- નવી દિલ્હી ખાતે આયોજિત “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો-2024” ગુજરાતના હાથશાળ અને હસ્તકલા કારીગરોને ફળ્યો
- ગરવી ગુર્જરીના માધ્યમથી ગુજરાતના કારીગરોએ મેળામાં રૂ. 1.25 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ કર્યું
- ગુજરાતના પરંપરાગત હાથવણાટ-હસ્તકલાના સુંદર ઉત્પાદનો બન્યા આકર્ષણનું કેન્દ્ર; મુલાકાતીઓ તરફથી મળી અપાર પ્રશંસા
ભારત સરકાર દ્વારા ગત તા. 14 થી 27 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિરાસત સમા હાથશાળ અને હસ્તકલાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં મુખ્ય ઉદ્દેશ્ય સાથે ગરવી ગુર્જરીએ આ મેળામાં ભાગ લીધો હતો. ગરવી ગુર્જરી દ્વારા આ મેળામાં રાજ્યના હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ગરવી ગુર્જરીએ અધધ રૂ. 1.25 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે.
વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ હેઠળ ગુજરાતના વિશેષ ઉત્પાદનોને ભારતભરમાં પ્રોત્સાહિત કરવા તેમજ પરંપરાગત કળા, હાથશાળ અને હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરોને એક ઉત્તમ મંચ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમે (ગરવી ગુર્જરીએ) આ મેળામાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ પુરસ્કારથી સન્માનિત 06 કારીગરો સહિત ગુજરાતના કુલ 60 કારીગરોએ પોતાના 20થી વધુ ઉત્કૃષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન ગુજરાતની પરંપરાગત હાથવણાટ અને હસ્તકલાની સુંદર ચીજવસ્તુઓને મુલાકાતીઓ તરફથી અપાર પ્રશંસા મળી હતી.
આ પ્રદર્શનના માધ્યમથી ગુજરાતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા માટે ગરવી ગુર્જરીની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ હતી. પ્રદર્શન દરમિયાન ગરવી ગુર્જરીએ ગ્રાહકોને આકર્ષવામાં સફળતા તો મેળવી જ, પરંતુ કારીગરોને વિશાળ કલાપ્રિય ગ્રાહકો સાથે સંપર્ક કરાવી નોંધપાત્ર તકો પણ ઊભી કરી હતી. રાજ્ય સરકારની આ પહેલ સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા અને ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરે છે.