- રાજકોટમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રિય મહિલા ક્રિકેટ મેચ રમાવાની હોય ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ: ત્રણ વન-ડેની ચેમ્પિયનશિપનો કાલથી પ્રારંભ, બીજો મેચ તા.12ના અને ત્રીજો મેચ તા.15ના રમાશે
- સવારે 11 વાગ્યાથી મેચ શરૂ થશે, ક્રિકેટરસિકોને વિનામૂલ્યે એન્ટ્રી
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણીનો કાલથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે ત્યારે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર છેલ્લા બે દિવસથી નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. મંગળવારે બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયું હતું અને ભારત અને આયર્લેન્ડના ખેલાડીઓ સ્ટેડિયમ ખાતે પહોંચી પ્રેક્ટિસ કરવામાં આવી હતી. બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા વોર્મઅપ, ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની નેટ પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત મહિલા ટીમનું રાજકોટમાં આગમન થયું છે અને બન્ને ટીમના મહિલા ખેલાડીઓ પ્રથમ વખત આ મેદાન પર મેચ રમનાર છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કાલથી જંગ જામશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ કાલથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઇ બન્ને ટીમો દ્વારા આજે નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. બન્ને ટીમ પ્રથમ વખત આ મેદાનમાં રમવા માટે ઉતરવાની છે ત્યારે જીત માટે સતત 3 દિવસ નેટ પ્રેક્ટિસ કરી હવે કાલે સામ સામે ટકરાશે. ત્યારે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફોર્મમાં ચાલી રહી છે અને આયર્લેન્ડની ટીમની સરખામણીમાં ભારતીય ટીમના ખેલાડીઓ વધુ અનુભવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટમાં જયારે મંગળવારે બંને ટીમોનું આગમન થયું ત્યારે શહેરના કાલાવડ રોડ પર આવેલ હોટલ સયાજી ખાતે તેમનું ભારતીય સંસ્કૃતિ મુજબ અને ફુલહાર તેમજ બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આયર્લેન્ડ સામેની આ ત્રણ મેચની સિરીઝમાં હરમનપ્રિત કૌરને રેસ્ટ આપવામાં આવ્યો છે આ સિરીઝની અંદર ટીમનું સુકાન સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવ્યું છે.
આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ
ગેબી લેવિસ (કેપ્ટન), અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર રીલી, અલાના ડાલઝેલ, લૌરા ડેલની, જ્યોર્જિના ડેમ્પસી, સારાહ ફોબ્ર્સ, આર્લિન કેલી, જોના લોઘરન, ઈમી મગુરી, લેહ પોલ, ઓર્લા પ્રિન્ડરગાસ્ટ, ફ્રેયા સાર્જન્ટ અને રેબેકા સ્ટોકેલનો સમાવેશ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
સ્મૃતિ મંધાના (કેપ્ટન), દિપ્તી શર્મા (વાઇસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલિન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, ઉમા છેત્રી, રિચા ઘોસ, તેજલ હસબનીસ, મીન્નુ મણી, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ, સાયમા ઠાકોર અને સયાલી સતઘરેનો સમાવેશ