ભારતીય ઓલિમ્પિક એશો.ના સુધારેલા બંધારણને શુકનીયાળ ગણાવતા નીતા અંબાણી
ભારતમાં ખેલકુદને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના પ્રયાસો હવે પરિણામરૂપ બની રહ્યા છે. ભારતીય ઓલિમ્પિક એશો. દ્વારા અનેક જરૂરી સુધારા સાથે નવુ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. આ વખતે અને હવે પછીના ખેલમહોત્સવમાં ભારતનો દબદબો વધે તેવો આત્મવિશ્ર્વાસ નીતાબેન અંબાણીએ વ્યકત કર્યો છે.
આઇઓસી સભ્ય નીતા અંબાણીએ આજે ભારતીયઓલિમ્પિકએસોસિએશન (આઇઓએ)ના નવા સંશોધિત ડ્રાફ્ટ બંધારણનું સ્વાગત કર્યું અને તેને ભારતના ઓલિમ્પિક સ્વપ્નમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી હતી. નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એલ નાગેશ્વર રાવ દ્વારા તૈયાર કરાયેલના સુધારેલા બંધારણના અંતિમ ડ્રાફ્ટમાં કેટલાક મુખ્ય ફેરફારો મૂકવામાં આવ્યા છે, જે 10 નવેમ્બરે તેની સામાન્ય સંસ્થાની બેઠકમાં ઔપચારિક રીતે અપનાવવામાં આવશે.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય નીતા અંબાણીએ નવા સંશોધિત આઈઓએ ડ્રાફ્ટ બંધારણમાં એથ્લેટ્સ અને મહિલાઓના વધુ પ્રતિનિધિત્વની પ્રશંસા કરી કહ્યું હું ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવને ભારતના ઓલિમ્પિક અભિયાનમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ માટે અભિનંદન આપું છું કારણ કે આપણે વધુ સમાવિષ્ટ અને આશાસ્પદ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આઇઓસીમાં મારા સાથીદારો સાથે પરામર્શ કરીને બનાવેલું આઈઓએનું સંશોધિત ડ્રાફ્ટ બંધારણ મને ખૂબ આશાવાદી બનાવે છે, ખાસ કરીને ભારતીય રમત ગમતના વહીવટમાં એથ્લેટ્સ અને મહિલાઓ માટે વધુ પ્રતિનિધિત્વ અંગે લેવાયેલા પગલાં માટે.
2023 ભારતના ઓલિમ્પિક અભિયાન માટે મહત્ત્વનું વર્ષ છે, કારણ કે ભારત મુંબઈમાં આઈઓસી સેશનનું આયોજન કરશે. ભારત આઈઓસી સત્રનું આયોજન કરશે એવું 40 વર્ષમાં પહેલીવાર બની રહ્યું છે અને તે ભારતની ઓલિમ્પિક સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે. નવા ડ્રાફ્ટ બંધારણીય સુધારા પર વધુ ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે, હું દૃઢપણે માનું છું કે આ સુધારા ભારત માટે રમતગમતમાં આપણી સાચી ક્ષમતા હાંસલ કરવાનો માર્ગ મોકળો કરશે. મુંબઈમાં 2023 આઈઓસી સત્ર અને 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ઈન્ડિયા હાઉસની સફળ યજમાનીથી શરૂ કરીને ભારતની ઓલિમ્પિક મહત્ત્વાકાંક્ષાઓને વેગ આપવા માટે આઇઓએના નવા ચૂંટાયેલા સભ્યો સાથે મળીને કામ કરવા હું આતુર છું.
ભારતીય ઓલિમ્પિકના સ્વપ્ન માટેના તેમના સતત પ્રયાસોના ભાગરૂપે શ્રીમતી અંબાણીએ આ વર્ષની શરૂઆતમાં 2023માં આઈઓસી સત્રની યજમાની માટે ભારતની ઉમેદવારી નોંધાવવા માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જ્યાં ભારતને 40 વર્ષના સમયગાળા પછી લગભગ સર્વસંમતિથી યજમાનીના અધિકારો આપવામાં આવ્યા હતા. આઇઓસીનું સત્ર કમિટીના સભ્યો, ઇન્ટરનેશનલ ફેડરેશન પ્રતિનિધિઓ અને ઓલિમ્પિક અભિયાન અન્ય મુખ્ય હિસ્સેદારોની યજમાની કરશે અને ભારતને રમતગમતની મહત્વાકાંક્ષા વિશ્વ સમક્ષ રજૂ કરવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.
નીતા એમ અંબાણી, આઇઓસી સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન તરીકે “એથ્લેટ ફર્સ્ટ” નીતિના મજબૂત હિમાયતી છે અને યુવતીઓ અને મહિલાઓના રમત ગમતક્ષેત્રે પ્રતિનિધિત્વના મજબૂત પ્રોત્સાહક છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બહુવિધ ગ્રાસરૂટ ટુ એલિટ રમતોના વિકાસ કાર્યક્રમો થકી હંમેશા યુવતીઓ અને મહિલા રમતવીરોની ભાગીદારી તથા સફળતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં રમતવીરો માટે વિશ્વ-કક્ષાના અનુભવો અને સુવિધાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.