ભારતીય સ્પીનરોમાં ઓસ્ટ્રેલિયા સામે રવિચંદ્રન અશ્વિન સૌથી સફળ બોલર, જાડેજા બીજા ક્રમે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનીની પ્રથમ મેચ નાગપુરમાં રમાવાની છે. કાલથી શરૂ થનારી આ મેચ વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના મેદાન પર રમાશે. નાગપુરની આ પીચ પર હજુ પણ થોડું ઘાસ છે. પરંતુ આશા છે કે મેચ પહેલા તેમાં કાપ મુકવામાં આવશે. ભારતના રવિચંદ્રન અશ્વિને આ મેદાન પર 3 ટેસ્ટ રમી છે. જેમાં તેની 23 વિકેટ છે. રવિન્દ્ર જાડેજાએ પણ અહીં એટલી જ મેચોમાં 12 વિકેટ લીધી છે.પીચ સ્પિનરોને મદદરૂપ થશે. ભારતીય ટિમ ત્રણ સ્પિનરો સામે ઉતારે તે લગભગ નિશ્ચિત છે.

રવિચંદ્રન અશ્વિને ભારતીય પીચો પર પોતાની સ્પીનથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ખૂબ નચાવ્યા છે. ભારતમાં, અશ્વિને કાંગારૂ ટીમ સામે કુલ 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 50 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 2.48 રહ્યો છે. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે ઓવઓલ કુલ 18 ટેસ્ટ રમી છે જેમાં તેણે 89 વિકેટ ખેરવી છે. ઓસ્ટ્રેલિયા સામે માત્ર અશ્વિન જ નહીં, રવિન્દ્ર જાડેજા પણ અસરકારક રહ્યો છે.

જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે 8 મેચ રમીને ભારતમાં 49 વિકેટ પણ લીધી છે. આ ટીમ સામે તેની ઓવરઓલ વિકેટો પર નજર કરીએ તો તેના નામે 63 વિકેટ છે. આ સિવાય કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા સામે માત્ર બે ટેસ્ટમાં રમવાની તક મળી હતી, જેમાં તેણે 9 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને આ ટીમ સામે ટેસ્ટ રમવાનો અનુભવ નથી.

નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ક્યારેય હાર્યું નથી

ભારતીય ક્રિકેટ ટીમ 15 વર્ષ બાદ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમશે. આ મેદાન પર છેલ્લી વખત બંને ટીમો 2008માં ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ભારતીય ટીમ 172 રને જીતી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર કુલ 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેને માત્ર એક જ વાર હારનો સામનો કરવો પડ્યો છે.

નાગપુરમાં ભારતની પ્રથમ હાર 2010માં દક્ષિણ આફ્રિકા સામે થઈ હતી. 2010માં ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ન્યૂઝીલેન્ડને એક દાવ અને 198 રનથી કચડી નાખ્યું હતું. તેના બે વર્ષ બાદ 2012માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી. આ પછી 2015માં ભારતે સાઉથ આફ્રિકાને 124 રનથી હરાવ્યું હતું જ્યારે 2017માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ઈનિંગ અને 239 રનથી હરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.