૨૮૭ રનના લક્ષ્યાંક સામે ૯૮ રનમાં અડધી ટીમ પેવેલીયનમાં
ઓસ્ટ્રેલીયા સામે પર્થ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા પર કારમા પરાજયના વાદળો ઘેરાઈ ગયા છે. ૨૮૭ રનના વિજય લક્ષ્યાંક સામે ભારતે માત્ર ૯૮ રનમાં ૫ વિકેટ ગુમાવી દેતા પરાજય ફાઈનલ થઈ ગયો છે.
પ્રથમદાવમાં ઓસ્ટ્રેલીયાએ ૩૨૬ રન નોંધાવ્યા હતા. જેની સામે ભારતનો પ્રથમ દાવ ૨૮૩ રનમાં સમેટાતા ઓસીને ૪૩ રનની લીડ મળી હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલીયાની ટીમ ૨૪૩ રનમાં ઓલઆઉટ થઈ જતા ભારતને બીજો ટેસ્ટ જીતવા માટે ૨૮૭ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ઓપનર કે.એલ.રાહુલ, મુરલી વિજય, ચેતેશ્ર્વર પૂજારા, વિરાટ કોહલી અને અંજિકયે રહાણે જેવા સ્ટાર બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા છે.
૨૮૭ રનના લક્ષ્યાંક સામે ભારતે માત્ર ૯૮ રનમાં મહત્વપૂર્ણ પાંચ વિકેટો ગુમાવી દેતા ટીમ ઈન્ડિયા પર કારમા પરાજયનું જોખમ જળુંબી રહ્યું છે. ટેસ્ટનો આજે ૪થો દિવસ હોય ભારતની હાર લગભગ ફાઈનલ થઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ક્ષેણીમાં ભારત ૧-૦થી આગળ છે. જો પર્થ ટેસ્ટ જીતવામાં ઓસ્ટ્રેલીયા સફળ રહેશે તો ટેસ્ટ શ્રેણી ૧-૧ના લેવલ પર આવી જશે.