આપાતકાલીન સમયમાં સાડા નવ દિવસ ચાલે તેટલા ક્રુડનો ૫.૩૩ મિલીયન ટનનો જથ્થો કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સંગ્રહ કરવામાં આવ્યો
વૈશ્વિક મહામારી કોરોના કાળમાં એપ્રિલથી મે માસ દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાં જે સસ્તા ભાવની ક્રુડ ખરીદી કરી છે તેનાથી દેશને આયાતમાં આશરે ૫ હજાર કરોડ રૂપિયાની બચત થઈ હોવાનું પેટ્રોલિયિમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જે સમયે ક્રુડના ભાવ તળીયે પહોંચ્યા હતા તે સમયગાળા દરમિયાન ભારતે ક્રુડનો બફર સ્ટોક કર્યો હતો. ભારત ક્રુડની આયાત કરતો ત્રીજો મોટો દેશ છે અને જયારે આંકડાકિય માહિતી લેવામાં આવે તો ભારતે ૮૫ ટકા ક્રુડની ખરીદી આયાત મારફતે કરવામાં આવતી હતી. ભારત દેશની અને કેન્દ્ર સરકારની વ્યુહાત્મક રણનીતિના પગલે જે ક્રુડનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેને લઈ છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂા.૧નો ઘટાડો પણ જોવા મળ્યો છે એવી જ રીતે ડિઝલમાં પ્રતિ લિટર રૂા.૩નો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દાયકામાં ક્રુડનો ભાવ તળીયે પહોંચતા જ ભારતે વ્યુહાત્મક રીતે સ્થિતિનો લાભ લઈ ક્રુડનો ખુબ મોટો જથ્થો સંગ્રહ કર્યો છે. ભારત દેશે ક્રુડનો સ્ટ્રોક ૩ અંડર ગ્રાઉન્ડ ટાંકા બનાવીને કર્યો હોવાનું પણ સામે આવ્યું છે જેમાં મેંગલોર અને પાદુર સાથો સાથ વિશાખાપટ્ટનમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતે ક્રુડ ઓઈલના ભાવનો ઘટાડો થતા તેનો લાભ લઈ ચાલુ વર્ષના એપ્રિલ અને મે માસ દરમિયાન ૧૬.૭૧ મિલીયન બેલરનાં ક્રુડની ખરીદી કરી છે જે ક્રુડ વિશાખાપટ્ટનમ અને મેંગલોર તથા પાદુરમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજયસભામાં પુછવામાં આવેલા પ્રશ્ર્નમાં જણાવ્યું હતું. ભારત દેશ જાન્યુઆરી માસ ૨૦૨૦માં ૬૦ ડોલર પ્રતિ બેરલરૂપે ખરીદી કરવામાં આવતી હતી જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ તળીયે પહોંચતા સરેરાશ ૧૯ ડોલર પ્રતિ બેરલે ખરીદી કરી છે જેથી ભારતે ૫ હજાર કરોડ રૂપિયાની બચત કરી હોવાનું પણ સામે આવ્યું છે.
બીજી તરફ ભારતે જે ક્રુડનો સંગ્રહ કર્યો છે તેમાં આપાતકાલીન સમયમાં જરૂરીયાત પડે તો સાડા નવ દિવસ ચાલે તેટલું ૫.૩૩ મિલીયન ટનનો ક્રુડનો સંગ્રહ મેંગલોર અને પાદુર ખાતે કરવામાં આવ્યો છે. છેલ્લા બે દસકામાં પ્રથમ વખત ક્રુડનો ભાવ તળીયે પહોંચતા ભારતને તેનો પુરતો લાભ મળ્યો છે. વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું જેનો સીધો જ લાભ ભારતને મળ્યો છે. વિશેષ માહિતી આપતા પેટ્રોલિયિમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, મેંગલોર અને પાદુર ખાતેના ક્રુડના ટાંકા અડધા ખાલી છે જયારે વિશાખાપટ્ટનમમાં પણ ક્રુડની સંગ્રહ માટેની જગ્યા રહેલી છે. સરકારના જણાવ્યા મુજબ ખાલી પડેલી જગ્યાને ભરવા માટે ભારત દેશ ક્રુડની ખરીદી, સાઉદી અરેબીયા, યુએઈ અને ઈરાકમાંથી કરશે. એવી જ રીતે મેંગલોર ખાતે કુલ સંગ્રહશકિત જે ૧.૫ મિલીયન ટનની છે તેમાંથી તેનો અડધો ભાગ અબુધાબી નેશનલ ઓઈલ કોર્પોરેશનને કરાર આધારીત હસ્તગત કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કંપનીએ તેમાં ક્રુડનો જથ્થો સંગ્રહ કર્યો નથી પરંતુ જે રીતે ભારતે ક્રુડના જથ્થાનો સંગ્રહ કર્યો છે તેનાથી દેશની આયાત ખર્ચમાં ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. પરિણામરૂપે દેશને આશરે ૫ હજાર કરોડ રૂપિયાનો ફાયદો ક્રુડના સંગ્રહથી મળ્યો છે.