પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં અમેરિકાએ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવા પર, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમેરિકામાં નોંધાયેલા કેસમાં ભારતીય અધિકારીની કથિત સંડોવણી અત્યંત ગંભીર છે. તે ચિંતાજનક છે. બાગચીએ કહ્યું કે આ અમારી સરકારની નીતિની વિરુદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત અપરાધ, દાણચોરી, શસ્ત્રોની દાણચોરી અને કટ્ટરવાદની સાંઠગાંઠ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ જ કારણ છે કે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
અમેરિકામાં નોંધાયેલા કેસમાં ભારતીય નાગરિકની કથિત સંડોવણી અત્યંત ગંભીર અને ચિંતાજનક : વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી
બાગચીએ કહ્યું કે અમેરિકા સાથે દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર ચર્ચા દરમિયાન, યુએસ દ્વારા કેટલીક માહિતી શેર કરવામાં આવી હતી, જેમાં સંગઠિત અપરાધ, આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ વચ્ચેના જોડાણ વિશે માહિતી આપવામાં આવી હતી. અમે આવી માહિતીને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને તેથી જ આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી રહી છે. તપાસમાં બહાર આવેલી માહિતીના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બાગચીએ કહ્યું કે અમેરિકામાં નોંધાયેલા કેસમાં ભારતીય અધિકારીનો ઉલ્લેખ ચિંતાજનક છે.
અરિંદમ બાગચીએ કહ્યું કે જ્યાં સુધી કેનેડાનો સવાલ છે, અમે અગાઉ પણ કહ્યું છે કે કેનેડામાં ભારત વિરોધી કટ્ટરપંથીઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે અને આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. કેનેડામાં અમારા રાજદ્વારીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે કેનેડા સરકાર વિયેના ક્ધવેન્શનની શરતોનું પાલન કરે. અમે જોયું છે કે કેનેડાના રાજદ્વારીઓ પણ અમારી આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યા છે, જે બિલકુલ સ્વીકાર્ય નથી.
બીજી તરફ વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતની અધ્યક્ષતામાં આયોજિત કોપ 28 સંમેલનમાં ભાગ લેશે. પીએમ મોદી ઉચ્ચ સ્તરીય કાર્યક્રમ ’ટ્રાન્સફોર્મિંગ ક્લાઈમેટ ફાઇનાન્સ’માં ભાગ લેશે. વિદેશ સચિવે કહ્યું કે કોપ 28 કોન્ફરન્સ દરમિયાન ભારત અને સ્વીડન સંયુક્ત રીતે લીડઆઇટી 2.0 ઇવેન્ટનું આયોજન કરશે. આ એનર્જી ટ્રાન્ઝિશન ગ્રુપ છે. ભારત અને સ્વીડને સંયુક્ત રીતે વર્ષ 2019માં યુએન-ક્લાઈમેટ એક્શન સમિટ દરમિયાન આ ઈવેન્ટની શરૂઆત કરી હતી. તે શૂન્ય કાર્બન ઉત્સર્જન માટે શરૂ કરવામાં આવ્યું છે.
ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી 1 ડિસેમ્બરે ભારત પરત ફરશે. પીએમ મોદી યુએઇ માં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ દરમિયાન પણ સંબોધન કરશે. પીએમમોદી ભારત અને યુએઇ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત કોપ28 કોન્ફરન્સમાં ભાગ લેશે.