ચીનની સરહદે લદાખમાં બોર્ડર રોહસ ઓર્ગેનાઇઝેશને બનાવેલા રસ્તાથી ગામો લેહથી જોડાશે
વિશ્વની સૌથી ઉંચાઇએ ૧૯,૩૦૦ ફુટ ઉપર રોડ બનાવી ભારતે અનોખી સિઘ્ધિ હાંસલ કરી છે. ચીનની સરહદ નજીક લદાખમાં ભારતે ૮૩ કી.મી. લાંબો વિશ્ર્વનો સૌથી ઉંચો રસ્તો બનાવ્યો છે. આ રસ્તો ૧૯૩૦૦ ફુટની ઉંચાઇ સુધી ઉમલિંગા પહોંચે છે. આટલી ઉંચાઇએ મોટર માર્ગ હોય તે વિશ્ર્વની પ્રથમ ઘટના છે.
બોર્ડર રોહસ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા આ રસ્તો બનાવાયો છે. આ વિસ્તારોમાં ઉંચાઇ પર શિયાળામાં તાપમાન માઇમ્સ ૪૦ ડીગ્રી સુધી પહોંચી જાય છે. તેમજ મેદાની વિસ્તારો કરતા આ વિસ્તારમાં પ૦ ટકા ઓછો ઓકિસજન મળે છે. આવી વિષમ પરિસ્થિતિમાં પણ બીઆરઓના કામદારોએ મકકમતા બતાવી ઉંચા માર્ગની બાબતે દેશના નામે વધુ એક સિઘ્ધી નોંધાવી છે.
બોર્ડર રોહસ ઓર્ગેનાઇઝેશને પ્રોજેકટ હિમાન્ડ અંતર્ગત હિમાલય રેન્જમાં દુર્ગમ પ્રદેશોમાં માર્ગ બનાવે છે અને આ અતંગર્ત ભારતે મોટી સફળતા મેળવી છે.
આ માર્ગના નિર્માણની ચીન સરહદ નજીક આવેલા ચિસુમલે અને ડેમ ચોક જેવા ગામડાઓ હાનલે સાથે જોડાશે જે લેહથી ૨૩૦ કીલોમીટરના અંતરે છે. પ્રોજેકટ હિમાન્કના ચીફ એન્જીનીયર બ્રિગેડીયર ડીએમ પુરવીમડે માર્ગ બનાવનાર કામદારોની પ્રસંશા કરતા જણાવ્યું કે, વિષમ પરિસ્થિતિમાં પણ કામદારોએ કામ કરી આ રસ્તો તૈયાર કર્યો છે. તેમજ વ્યુહાત્મક દ્રષ્ટિએ આ રોડ અતિમહત્વનો છે. આટલી મોટી ઉંચાઇે સાધનસરજામો લઇ જવા અને રસ્તાનું નિર્માણ કરવું એ ખરેખર પડકારજનક હતું. પરંતુ કામદારો અને સહકર્મચારીઓના જુસ્સાથી ભારતને સૌથી ઉંચો રસ્તો બનાવવામાં સફળતા મળી છે તેમ પુરવીમડે જણાવ્યું છે.
આ અગાઉ પ્રોજેકટ હિમાન્ડ અંતર્ગત બીઆરઓ એ ૧૭,૯૦૦ ફુટ અને ૧૭,૬૯૫ ફુટની ઉંચાઇએ રોડ બનાવ્યા છે.