ઈરાન અને ભારત સાથે મળીને અફઘાનિસ્તાનને સુરક્ષિત કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. કારણકે ભારતની અફઘાનિસ્તાન મુદ્દે જે વિચારસરણી છે. તેને ઇરાને આવકારી છે. ઇરાને ભારતની ભૂમિકાને સ્વીકારી સાથે મળીને કામ કરવાના સંકેતો આપી દીધા છે. આ ઘટનાથી ત્રણ લાભ થઈ શકે છે. પહેલો ફાયદો એ કે અફઘાનિસ્તાનના મુદાને ઉકેલવામાં ભારતને નીતિમાં ઈરાનનો સાથ મળશે. બીજો ફાયદો ઈરાનના સાથથી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાવાની શકયતા પ્રબળ બની જશે. અને ત્રીજો ફાયદો ઈરાન અને ભારતના સબંધ વધુ ગાઢ બનશે.
ભારતને ભવિષ્યના ત્રણ ફાયદાઓ : પહેલો અફઘાનિસ્તાનના મુદાને ઉકેલવામાં ભારતને તેની નીતિમાં ઈરાનનો સાથ મળશે, બીજો ફાયદો ઈરાનના સાથથી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાવાની શકયતા પ્રબળ બની જશે અને ત્રીજો ફાયદો ઈરાન અને ભારતના સબંધ વધુ ગાઢ બનશે
ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રાયસીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરી હતી. ઈરાની નેતાએ દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જયશંકર સાથે મુલાકાત કરી હતી. એક મહિનામાં બંને દેશોના નેતાઓ વચ્ચે આ બીજી બેઠક હતી. જયશંકરે 7 જુલાઈના રોજ રશિયા જતા સમયે ઈરાનની રાજધાનીમાં રાયસીને મળ્યા હતા.
શુક્રવારની બેઠક દરમિયાન, ઈરાની રાષ્ટ્રપતિએ શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે બંને દેશો વચ્ચે ગાઢ સહકાર અને સંકલનના મહત્વ પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી એક અખબારી યાદીમાં રાયસીએ જણાવ્યું હતું કે, ઈરાન અને ભારત આ અફઘાનિસ્તાનમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રચનાત્મક અને ઉપયોગી ભૂમિકા ભજવી શકે છે, ખાસ કરીને અફઘાનિસ્તાન અને તેહરાન અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થાપનામાં ભારત સરકારની ભૂમિકાને આવકારે છે. તેવું તેમને જણાવ્યું હતું.
રાયસીએ ઉમેર્યું, “અફઘાનિસ્તાનના ભાવિનો નિર્ણય અફઘાન જાતે જ લેવો જોઈએ અને અમે માનીએ છીએ કે જો અમેરિકનો પરિસ્થિતિને તોડફોડ નહીં કરે તો આ મુદ્દો ઝડપથી ઉકેલાઈ જશે.
તહેરાન-નવી દિલ્હી સંબંધોના સ્તરને વધારવા માટે સંયુક્ત કાર્યક્રમની જરૂરિયાત પર ભાર મૂકતા રાયસીએ કહ્યું સંયુક્ત સહકાર કાર્યક્રમની દિશામાં આગળ વધીને, અમે બંને વચ્ચેના સંબંધોના સ્તરે વિવિધ પરિસ્થિતિઓ લાવવા માટે પગલાં લઈ શકીએ છીએ. પડોશી દેશો સાથે સંબંધો વિકસાવવાની ઈરાની સરકારની ઈચ્છા પર શપથ ગ્રહણ સમારોહમાં રાયસીના ભાષણને આવકારતા જયશંકરે કહ્યું હું ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને તમારા મંતવ્યો પહોંચાડીશ, અને અમે અમારો સહકાર વધારવાનો પ્રયત્ન કરીશું, ઈરાની રાષ્ટ્રપતિ કાર્યાલયે જયશંકરને ટાંકીને જણાવ્યું હતું. જયશંકરે પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે તેમણે પદ સંભાળ્યા બાદ રાયસી સાથે ” ખાસ બેઠક” યોજી હતી.તેઓએ વધુમાં જણાવ્યું કે નવા પ્રેસિડેન્ટની દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ હતી.ભારત પણ તેમની સાથે કામ કરવા માટે આતુર છે.
અફઘાનિસ્તાનની શાંતિ અને સ્થિરતામાં ભારત મુખ્ય હિસ્સેદાર રહ્યું છે. તેણે યુદ્ધગ્રસ્ત દેશમાં સહાય અને પુનઃનિર્માણની પ્રવૃત્તિઓમાં લગભગ 3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તે અફઘાનિસ્તાનના રાજકીય ક્ષેત્રના તમામ વિભાગોને સમૃદ્ધ અને સલામત ભવિષ્ય માટે લઘુમતી સમુદાયો સહિત દેશના તમામ લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા સાથે મળીને કામ કરવા હાકલ કરી રહ્યું છે.
યુએનમાં ભારતના રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ જાહેરાત કરી હતી કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ચર્ચા કરવા અને તેની સમીક્ષા કરવા માટે યુએન સુરક્ષા પરિષદ શુક્રવારે ભારતીય રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં મળશે. અફઘાનિસ્તાન પર યુએનએસસીની બેઠક યોજવાનો નિર્ણય બે દિવસ પછી આવ્યો જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ આત્મારે તેમના ભારતીય સમકક્ષ જયશંકર સાથે યુએનએસસીનું કટોકટી સત્ર બોલાવીને ત્યાંની કથળેલી સુરક્ષા પરિસ્થિતિ અંગે વાત કરી હતી.
ભારત ઓગસ્ટ માટે UNSC નું પ્રમુખપદ ધરાવે છે. અમેરિકાએ 1 મેથી દેશમાંથી સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કર્યું ત્યારથી તાલિબાન વ્યાપક હિંસાનો આશરો લઈને અફઘાનિસ્તાનમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. યુએસએ પહેલાથી જ તેના મોટાભાગના દળોને પાછા ખેંચી લીધા છે અને 31 ઓગસ્ટ સુધીમાં ડ્રોડાઉન પૂર્ણ કરવા વિચારી રહ્યું છે.
ઈરાન ભારત સાથે સંબંધો ગાઢ બનાવવા આતુર : નવા પ્રેસિડેન્ટનો ઈશારો
ઈરાન ભારત દેશ સાથે સંબંધો ગાઢ બનાવવા માટે ખૂબ આતુર છે.નવા પ્રેસિડેન્ટે આ વાતનો સ્પષ્ટ ઈશારો આપી દીધો છે. વધુમાં રાયસીએ કહ્યુ આજથી આપણે નવા પરિપ્રેક્ષ્ય સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોના વિકાસમાં નવા અને અલગ પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે ઈરાન સરકાર પડોશી દેશો અને ક્ષેત્ર, ખાસ કરીને ભારત સાથે સંબંધો વિકસાવવાની નીતિ અપનાવશે.તેમણે કહ્યું, ખાસ કરીને આર્થિક અને વ્યાપારી ક્ષેત્રોમાં, તેમજ નવી તકનીકો, જેનો ઉપયોગ આપણે આપણા સંબંધોના સ્તરને પ્રોત્સાહન આપવા માટે કરવો જોઈએ.
ભારતના ઇરાન સાથેના સંબંધો માત્ર તેલના નહિ, રાજકીય-આર્થિક- લશ્કરી દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના
ઇરાન સાથેના સંબંધો કેવળ તેલના કારણે જ નહીં પરંતુ રાજકીય-આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ ભારે મહત્વના છે. અફઘાનિસ્તાન સ્થિત ભારતનાં રાજકીય અને આર્થિક હિતોની રક્ષા માટે ઇરાન આપણું ભારે મહત્વનું સહયોગી છે. અમેરિકાના ભૂસ્તર વિભાગના સર્વેક્ષણ પ્રમાણે અફઘાનિસ્તાનમાં લોખંડ, તાંબુ તથા સોના સહિત લગભગ ૧૦૦ અબજ ડોલર ઉપરાંતની કાચી ઘાતુઓ સદીઓથી ભૂમિમાં ભંડારાયેલી પડી છે.
અફઘાનિસ્તાનમાંથી આ લોખંડની કાચી ધાતુ ભારત લાવવી શી રીતે? સરળમાં સરળ માર્ગ ખૈબરઘાટથી પાકિસતાન થઈ જમીન માર્ગે આ ખનીજ ભારતનાં કારખાનાઓમાં પહોંચાડી શકાય તેમ હતો પરંતુ અફઘાનિસ્તાનમાં ભારતના પ્રભાવનો વિરોધ કરતું રહેલું ઇસલામાબાદ આવી મંજૂરી આપે તેમ ન હતું. અહીં ફરીવાર ઇરાન જ આપણને સહાયભૂત થઈ શકે તેમ નીવડ્યું. બાદમાં લોખંડની ખાણો જે વિસ્તારમાં આવેલી છે તે બોમયાન પ્રાંતના હાજીગાડુ શહેરથી અફઘાન સીમા પાર કરી ઇરાનના ચાહબહાર બંદર સુધી લગભગ ૯૦૦ કિલોમીટર લાંબી રેલવે લાઈન નાખવાનું આયોજન ભારતે કરી નાખ્યું હતું.
અરબી સાગર પર આવેલું ચાહબહાર બંદર આપણા પશ્ચિમી તટની બરાબર સામું હોવાથી ત્યાંથી આ કીમતી ખનીજ લાવવામાં ભારતને ભારે સુવિધા પડવાની છે. આ બંદરના વિકાસનો કાર્યક્રમ પણ ભારતે હાથ ધર્યો. અને પ્રતિ વર્ષે ૮૦ લાખ ટનની હેરાફેરી થઈ શકે તેવું આયોજન કર્યું. ચાહબહારનો વિકાસ થતાં હવે અફઘાનિસ્તાન અને તે દ્વારા મધ્ય એશિયાના માજી સોવિયત પ્રજાસત્તાકો સુધી પાકિસ્તાનની આડોડાઈને કારણે ભારત ખૈબરઘાટ દ્વારા જે વ્યાપાર અફઘાનિસ્તાન સાથે કરી શકતું ન હતું તે અવરોધનો હવે અંત આવી ગયો. આમ પાકિસ્તાનને બાજુએ રાખી અફઘાનિસ્તાન આ બંદર દ્વારા પહોંચી શકાશે પરંતુ વધારામાં આ બંદરની સામે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું ગ્વાદર બંદરને ઇસ્લામાબાદે ચીનને સોંપી દીધું છે.
હવે ભારત ચાબબંદર પરથી ચીનની ગતિવિધિઓ પર બરાબર નજર રાખી શકે છે આમ ઇરાન સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે ભારત પોતાનાં અફઘાનિસ્તાન હિતોની રક્ષા તો કરી શકશે પરંતુ વધારામાં હિંદ મહાસાગર વિસ્તારમાં પગપેસારો કરવા ચીન ગ્વાદર બંદરનો ઉપયોગ કરવાનું જે આયોજન કરી રહ્યું છે તેના વળતા પગલાં તરીકે ભારત ઇરાનના ચાહબંદરનો ઉપયોગ કરે છે. આમ ચીન-પાકિસ્તાનની વધતી જતી જુગલબંધી વચ્ચે સત્તાની સમતુલા જાળવી રાખવા ભારતને ઇરાનનો સાથ જરૂરી છે.
ભારત હમેશા અફઘાનને મદદ કરતું આવ્યું, તેમાં તાલિબાનોના પેટમાં તેલ રેડાયું
ભારત હમેંશા અફઘાનને મદદ કરતું આવ્યું છે. અમેરિકાએ વર્ષ 2001માં અફઘાનિસ્તાન ઉપર હૂમલો કરતા ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ત્યારે પુનઃનિર્માણમાં ભારતે ખૂબ સાથ આપ્યો હતો. ત્યાં સંસદભવન, રોડ, ડેમો, શાળા- કોલેજોનું ભારતે નિર્માણ કરી આપ્યું હતું. તાલિબાનોએ પણ કહ્યું કે અમને ભારત સાથે કોઈ વાંધો નથી. બસ ભારત ત્યાંની અત્યારની સરકારની મદદ કરવાનું બંધ કરે. આમ ભારત સતત અફઘાનિસ્તાનની મદદ કરી રહ્યું છે જેનાથી તાલિબાનોના પેટમાં તેલ રેડાયું છે.
ભારતની કૂટનીતિને પારખવામાં રશિયા ઉણું ઉતર્યું!!
ભારતના અમેરિકાના સાથેના સબંધ અલગ છે. રશિયા સાથેના સબંધ પણ અલગ છે. પણ રશિયા આ કુટનીતિ પારખવામાં ઉણું ઉતર્યું છે. ભારત હમેશા બધા સાથે સંબંધો બેલેન્સ રાખવામાં માને છે. આજે અમેરિકા એવો દેશ છે કે કોઈ વિકાસશીલ દેશ તેની સાથે ભીડવાનું સાહસ વિચારી પણ ન શકે. ભારતને અમેરિકા સાથે પણ સબંધ રાખવા જરૂરી છે. તો રશિયા સાથે પણ જરૂરી જ છે. ભારતના અમેરિકા સાથેના સંબંધોથી રશિયાને જરા પણ ગમતું નથી. જેથી જ અફઘાનિસ્તાન અને તાલિબાન વિશે ચર્ચા કરવા માટે રશિયાએ જે બેઠક બોલાવી તેમાં ભારતને આમંત્રણ જ ન આપી રશિયાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.