આવનારા ટી-૨૦ વિશ્ર્વકપમાં ચહર બનશે બુમરાહનો સાથીદાર !
ઝડપી ફોરર્મેટમાં હેટ્રીક લેનાર દીપક ચહર પ્રથમ ભારતીય
ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી ભારતે ૨-૧થી જીતી લીધી છે જેમાં છેલ્લા ટી-૨૦ મેચમાં દીપક ચહરે ૭ રન આપી ૬ વિકેટ ઝડપતા તરખાટ મચાવ્યો હતો ત્યારે શોર્ટ ફોરમેટ એટલે કે ટી-૨૦માં હેટ્રીક પ્રાપ્ત કરનાર દીપક ચહર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે ત્યારે માનવામાં આવે છે કે આવનારા ટી-૨૦ વિશ્ર્વકપમાં દીપક ચહર બુમરાહનો સાથીદાર બનશે. દીપક ચહરની સ્ટ્રેન્થ વિશે વાત કરવામાં આવે તો તેનાં સ્લો બોલ અને મીડલ ઓવર સ્પેલ સૌથી ઉતમ હોવાથી આવનારા વિશ્ર્વકપમાં દિપક ચહર ભારતીય ટીમ માટે ડાર્ક હોર્સ સાબિત થશે તેવું પણ ટીમ મેનેજમેન્ટ દ્વારા માનવામાં આવી રહ્યું છે.
ભારતીય ટીમમાં બેટીંગની સાથોસાથ બોલીંગમાં પણ હવે અનેકવિધ ઓપ્શન ઉપલબ્ધ રહેલા છે જેનો ઉપયોગ ભારતીય ટીમ ગમે ત્યારે કરી શકે છે ત્યારે માનવામાં આવતું હતું કે, પ્રથમ ટી-૨૦ મેચ હાર્યા બાદ ટીમ દ્વારા જે અખતરા કરી જે ખતરો મોડી લીધી હતો તે કેટલા અંશે ઉપયોગી સાબિત થશે કે કેમ સૌથી મોટો પ્રશ્ર્ન હતો પરંતુ જે રીતે બીજા અને ત્રીજા ટી-૨૦ મેચમાં ભારતીય ટીમે કમબેક કરી બાંગ્લાદેશને હંફાવ્યું તે જોતા એ લાગે છે કે ટીમ મેનેજમેન્ટ દ્વારા જે અખતરો કરવામાં આવ્યો હતો તે ખતરો નહીં પરંતુ એક ઓપ્શન ઉભો કર્યો છે. બાંગ્લાદેશ સામે રવિવારે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ ક્રિકેટ મેચમાં ભારતે ૩૦ રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. અંતિમ મેચમાં ભારતના વિજયનો હિરો રહ્યો હતો દીપક ચહર. ભારતના સ્ટાર બોલરે રવિવારે બે શાનદાર રેકોર્ડ નોંધાવ્યા હતા. આ મેચમાં દીપક ચહરે હેટ્રિક ઝડપી હતી અને ટી૨૦ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનારો બોલર પણ બની ગયો છે. તેણે ૩.૨ ઓવરમાં સાત રન આપીને છ વિકેટ ઝડપી હતી. દીપક આંતરરાષ્ટ્રીય ટી૨૦માં હેટ્રિક નોંધાવનારો પ્રથમ ભારતીય બોલર છે.
દીપક ચહરે ૧૮મી ઓવર કરી હતી અને તેના અંતિમ બોલ પર તેણે શફિઉલ ઈસ્લામની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તેણે મેચની અંતિમ ઓવર એટલે કે ૨૦મી ઓવર કરી હતી. જેમાં તેણે ૨૦મી ઓવરના પ્રથમ બોલ પર મુસ્તાફિઝુર રહેમાનને શ્રેયસ ઐય્યરના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારપછીના બોલ પર તેણે અમિનુલ ઈસ્લામને બોલ્ડ કરીને પોતાની હેટ્રિક પૂરી કરવા ઉપરાંત બાંગ્લાદેશને આઉટ કર્યું હતું અને ભારતને વિજય અપાવ્યો હતો. આ મેચમાં દીપકે ૩.૨ ઓવર કરી હતી જેમાં તેણે સાત રન આપ્યા હતા અને છ વિકેટ ઝડપી હતી. જે આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ સ્પેલ છે. અગાઉ સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ શ્રીલંકાના અજંતા મેન્ડિસના નામે હતો. મેન્ડિસે ૨૦૧૨માં હમ્બનતોતા ખાતે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વે સામે ચાર ઓવરમાં આઠ રન આપીને છ વિકેટ ઝડપી હતી. જ્યારે ત્રીજા ક્રમે પણ મેન્ડિસ જ છે જેણે ૨૦૧૧માં પલ્લીકલ ખાતે ચાર ઓવરમાં ૧૬ રન આપીને છ વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે ભારત માટે અગાઉ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સ્પિનર યુજવેન્દ્ર ચહલનું હતું. ચહલે ૨૦૧૭માં બેંગલોરમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડ સામે ચાર ઓવરમાં ૨૫ રન આપીને છ વિકેટ ઝડપી હતી.