ગ્રીન હાઇડ્રોજન દ્વારા જ વિકાસ ગાંડો થઈ શકે !!!

પેટ્રોલ-ડીઝલ- કોલસો સહીતની એનર્જીનું વાર્ષિક આયાત બિલ રૂ. 12 લાખ કરોડ, હજુ આ આયાત બિલ બેથી ત્રણ ગણું વધશે : મોટા પ્રમાણમાં આયાત અને ઉપરથી પર્યાવરણને પણ નુકસાન, હવે ગ્રીન હાઈડ્રોજન જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ

ભારતનું વર્તમાન એનર્જી આયાત બિલ રૂ. 12 લાખ કરોડથી વધુ છે. કોલસો અને તેલની અવલંબન ચાલુ રાખવાથી દેશને પર્યાવરણીય વિનાશની અણી પર ધકેલવા ઉપરાંત આ રકમમાં 2-3 ગણો વધારો થશે. ત્યારે ભારત પાસે મોટો દરિયા કિનારો હોય ભારત ગ્રીન હાઇડ્રોજનમાં વૈશ્વિક લીડર બની શકે છે. જે એનર્જી ક્ષેત્રની અનેક સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે.

ગ્રીન હાઇડ્રોજનએ સૌર અને પવન જેવા રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી વીજળીનો ઉપયોગ કરીને પાણીના વિદ્યુત વિચ્છેદન દ્વારા ઉત્પાદિત હાઇડ્રોજન છે.  હાઇડ્રોજનએ ડીકાર્બોનાઇઝેશનમાં મોખરે આવ્યું છે, કારણ કે તે બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત સ્વચ્છ ગેસ છે જે અશ્મિભૂત ઇંધણને બદલી શકે છે, ખાસ કરીને જ્યાં વિદ્યુતીકરણ એ યોગ્ય વિકલ્પ નથી. ગ્રીન હાઈડ્રોજનમાં હજુ સુધી કોઈ દેશનું વર્ચસ્વ નથી ત્યારે ભારત પાસે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં અગ્રેસર બનવાની મોટી તક છે.

ભારતે પોતાની જાતને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે સ્થાપિત કરવા માટે અનેક દિશામાં કાર્ય કરવાની જરૂર છે. બીજી તરફ  સ્ટીલ અને ફર્ટિલાઇઝર્સ જેવા અન્ય ક્ષેત્રોને ડીકાર્બોનાઇઝ કરવા માટે લાંબા ગાળાના પોલિસી રોડમેપની પણ જરૂર છે.

જ્યાં સુધી હાઇડ્રોજનની વાત છે, તેનો ઉપયોગ ઘણા વર્ષોથી ફેક્ટરીઓમાં થાય છે. પરંતુ હવે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ વધારવાની વાત છે. હાઇડ્રોજનનું નિર્માણ રિન્યુએબલ એનર્જી તરીકે થાય છે. આ માટે, ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવશે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇઝર પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વીજળીની મદદથી પાણીને ઓક્સિજન અને હાઇડ્રોજનમાં તોડવું પડે છે. એટલે કે, વીજળીની મદદથી પાણીને તોડી નાખવું. જો અહીં વીજળી રિન્યુએબલ સોર્સથી લેવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવશે.

આ ગ્રીન હાઇડ્રોજન સંપૂર્ણપણે કાર્બન મુક્ત હશે. આ ગેસ પ્રદૂષણ મુક્ત હશે. આમાંથી ઉત્પન્ન થતો ગ્રીન હાઇડ્રોજન ગેસ રિફાઇનિંગ સેક્ટર, ફર્ટિલાઇઝર સેક્ટર, એવિએશન સેક્ટર અને સ્ટીલ સેક્ટરને પણ ઉર્જા સપ્લાય કરી શકશે. હાલમાં, આ વિસ્તારોમાં તેલ અથવા ગેસ આધારિત ઉર્જાનો ઉપયોગ થાય છે, જેમાં પ્રદૂષણ ખૂબ વધારે છે. દેશમાં રિન્યુએબલ એનર્જીનો ખર્ચ ઘણો ઓછો છે. કારણ કે સૌર ઉર્જાનો ખર્ચ પ્રતિ યુનિટ 2 રૂપિયાથી ઓછો છે. આવી સ્થિતિમાં, નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરીને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું સરળ અને સસ્તું હશે.

છેલ્લા દસકામાં નથી થઈ તેવી એનર્જીની અછત આવતા છ મહિનામાં થવાની ભીતિ

છેલ્લા દસકામાં ભારતે જેવી એનર્જીની અછત નથી જોઈ તેવી એનર્જીની અછત આગામી છ મહિનામાં જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. કોલસા કાંડ બાદ બ્યુરોક્રાટ કોલસાના ઓક્શનથી દૂર રહેતા દેશને બહારના કોલસા ઉપર નિર્ભર રહેવું પડયું હતું. જેને કારણે વિશ્વમાં આવેલા કોલસાના પ્રશ્નનો સામનો ભારતે પણ કરવો પડ્યો હતો. હવે આ કોલસાનો પ્રશ્ન ઉપરાંત અન્ય પ્રશ્નો એનર્જીની અછતમાં મહત્વનો ભાગ ભજવવાના છે.

ભારતે પેટ્રોલ અને ડીઝલની આયાત ઉપર ઘટાડવાની તાતી જરૂરિયાત : ગડકરી

પરિવહન ઇંધણ તરીકે ગ્રીન હાઇડ્રોજન અંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે કહ્યું હતું કે ભારતને એવો દેશ બનાવવાની જરૂર છે જે પેટ્રોલ અને ડીઝલની આયાત પર નિર્ભર ન હોય. એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ અફસોસ વ્યક્ત કર્યો કે કેટલાક દેશો પેટ્રોલ અને ડીઝલના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ આતંકવાદને નાણાં આપવા માટે પણ કરી રહ્યા છે.

“ગ્રીન હાઇડ્રોજન પેટ્રોલ અને ડીઝલ કરતાં વધુ સારું છે. ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે.અમે એક એવો દેશ બનાવવા માંગીએ છીએ જે પેટ્રોલ અને ડીઝલની આયાત પર નિર્ભર નહીં હોય પરંતુ બળતણની નિકાસ કરશે. તેઓએ ઉમેર્યું કેઆ એક રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ છે. પેટ્રોલ અને ડીઝલની આયાત કરીને આપણે એવા દેશોને સમૃદ્ધ બનાવી રહ્યા છીએ જે આતંકવાદને પણ નાણાં આપે છે.રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે જોકે કોઈ દેશનું નામ લીધું ન હતું. તેમણે વધુમાં કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની આયાતમાં ઘટાડો કરવાથી દેશની ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.

ગ્રીન હાઇડ્રોજન પર ફેક્ટરીઓ ચાલશે

ગ્રીન હાઇડ્રોજનનું મિશન એ છે કે આવનારા સમયમાં ફેક્ટરીઓ માટે મર્યાદા નક્કી કરવામાં આવશે કે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે કેટલા ટકા જરૂરી રહેશે. આ જથ્થો ધીમે ધીમે વધારવામાં આવશે જેથી ફેક્ટરીઓ દ્વારા ઉત્પાદિત કાર્બનની માત્રામાં ઘટાડો થશે. આનાથી દેશમાં ગ્રીન હાઇડ્રોજનનું બજાર ઉભું થશે. એનટીપીસી જેવી સંસ્થાઓ તેના ઉત્પાદન પર ભાર મૂકે છે, જે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ સપ્લાય કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.