શું રૂપિયાનું અવમૂલ્ય થશે?
ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ ડાયલોગનો પ્રારંભ
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને મોરચો સંભાળ્યો
ડોલર સામે રૂપિયાની નબળાઈ તથા વૈશ્વિક વ્યાપારમાં અમેરિકાએ ઈરાન પર મુકેલા પ્રતિબંધો સહિતનો મુદ્દો કેન્દ્ર સ્થાને
દેશના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમનને આર્થિક સ્થિતિ સંભાળવા તથા અસમાનતા ભેદવા મોદી સરકારે અમેરિકા સાથેના ટુ પ્લસ ટુ વાર્તાલાપ માટે કામે લગાડયા છે. કેટલાક સમયથી વૈશ્વિકસ્તરે પ્રતિકુળતાના કારણે રૂપિયામાં ધોવાણ થઈ રહ્યું છે. જયારે ઈરાન સાથેના ક્રુડના વેપાર માટે સબંધો પર અમેરિકાના પ્રતિબંધોના કારણે માઠી અસર પહોંચી છે. ક્રુડના વેંચાણ વીનીમયમાં અમેરિકાની દખલઅંદાજીથી ભારતમાં ઈંધણના ભાવ વધ્યા છે. જેથી ટુ પ્લસ ટુ વાર્તાલાપમાં અર્થતંત્રનો મુદ્દો ચર્ચાશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
દિલ્હી ખાતે આજથી ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ ડાયલોગ શરૂ થયા છે. જેમાં અમેરિકા તરફથી વિદેશ મંત્રી માઈક પોમ્પીયો તથા રક્ષામંત્રી જીમ મેટીસ ભાગ લેશે. આ વાર્તાલાપમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ અને અર્થતંત્ર મામલે વ્યૂહાત્મક વાટાઘાટો થશે. ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. જયારે બીજી તરફ પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણના ભાવમાં વધારો થયો છે. ત્યારે આ અસમાનતાને દૂર કરવા ભારત તરફથી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમનને કમાન સોંપાઈ છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ લોકોને ડોલર સામે રૂપિયાના ધોવાણથી ગભરાવવાની જરૂર ન હોવાનું કહ્યું છે. ગઈકાલે તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે રૂપિયાનું ધોવાણ થયું છે. પરંતુ અન્ય દેશોના ચલણની સરખામણીએ ભારતનો રૂપિયો ઓછો ધોવાયો છે. રૂપિયાના ધોવાણ પાછળ ડોમેસ્ટીક કારણો નહીં પણ વૈશ્વિક પરિસ્થિતિ જવાબદાર છે માટે વિશ્ર્વ સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર ભારતને ગભરાવવાની જરૂર નથી. માત્ર રૂપિયા પર નહીં પરંતુ ડોલર સામે અન્ય ચલણ પણ નબળુ પડયું છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર ફૂગાવાનો દર ૪ ટકા જાળવવાનો સતત પ્રયાસ કરી રહી છે. બ્રિટીશ પાઉન્ડ અને યુરો સામે રૂપિયો મજબૂત જણાય રહ્યો હોવાનું પણ જેટલીએ ઉમેર્યું હતું. ડોલર સામે રૂપિયાના ધોવાણ અંગે ગભરાવવાની જરૂર ન હોવાની શાંતવના અરૂણ જેટલીએ આપી હતી.
આજથી શરૂ થઈ ચૂકેલી ટુ પ્લસ ટુ ડાયલોગનો વિચાર વડાપ્રધાન મોદીએ અમેરિકાની યાત્રા દરમિયાન મુકયો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે મહત્વની જાહેરાત પણ કરી હતી. આજે પાકિસ્તાનની નવી સરકાર અને તેની સાથેના સરહદી સબંધો મામલે પણ ચર્ચા થશે. રશિયા સાથેનો મિસાઈલ સોદો અને ઈરાનનું ક્રુડ વેંચાણ પણ ભારત અને અમેરિકા વચ્ચેના આ ડાયલોગનો મહત્વનો મુદ્દો બની રહેશે.
આર્થીક બેહાલીમાં પાકિસ્તાન પણ પાછળ નહીં ભારત સમક્ષ અર્થતંત્રને લઇ હાથ લંબાવ્યો
આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનનું અર્થતંત્ર બેહાલ થઈ ચૂકયું છે. અમેરિકા સહિતના દેશો પાકિસ્તાનને આર્થિક મદદ કરવામાં હવે નનૈયો ભણી રહ્યાં છે. જયારે ચીનની મદદ લેવી પાકિસ્તાનને પોષાય તેમ નથી. ચીને આર્થિક મદદના ઓઠા હેઠળ પાકિસ્તાનને ગળી જવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આર્થિક બેહાલીથી કંટાળેલા પાકિસ્તાને પોતાનું અર્થતંત્ર મજબૂત બનાવવા માટે ભારત તરફ હાથ ફેલાવ્યો હતો. પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી પહેલા પાક. સૈન્યના વડા બાજવાએ ભારત સાથે ગુપ્ત પ્રસ્તાવથી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. આર્થિક રીતે કથળી ચૂકેલા પાકિસ્તાનને ભારત મદદ કરે તેવી ઈચ્છા વ્યકત કરી હતી.