ભારતના અર્થતંત્રને લઈને વિશ્વ બેન્કના મૂળ ભારતીય અર્થશાસ્ત્રીએ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. જેમાં તેઓએ કૃષિથી લઈ ઉત્પાદન સુધીનું માળખાકીય પરિવર્તન લાવવા હાંકલ કરી છે. ઉપરાંત અર્થતંત્રમાં મહિલાઓનું યોગદાન વધારવા અને બીજા એશિયન દેશોની જેમ નિકાસમાં વધુમાં વધુ તકો સર્જવા તેઓએ સૂચન આપ્યું છે.
વિશ્વ બેંક જૂથના મૂળ ભારતીય અર્થશાસ્ત્રી ઈન્દ્રમિત ગીલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટ, જાહેર માલસામાન અને આર્થિક વ્યવસ્થાપન પર ભારતનું ધ્યાન કેન્દ્રિત કરવા અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગિલે ધીમી વૈશ્વિક વૃદ્ધિ, વધતું જાહેર અને ખાનગી દેવું, વેપાર પ્રતિબંધો અને તેલની કિંમતો અને ફુગાવા પર પશ્ચિમ એશિયામાં તણાવની સંભવિત અસરના પડકારોને પણ પ્રકાશિત કર્યા હતા.
ભારતના અર્થતંત્રમાં મહિલાઓનું યોગદાન ઓછું, વધુમાં વધુ યોગદાન મળે તેવા પ્રયત્નો થવા જોઈએ : નિકાસમાં બીજા એશિયન દેશોની જેમ ભારતે પણ વધુમાં વધુ તકો સર્જવી જોઈએ
તેઓએ જણાવ્યું કે વિકાસશીલ દેશોમાં ફુગાવો સૌથી વધુ નુકસાન કરે છે. તેથી, અમે ઇચ્છીએ છીએ કે તે નિયંત્રણમાં આવે. આનો અર્થ એ થયો કે વ્યાજ દર ઊંચા રહેશે, જે સરકારોને નુકસાન પહોંચાડે છે. વિશ્વ ટ્રેડ-ઓફથી ભરેલું હશે. દેશોએ ફુગાવો નીચો રાખવો પડશે અને વૃદ્ધિ ઊંચી રાખવી પડશે. ભારત વિશે તેઓએ જણાવ્યું કે અહીં ખૂબ જ સારું આર્થિક વ્યવસ્થાપન છે. છેલ્લા 10 વર્ષોમાં, ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જોરદાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તકનીકી બાજુએ ઘણી નવીનતા જોઈ છે. જીએસટી સુધારાથી ભારતની આવકમાં મદદ મળી છે. સ્ત્રી શ્રમ દળની ભાગીદારીમાં વધારો જરૂરી છે. કારણ કે તેમાં ભારત પાછળ છે. ભારતની મહિલા શ્રમ દળની ભાગીદારી ચીન કરતાં અડધી છે. 2018 પછી યુએસ સાથેના વેપારમાં કેવો ફેરફાર થયો છે, વિયેતનામ, તાઈવાન અને મેક્સિકોએ તેમની નિકાસમાં વધારો કર્યો છે, તો ભારતને ખાસ ફાયદો થયો નથી.
તેઓએ કહ્યું કે ભારતમાં મહિલાઓના યોગદાનને અભાવે પરિવારની આવકમાં મોટી ખોટ દેખાય છે. મહિલાઓનું વેતન પણ વધવાની જરૂર છે, ખાસ કરીને કુશળ મહિલાઓ માટે પ્રોત્સાહન જરૂરી છે. અંતમાં તેઓએ કહ્યું કે ભારતમાં કૃષિથી મેન્યુફેક્ચરિંગ સુધીનું માળખાકીય પરિવર્તન છે.