ત્રીજા ટેસ્ટમાં કારમી હાર બાદ નબળી માનસિક સ્થિતિ સાથે મેદાનમાં ઉતરી ‘મેદાન’ મારવું ઇંગ્લેન્ડ માટે ’લોઢાના ચણા’ ચાવવા સમાન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મોટેરા ખાતે ગુરુવારથી શરુ થનારી છે. ત્યારે ઇંગ્લેન્ડની ટીમ માનસિક રીતે તૂટી હોય તેવું લાગી રહ્યું છે. માનસિક લડાઈમાં ઇંગ્લેન્ડ સામે ભારતે સર્વોપરિતા સાબિત કરી દીધી છે. ચોથી અને અંતિમ ટેસ્ટ મેચને જીતી લેવા ઇંગ્લેન્ડ હવે ખૂબ ફાંફાં મારે તેવી શક્યતાઓ છે. જેમાં ઇંગ્લેન્ડ બેટિંગ લાઈનથી માંડીને બોલિંગ લાઇન અને ટીમમાં અનેકવિધ ફેરફારો કરશે તેમ છતાં ’બુંદ સે ગઈ હોજ સે નહીં આતી’ જેવો ઘાટ ઘડાય તેવી પ્રબળ શક્યતાઓ છે. હાલ જેવી રીતે બંને ટીમોની માનસિકતા છે તેમાં ભારતની ટીમ કોન્ફિડન્સ સાથે મેદાનમાં મેદાન મારવા ઉતરશે જ્યારે ઇંગ્લેન્ડ કોન્ફિડન્સલેસ બનીને મેદાન બચાવવા મેદાનમાં ઝંપલાવશે.
ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે ફક્ત એક ડ્રોની જરુર છે. જ્યારે ઇંગ્લેન્ડની નજર ટેસ્ટ જીતીને સ્કોર 2-2થી સ્કોર સરખો કરવા પર રહેશે. ઇંગ્લેન્ડે આ ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ વિજયથી કર્યો હતો પરંતુ ચેન્નાઈ ટેસ્ટ હાર્યા પછી તેણે લય ગુમાવી હતી અને અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ પણ હારીને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી પાછળ પડી ગયું હતું.
ત્રીજી ટેસ્ટ નિયમિત રીતે લાલ બોલથી જ રમાશે અને તે ડે મેચ હશે. આ પીચ બીજી ટેસ્ટની પીચથી ખાસ અલગ રહે તેવી સંભાવના નથી. ઇંગ્લેન્ડના સ્પિનર જેક લીચે જણાવ્યું હતું કે તેમની ટીમના ડ્રેસિંગ રૃમમાં પીચ અંગે ખાસ ચર્ચા થતી નથી, પરંતુ રમવાની તૈયારીઓ અંગે ચર્ચા થાય છે. અમે આ અનુભવથી ઘણું શીખ્યા છીએ અને અંતિમ ટેસ્ટ જીતીને સિરીઝ 2-2થી ડ્રો કરવા પર અમારું ધ્યાન છે. ઇંગ્લેન્ડ જો અંતિમ ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું તો બંને દેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો થશે અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આમ ઓસ્ટ્રેલિયાની નજર પણ અંતિમ ટેસ્ટ પર છે.
આ અંગે એવો ગણગણાટ થઈ રહ્યો છે કે, ઇંગ્લેન્ડ અંતિમ ટેસ્ટમાં ઓફ સ્પિનર બેસને રમાડે તેવી પૂરેપૂરી સંભાવના છે. પરંપરાગત લાલ બોલ વડે મેચ રમાવવાની હોવાના કારણે ઇંગ્લેન્ડ રાહત અનુભવશે. ભારત બુમરાહના સ્થાને ઉમેશ યાદવ કે સિરાજને સમાવીને બાકીની ટીમ જાળવી રાખે તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત ભારતના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ જણાવ્યું હતું કે ચોથી ટેસ્ટની પીચ પણ બીજી અને ત્રીજી ટેસ્ટની પીચ જેવી રહેવાની સંભાવના છે. ત્રીજી ટેસ્ટમાં પણ પીચ તો બીજી ટેસ્ટ જેવી હતી, પરંતુ પિન્ક બોલના લીધે ફેર પડયો હતો. દરેક બેટ્સમેને આ પ્રકારની પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવુ પડે છે. પિન્ક બોલ લાલ બોલની તુલનાએ વધારે ઝડપથી આવે છે. આ પીચ પર હવે અમારે કેવી રીતે રમવું તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. ઇંગ્લેન્ડની ટીમ ઘણી સારી છે અને સંતુલિત છે. ેતઓ પ્રથમ ટેસ્ટમાં સારું રમ્યા હતા. અમે સિરીઝમાં આગળ હોવા છતાં પણ તેને જરાપણ હળવાશથી નહીં લઈએ. આ વધુ એક ટેસ્ટ મેચ છે અને અમારે અમારું શ્રેષ્ઠ આપવાનું છે.
ડીઆરએસના લીધે બેટ્સમેનોની માનસિકતા બદલાઈ હોવાનું કહેતા રહાણેએ કહ્યું હતું કે, તેના કારણે બેટ્સમેનોની માનસિકતા પર કોઈ ફેર પડયો નથી. વાસ્તવમાં આ સિસ્ટમ ટીમને મદદ કરે છે. તેના દ્વારા તમે લેવાયેલા નિર્ણયની સમીક્ષા કરી શકો છો. પણ તેના લીધે કોઈપણ બેટ્સમેનની માનસિકતામાં ફેર પડયો હોય તેવું લાગતું નથી. આમ રહાણેએ ડીઆરએસને ઉપયોગી કાર્યપ્રણાલિ ગણાવી હતી.
ભારત ટોસ જીતીને બેટિંગ કરે તો ઇંગ્લેન્ડ માટે મેચ બચાવવો વધુ કઠિન
અંતિમ ટેસ્ટમાં ટોસ જીતીને ભારત જો બેટિંગ પસંદ કરે તો ઇંગ્લેન્ડ માટે મેચ જીતવો વધુ કઠિન બની જશે. ભારતીય બેટ્સમેનો પ્રથમ બેટિંગ કરીને પહાડ જેવો લક્ષ્ય બનાવીને ઇંગ્લેન્ડની ટીમને દબાવી દેવાનો પ્રયત્ન કરશે. જ્યારે જો ભારતની બોલિંગ આવે તો પણ ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરીને મોટો લક્ષ્ય ખડકવામાં ઉણી ઉતરી શકે છે. અંતિમ ટેસ્ટમાં કારમી હાર બાદ ઇંગ્લેન્ડના બેટ્સમેનોની માનસિક સ્થિતિ નબળી બની છે ત્યારે બેટ્સમેનો સદૈવ દબાણમાં જ બેટિંગ કરશે અને દબાણમાં જ પેવેલિયન ભેગા થઈ શકે છે.
ઇંગ્લેન્ડ મેચ બચાવવા ટીમમાં ધરખમ ફેરફાર કરે તેવી પ્રબળ શકયતા
ત્રીજા ટેસ્ટમાં જે રીતે ભારતીય સ્પિન બોલર્સ અશ્વિન અને અક્ષરે તરખાટ મચાવીને ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા તેને કારણે હવે ઇંગ્લેન્ડ વધુ સ્પિન બોલર્સનો ટીમમાં સમાવેશ કરી શકે છે. સામા પક્ષે બેટ્સમેનો પણ કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા જેથી બેટિંગ લાઈનમાં પણ પરિવર્તન કરવામાં આવે તો નવાઈ નહીં. ત્રીજા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ તરફે ફક્ત ક્રોલી જ અર્ધશતક ફટકારી શક્યો હતો તે સિવાયના તમામ બેટ્સમેનો નજીવા સ્કોરે પેવેલિયન ભેગા થઈ ગયા હતા.