જિનપિંગની ત્રણ દિવસની રશિયાની મુલાકાત બાદ ભારત- રશિયાના સંબંધોમાં ઓટ આવવાની વાતોનું ખંડન કરતા રશિયાના રાજદૂત
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ત્રણ દિવસીય રશિયાની મુલાકાત બાદ, રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે એ દાવાને ફગાવી દીધો હતો કે રશિયા અને ચીન વચ્ચેના સંબંધો રશિયા-ભારતના સંબંધોને અસર કરશે. તેઓએ કહ્યું કે અમારા ભારત સાથેના સંબંધો ગાઢ જ રહેશે.
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સોમવારે મોસ્કો પહોંચ્યા હતા. અહીં તેમનું રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્વાગત કર્યું હતું. આ બેઠક બાદ રશિયાના ભારત સાથેના સંબંધોમાં ખટાશની ચર્ચાએ જોર પકડ્યું હતું.
જો કે, જિનપિંગ-પુતિન સમિટ પછી, રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ગુરુવારે એવી ચિંતાઓને બાજુ પર મૂકી દીધી હતી કે ચીન સાથેના રશિયાના સંબંધો ભારત સાથેના તેના સંબંધોને નુકસાન પહોંચાડી શકે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વ્લાદિમીર પુતિનના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરી હતી. યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રશિયાને આનાથી રાજદ્વારી તાકાત મળી છે.
વાસ્તવમાં, શી જિનપિંગ 10 વર્ષ પહેલા ચીનના રાષ્ટ્રપતિ બન્યા હતા, ત્યારે તેમણે પ્રથમ વખત રશિયાની મુલાકાત લીધી હતી. તે પછી જિનપિંગ આઠ વખત મોસ્કો આવી ચૂક્યા છે. જોકે પુતિન-જિનપિંગ અલગ-અલગ ફોરમ પર 40 વખત મળ્યા છે.
બીજી તરફ, પુતિને યુક્રેનમાં સંતુલિત વલણ માટે જિનપિંગનો આભાર માન્યો જ્યાં અમેરિકા સહિત તમામ નાટો દેશો રશિયાની વિરુદ્ધ છે. રશિયા અને ચીન બંને જી-20માં યુક્રેનનો મુદ્દો ઉઠાવવાની વિરુદ્ધ છે. તેમનું માનવું છે કે આ મંચ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નથી. આ પછી, જી20 નાણા અને વિદેશ મંત્રીઓની બેઠક યુક્રેન મુદ્દે સર્વસંમતિના અભાવને કારણે કોઈપણ સંયુક્ત નિવેદન વિના સમાપ્ત થઈ. જોકે, રશિયાએ ભારતના જવાબદાર વલણની પ્રશંસા કરી હતી.