વૈશ્વિક મહામારીનાં જોરદાર ઝાટકાં ખમીને બેઠી થઇ રહેલી ભારીય ઇકોનોમીને રશિયા-યુક્રેન યુધ્ધે નવા આંચકા આપ્યા છે. ભારે અનિયમિત ભવિષ્ય વચ્ચે પણ દેશનો વિકાસ થતો રહ્યો છે. રેટિંગ એજન્સી ફીચે ગત સપ્તાહે ભારતનાં ફોરેન કરન્સી આઇ.ડી.આર રેટિંગને નેગેટિવનું સ્ટીકર હટાવીને સુધારા સાથે સ્ટેબલનું સ્ટીકર લગાવ્યું છે. એજન્સીએ કહ્યું છે કે દેશના મધ્યમ ક્રમનાં વિકાસ સામેનું જે જોખમ હતું તે છેલ્લા થોડા સમયનાં સતત વિકાસ , આર્થિક રિકવરી, તથા ફાયનાન્સ સેક્ટરની તકલીફો હળવી થતાં ઘટ્યું છે. આ સાથે જ ફીચે ભારતનું રેટિંગ ઇઇઇ – રાખ્યું છે. જો કે 2022-23 માટે ભારતનો આર્થિક વિકાસ દર માર્ચ-22 મુકાયેલી 8.5 ટકાની ધારણાથી ઘટાડીને 7.8 ટકા રહેવાની ધારણા મુકાઇ છે. સાથે વૈશ્વિક બજારોમાં કોમોડિટીનાં વધતા ભાવની ભારતના વિકાસ ઉપર અસર પડવાની ચિંતા પણ વ્યક્ત કરાઇ છે. આ બધા એવા પડકારો છે જેને સાથે લઇને જ ભારતે વિકાસની કેડી કંડારવાની છે.
2021-22 નાં ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતની ઇકોનોમીનો વિકાસ GDP માં 4.1 ટકા જેટલો દેખાડે છે. જે કુલ 2021-22 નાં આખા વર્ષનાં 8.7 ટકાનાં અંદાજ કરતા ઘણો ઓછો છે. પ્રથમ ત્રણ ત્રિમાસિકમાં અનુક્રમે 20.3 ટકા, 8.5 ટકા, તથા 5.4 ટકા રહ્યો હતો. છેલ્લા બે ત્રિમાસિક નાં આંકડા ઘટતા રહ્યા હોવાથી ચિંતાનું કારણ બન્યા છે. ગત વર્ષનાં છેલ્લા .ત્રિમાસિક ગાળામાં પ્રાઇવેટ ફાયનાન્શ્યલ કંઝમ્શન એક્સપેન્ડિચર ( પી.એફ.સી.ઇ) તથા મુડીરોકાણની ગતિને બ્રેક લાગી તેની વિશેષ અસર જોવા મળી છે. વિશેષ કરીને મેન્યુફેક્ચરીંગ, કંસ્ટ્રક્શન તથા સર્વિસ સેક્ટરને વિશેષ અસર થઇ હતી. હજુ પણ ભારતની માથાદિઠ આવક કોવિડ-19 ના મહામારીનાં સમયગાળા પહેલા હતી તેના કરતા ઓછી છૈ. સામાપક્ષે સરળ વ્યાજદરનાં ટેકાનાં કારણે લોકોની ખરિદશક્તિ વધી હતી. આ મળાખું કાબુ બહાર જઇ રહ્યું હોવાથી જ સરકારે વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડી છે. નાણાકિય વર્ષ 2020 માં સરેરાશ ભારતીય નાગરિકની માથાદિઠ વાર્ષિક આવક 94270 રૂપિયા હતી. જે 2021 માં 85110 રૂપિયા થઇ હતી. અને 2022 માં વધીને 91481 રૂપિયા થઇ હતી. આ એક એવો પડકાર છે જેનાથી માણસ હજુ સંતોષકારક કમાતો ન હોવાની માનસિકતા ધરાવે છે જેના કારણે તે ખર્ચમાં પણ કાપ મુકે છે.
આમછતાં ઇક્રા રેટિંગ એજન્સીનું માનવું છે કે એજન્સીએ ભારતનો વિકાસ 8.5 ટકા રહેવાનું અનુમાન મુક્યું હતું જે હાલમાં 8.7 ટકા આવ્યો છે જે ધારણા કરતા સારો કહેવાય. વિકાસ ત્રિમાસકિ ધોરણે ઘટ્યો છે પણ વાર્ષિક ધોરણે તે ઘણો સારો રહ્યો છે. આગામી ચોમાસું જો સારૂ રહે, કૄષિ ઉત્પાદન વધે અને ક્રુડતેલનાં ભાવ કંટ્રોલમાં રહે તો ભારતનો વિકાસ હરણફાળ ભરશે. એપ્રિલ-22 તથા મે-22 નાં GDP નાં આંકડા 2023 નાં પ્રથમ ત્રિમાસિક નો GDP 12 ટકા જેટલો ઉંચો રહેવાનું અનુમાન કરે છે. ભલે તે ગત વર્ષનાં પ્રથમ ત્રિમાસિકની સરખામણીઐ ઓછો હોય પરંતુ 2023 માં આ દર સતત રહેવાની આશા છે.
હાલમાં વ્યાજદરમાં ઉપરાઉપરી વધારો થયો હોવાથી લોકોની ખરીદી ઘટશે એ વાત નક્કી છે. કદાચ વિદેશી રોકાણકારોને આ વાતનો અંદાજ હતો એટલે જ કેપિટલ માર્કેટ માંથી એેમની મુડી પાછી ખેંચાઇ રહી છે. હવે લોન મોંઘી થશે, સરકાર જાહેર સેવાઓ પાછળ નાણા ઓછા ખર્ચશે. તેથી જનતાનાં ખિસ્સા સંકોચાયેલા રહેશે.
ઇન્ડિયા રેટિંગ જણાવે છે કે 2022 નાં ચોથા ત્રિમાસિકમાં રાજકોષિય ખાધ 17.3 અબજ ડોલર અર્થાત GDP નાં 1.96 ટકા જેટલી રહી છે. આખા વર્ષની ખાધ છેલ્લા ત્રણ વર્ષની સૌથી વધારે આવવાની ગણતરી છે. જે કદાચ 43.81 અબજ ડોલર ની હોઇ શકે છે. જે 2021 માં 23.91 અબજ ડોલરની હતી. ડોલરનો ભાવ 70 રૂપિયા ઉપર ગયો ત્યારે હાહાકાર મચી ગયો હતો. જે આજે 78 રૂપીયાની સપાટી વટાવી ગયો છે. જે ભારતની આયાત મોંઘી કરશે. આ બધા એવા પડકારો છે જેને સાથે લઇને ભારતે વિકાસ કરવાનો છે.