આપત્તિ આવે એમાં રોવાનું ન હોય તક જોવાની હોય
વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ૪૧ કોલ બ્લોક ખાનગી ક્ષેત્ર માટે ખૂલ્લા મૂકયા, હરરાજી શરૂ: દિલ્હીના કાર્યક્રમમાં વડાપ્રધાનનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ખાનગી ક્ષેત્ર માટે ૪૧ કોલ બ્લોકસની હરાજીનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતુ કે ભારત આપત્તિ વખતે રડનારો દેશ નથી પણ આપતિને જ તક બનાવનારો દેશ છે.
આખી દુનિયા સાથે દેશમાં કોરોનાનો રોગચાળો આવ્યો પણ એ આપતિએ ભારતને શબક શીખવ્યો છે.
વડાપ્રધાને જણાવ્યું કે આત્મનિર્ભર ભારત એટલે ભારત આયાત ઉપર પોતાની નિર્ભરતા ઓછી કરશે આયાત માટે ખર્ચાતી વિદેશી મુદ્રાને બચાવશે આત્મનિર્ભર એટલે આયાત ન કરવું પડે એવી સ્થિતિ આત્મનિર્ભર બનવા માટે ભારત દેશમાં જ સાધન અને સ્ત્રોત વિકસાવશે. વડાપ્રધાને જણાવ્યું કે આજે સરકાર ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે મહત્વનું પગલુ લઈ રહી છે. એક જ મહીનામાં સરકારની દરેક જાહેરાત દરેક સુધારા પછી તે કૃષિ ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે ઉર્જા ક્ષેત્ર હોય ખાણ ક્ષેત્ર હોય તમામને જમીન પર ઉતારાશે એટલે કે સાકાર કરાશે અમારો આ સંકલ્પ જ બતાવે છે કે અમે આત્મનિર્ભર ભારત માટે કેટલા ગંભીર છીએ. આજે અમે કોલસા બ્લોક ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખૂલ્લુ મૂકતા નથી પણ દશકોથી લોકડાઉન થયેલા કોલ બ્લોક ક્ષેત્રને બહાર કાઢીએ છીએ.
ખાનગી કંપનીઓનાં પ્રવેશથી દેશને લાભ
કોલસા અને ખાણ ક્ષેત્રે દેશમાં ખાનગી કંપનીઓનાં પ્રવેશથી દેશને લાભ થશે. ખાનગી કંપનીઓનાં પ્રવેશથી ઉત્પાદન વધશે રોજગારી વધશે અને આવક પણ વધશે આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓનાં પ્રવેશથી કોલસો કાઢવાથી માંડી ટ્રાન્સપોર્ટેશન સુધીની પધ્ધતિ, સુવિધામાં આધુનિકતા લાવવામાં મદદ મળી રહેશે તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ.
કોલસા, ખાણ ક્ષેત્રમાં કૌભાંડના કારણે રોકાણ ઓછું થતું
વડાપ્રધાને જણાવ્યું હતુ કે આપણે આખા વિશ્ર્વમાં મોટા ઉત્પાદક છીએ તો પછી આપણે આત્મનિર્ભર કેમ ન બની શકીએ.
પહેલા કોલસા અને ખાણ ક્ષેત્રમાં કૌભાંડ થતા જેના કારણે રોકાણ ઓછુ થતુ હતુ પણ હવે કોલસા ખાણ ક્ષેત્રનાં દ્વાર ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવતા હવે રોકાણ પણ વધશે
૨૦૧૪ બાદ સ્થિતિ બદલવા અનેક પગલા લીધા
દેશમાં સ્થિતિ બદલવા માટે અમારી સરકારે ૨૦૧૪ પછી એક પછી એક નકકર પગલા લીધા છે. અને તેની અસર પણ દેશમાં દેખાઈ છે. આ ક્રાંતિકારી પગલાથી જનતાને હાડમારી ઓછી થઈ છે. અને ફાયદો થયો છે. દેશને પણ મોટો ફાયદો થયો છે. દેશ જે વસ્તુની આયાત કરતો હતો તે હવે નિકાસ કરી શકે તેવી સ્થિતિમાં આવ્યો છે.
દેશમાં મોટાપ્રમાણમાં રોજગારી સર્જીશું
દેશને આત્મનિર્ભર બનાવવા સાથે આપણે મોટા પ્રમાણમાં રોજગારી પણ સર્જવાની છે. કોલસા અને ખાણ ક્ષેત્ર માટે સરકારે લીધેલા મહત્વના પગલાથી કોલસા, ખાણ ક્ષેત્રને મજબૂતી મળશે અને દેશમાં જ મોટા પ્રમાણમાં રોજગારી સર્જાશે દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું આ મહત્વનું પગલુ છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ.
આદિવાસી વિસ્તારોનો વિકાસ થશે
ભૂતકાળમાં કોલસાની ખાણના મોટા મોટા કૌભાંડો બહાર આવ્યા હતા અને આ અંગે તમે સાંભળ્યું હશે કોલ ક્ષેત્રમાં નવું રોકાણ વધતા લોકોનું જીવન ધોરણ પણ સુધરશે જે વિસ્તારમાં કોલસાની ખાણો છે. એવા આદિવાસી અને પછાત વિસ્તારોનાં વિકાસ પણ થશે.
મજબૂત ખાણ ખનિજ ક્ષેત્ર વિના આત્મનિર્ભર બનવું અશકય
વડાપ્રધાને જણાવ્યું કે મજબૂત ખાણ અને ખનિજ ક્ષેત્ર વગર આત્મનિર્ભર બનવાનું ભારત માટે સંભવ નથી કારણ કે ખાણ અને ખનીજ ક્ષેત્ર આપણી અર્થ વ્યવસ્થાના મહત્વના સ્થંભ છે. સરકારના આ પ્રયાસથી કોલસા ઉત્પાદન સહિત આખુ કોલસા તંત્ર એક રીતે આત્મ નિર્ભર બનશે. દેશના ૧૬ જિલ્લા એવા છે કે જયાં કોલસાના મોટામોટા ભંડાર ભર્યા છે. પણ તેના લાભ એ વિસ્તારના લોકોને જોઈએ તેટલો થયો નથી કે વિકાસ થયો નથી. આ વિસ્તારોમાંથી આપણા ઘણા સાથીદારો દૂરદૂર મોટા મોટા શહેરોમાં રોજગારી માટે જાય છે. હવે આ કોલસા બ્લોકથી સ્થાનિક લોકોને રોજગારીની તકો વધશે અને એ વિસ્તારમાં રહેનારા લોકોને પણ વધારે સુવિધાઓ મળી શકાશે.
ચીન સાથે વાટાઘાટો ચાલુ છે
ભારત ચીન સરહદે પ્રવર્તતી તંગદિલી અંગે વડાપ્રધાને જણાવ્યું હતુ કે ગઈકાલે સ્થિતિ અંગે બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી. આજે પણ ચીન સાથે વાતચીત થઈ છે. ભારત ચીનની ખંધાઈથી વાકેફ છે. અને તેની કોઈપણ હરકતનો જડબા તોડ જવાબ આપવામાં આવશે તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ.