાં ૨.૫ ટકાનું રોકાણ કર્યું હતું.
ચાઈના દ્વારા તેમની ચીજ-વસ્તુઓ માટેની જે યોજના બનાવવામાં આવી છે તે જોતાં એવું સ્પષ્ટપણે માનવામાં આવે છે કે, વૈશ્વિક સ્તર પર ચાઈના તેનું આગવું સ્થાન જાળવી રાખવા માટે ઈનોવેશન એટલે કે સંશોધાત્મક કાર્ય પર વધુને વધુ નિર્ભર રહ્યું છે જો ભારત દેશ આગામી દિવસોમાં સંશોધાત્મક કાર્ય પર વધુ રોકાણ કરે અને જો તે દિશામાં આગળ વધે તો તે દિવસ દુર નથી જયારે ભારત દ્વારા ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથને પૂર્ણત: આંબી શકશે પરંતુ હાલ કેન્દ્ર સરકાર દ્વારા વધુને વધુ ઈનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે દિશામાં કાર્ય કરવાની જરૂર છે અને તે દિશામાં રોકાણો કરવાની પણ જરૂર છે.