પાકિસ્તાનમાં પેલેસ્ટાઈનના રાજદૂત આતંકી સઈદ સાથે એક સ્ટેજ પર જોવા મળ્યા

તાજેતરમાં રાવલપિંડી ખાતે આતંકી હાફિઝ શઈદની રેલીમાં પેલેસ્ટાઈનના રાજદૂત જોવા મળ્યા હતા. આતંકી હાફિઝ શઈદ સાથેના આવા ગાઢ સંબંધો મુદ્દે ભારત સરકારે ચિંતા વ્યકત કરી છે અને પેલેસ્ટાઈન સરકાર સમક્ષ નારાજગી દર્શાવી છે.

દિલ્હી ખાતેના પેલેસ્ટાઈનના રાજદૂત સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. પાકિસ્તાનમાં પેલેસ્ટાઈનના રાજદૂત વલી અબુ અલી આતંકી શઈદ સાથે એક સ્ટેજ પર જોવા મળતા આ મુદ્દો વધુ ઘેરો બન્યો છે. આતંકી હાફિઝ શઈદ ૨૬/૧૧ના હુમલાનો માસ્ટર માઈન્ડ છે. હાલ તે પાકિસ્તાનમાં રાજકીય પક્ષ સ્થાપવા માટે મથામણ કરી રહ્યો છે. તાજેતરમાં અમેરિકાએ જેરુસ્લેમને ઈઝરાયેલનું કેપીટલ જાહેર કર્યું હતું. જેનો ભારતે વિરોધ નોંધાવ્યો હતો અને આ મુદ્દે ભારત પેલેસ્ટાઈનના પડખે ઉભુ રહ્યું હતું. ત્યારબાદ હવે પેલેસ્ટાઈનના પાકિસ્તાન સ્થિત રાજદૂત હાફિઝ શઈદ સાથે એક સ્ટેજ પર જોવા મળતા ભારતને દુ:ખ થાય તે વાસ્તવિક છે.

આ મુદ્દે ભારતમાં રહેલા પેલેસ્ટાઈનના રાજદૂત સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.આગામી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઈનની મુલાકાત લેવાના છે. જેરુસ્લેમ મુદ્દે ભારતનું વલણ પેલેસ્ટાઈન તરફી વધુ જોવા મળ્યું છે. માટે કેટલાક નિષ્ણાંતોએ ઈઝરાયલ જેવો મિત્ર ભારતે ગુમાવ્યો હોવાની ટીકા કરી છે. બીજી તરફ કાશ્મીર મુદ્દે પેલેસ્ટાઈન ભારત વિરુધ્ધનું વલણ દર્શાવી ચૂકયું છે. ત્યારે પેલેસ્ટાઈન સાથે કઈ પ્રકારની સંબંધો રાખવા જોઈએ તે ચર્ચાનો વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.