શ્રીલંકાએ ભારતને 6 વિકેટથી હરાવ્યુ, નિશન્કા-મેંડિન્સની તોફાની બેટિંગ: રોહિતની અળધી સદી એળે ગઈ
સુપર 4ની મેચમાં ભારતને શ્રીલંકાએ 6 વિકેટથી હરાવ્યું છે. ભારતે આપેલા 174 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ દરમિયાન પથુમ નિસંકા અને મેંડિસે શાનદાર બેટિંગ કરી હતી. આ હાર સાથે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ પહેલા પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. હાર બાદ હવે તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. દુબઈમાં મંગળવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. બેટીંગ-બોલિંગ બંનેમાં ભારતનું પ્રદશન ખુબ જ કંગાળ રહ્યું હતું. ભારતીય ટીમે શરૂઆતી બે વિકેટ ગુમાવ્યા બાદ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી જો કે છેલ્લી 5 ઓવરમાં બેટ્સમેનોનું ખરાબ પ્રદશર્ન રહ્યું હતું. બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ ખુબ જ નિરાશાજનક પ્રદશને ભારતને હવે એશિયાકપમાંથી લગભગ બહાર કરી દીધું છે. બીજી તરફ ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલે શ્રીલંકાની 3 વિકેટ ઝડપી હતી.
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે શાનદાર શરૂઆત કરી હતી. આ બંને વચ્ચે મજબૂત ભાગીદારી બની હતી. નિસાન્કાએ 37 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મેન્ડિસે 37 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ચરિથ અસલંકા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. અંતમાં ભાનુકા રાજપક્ષે અને દાસુન શંકાએ તોફાની ઇનિંગ્સ રમી હતી. રાજપક્ષેએ 17 બોલમાં 25 રન બનાવ્યા હતા. બીજી તરફ શંકાએ 18 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા.
ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 32 રન આપીને એક વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 30 રન આપ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ 41 બોલમાં 72 રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગ્સમાં 5 ફોર અને 4 સિક્સ સામેલ હતી. સૂર્ય કુમાર યાદવે 29 બોલમાં 34 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે 17-17 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિને અણનમ 15 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ખાતું ખોલતાની સાથે જ આઉટ થઈ ગયો હતો. શ્રીલંકા તરફથી દિલશાન મધુશંકાએ 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કરુણારત્ને અને કેપ્ટન શંકાને 2-2 વિકેટ મળી હતી. મહિષ તિક્ષાનાએ 3 વિકેટ લીધી હતી.