રેલવેઝ, કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિની વૈષ્ણવ 10મા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પશ્ચિમ રેલવે દ્વારા સંસ્થાપિત કરાયેલ ઈન્ડિયન રેલવેઝના પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી. રેલવે મંત્રીની સાથે અશોક કુમાર મિશ્ર – પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને અન્ય સિનિયર રેલવે અધિકારીઓ હતા.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભારતીય રેલવેના પેવેલિયનની મુલાકાત લીધી: સ્ટેશનોના નિર્માણ કામ ઝડપથી આગળ વધી રહ્યા છે જેથી શહેરો વચ્ચે સરળ અને ઝડપી પરિવહનને સક્ષમ બનાવાશે: મંત્રી
અશ્વિની વૈષ્ણવે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અને તેમને પોતાના નેતૃત્વ હેઠળના મંત્રાલયો મારફતે શરૂ કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યો વિશે માહિતી આપી. તેમણે આપણા દેશમાં સેમી-ક્ધડક્ટર ઉદ્યોગમાં કરાયેલ નોંધપાત્ર પ્રગતિ અને આપણા દેશમાં આ ક્ષેત્રમાં ટાટા ગ્રૂપ, માઈક્રોન ટેક્નોલોજી વગેરે જેવી વિવિધ મોટી કંપનીઓ દ્વારા કરાયેલા રોકાણનો ઉલ્લેખ કર્યો. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને કારણે જ થઈ શક્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના વિશે માહિતી આપતાં, વૈષ્ણવે જણાવ્યું કે વાયડક્ટ, ડેક, ટ્રેક અને ઓવરહેડ સાધનો ગોઠવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. દર મહિને સરેરાશ, આશરે 14 કિલોમીટરનું કામ થઈ રહ્યું છે.
અત્યાર સુધી, 270 કિ.મી. થી વધુના વાયડક્ટ મુકી દેવામાં આવ્યા છે. સ્ટેશનોના નિર્માણનું કામ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. બીઆરસી ટર્મિનલ ખાતે, થાંભલાઓનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મુંબઈ અને થાણે વચ્ચે સમુદ્ર હેઠળની ટનલની ડિઝાઈનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને બાંધકામનું કામ શરૂ થઈ ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે બુલેટ ટ્રેન પરિયોજના માત્ર એક પરિવહન પરિયોજના જ નથી પરંતુ એક વિશાળ પ્રાદેશિક ઉન્નતિ અને વિકાસની યોજના છે. તે મુંબઈ, થાણે, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ જેવા તમામ મોટા શહેરોની અર્થવ્યવસ્થાને એકીકૃત કરવામાં મદદ કરશે અને આ શહેરો વચ્ચે સરળ અને ઝડપી પરિવહનને સક્ષમ બનાવશે, જેનાથી ઉત્પાદકતામાં અનેકગણી વૃદ્ધિ થશે.
ત્યારબાદ, રેલવે મંત્રી, અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલ્વેઝના પેવેલિયનની મુલાકાત લીધી અને પેવેલિયનની ભવ્યતાથી પ્રભાવિત થયા જે અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનની થીમ પર આધારિત છે. તેમણે સ્ટેટિક પેનલ્સ અને ડાયનેમિક સ્ક્રીન્સ દ્વારા ખૂબ જ સર્જનાત્મક રીતે પ્રદર્શિત કરવામાં આવેલા ઇન્ફોગ્રાફિક્સમાં ઊંડો રસ દાખવ્યો. વૈષ્ણવે પશ્ચિમ રેલવે દ્વારા ડિઝાઈન કરાયેલ સર્જનાત્મક પેનલો અને ડાયનેમિક સ્ક્રીન્સ દ્વારા પ્રદર્શિત ભારતીય રેલવેઝના વિકાસ અંગેની વિસ્તૃત સામગ્રી અને ઇન્ફોગ્રાફિક્સની પ્રશંસા કરી. તેઓ પેવેલિયનના વિવિધ વિભાગોથી સમાન રીતે પ્રભાવિત થયા હતા જેમાં ચિનાબ બ્રિજ, અજની બ્રિજના મોડલ્સ અને ચાલતી ટ્રેનના મોડલ્સના પ્રદર્શનની સાથે આકર્ષક સામગ્રી, રસપ્રદ ઇન્ફોટેનમેન્ટ છે. તેમણે પેવેલિયનમાં વંદે ભારત અને ’પ્રેસ ટુ એક્સલેરેટ’ વિભાગના વીઆર અનુભવની પણ મજા માણી. રેલવે મંત્રી એ વિશાળ ભીડનું આકર્ષણ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સૌથી લોકપ્રિય પ્રદર્શન સ્ટોલ પૈકીના એક તરીકે ભારતીય રેલ્વેના આવા શાનદાર પેવેલિયનની પ્રસ્તુતી માટે પશ્ચિમ રેલ્વેના પ્રયત્નોની પ્રશંસા કરી.
વૈષ્ણવે સમિટમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન ના પેવેલિયનની પણ મુલાકાત લીધી. ત્યારબાદ તેઓ અમદાવાદના સાબરમતી ખાતે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ના ઓપરેશન ક્ન્ટ્રોલ સેન્ટર ગયા. ઓપરેશન ક્ધટ્રોલ સેન્ટરમાં મીડિય પ્રતિનિધિઓને માહિતી આપતાં વૈષ્ણવે જણાવ્યું કે 2014 પછી ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર ચાલુ કરવાના કામમાં ઝડપ આવી છે અને હવે લગભગ 89% કામ પૂર્ણ થઈ ગયું છે. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના કારણે, હવે આ કોરિડોર પર કાર્ગો ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે યાત્રીઓને લઈ જતી ટ્રેનો પરંપરાગત નેટવર્ક પર ચલાવવામાં આવી રહી છે. આજની તારીખે, પશ્ચિમી અને પૂર્વીય બંને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર ઉપર પ્રત્યેક દિવસે લગભગ 300 થી 350 ફ્રેઈટ ટ્રેનો ચાલી રહી છે જેનાથી પરિવહન સમયમાં લગભગ 50%-70% નો ઘટાડો થવા છતાં લોજિસ્ટિક ક્ષમતામાં વધારો થયો છે.