ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ ઈન્ડિયા તરફથી તિલક વર્માએ અણનમ 55 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે અણનમ 40 રન બનાવ્યા હતા. સાઈ કિશોરે 3 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ લીધી હતી. હવે ભારતીય ટીમ કાલે પાકિસ્તાન સામે ફાઇનલમાં ટકરાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
સેમિફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને 9 વિકેટ હરાવ્યું: કેપ્ટ્ન ઋતુરાજ ગાયકવાડે 35 અને તિલક વર્માએ 55 રનની વિસ્ફોટક ઇનિંગ રમી
ભારત પાસે 21 ગોલ્ડ, 32 સિલ્વર અને 33 બ્રોન્ઝ સાથે કુલ 87 મેડલ
બાંગ્લાદેશે સેમીફાઈનલમાં ભારતને જીતવા માટે 96 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાઈ કિશોરે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, તિલક વર્મા, રવિ બિશ્નોઈ અને શાહબાઝ અહેમદે એક-એક વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી ઝાકિર અલીએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. તેણે 29 બોલનો સામનો કર્યો અને એક ફોર ફટકારી. પરવેઝે 32 બોલમાં 23 રન બનાવ્યા હતા.
ભારતીય કમ્પાઉન્ડ મેન્સ ટીમે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો
ભારતે કમ્પાઉન્ડ મેન્સ ટીમ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓજસ દેવતલે, અભિષેક વર્મા અને જાવકર પ્રથમેશ સમાધાનની ટીમે દક્ષિણ કોરિયાને 235-230ના માર્જિનથી હરાવ્યું હતું. ભારતનો અત્યાર સુધીનો આ ત્રીજો ગોલ્ડ છે.
મહિલા કબડ્ડી ટીમે નેપાળને કચડી ફાઇનલમાં પ્રવેશ કર્યો
ભારતની મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે સેમિફાઇનલમાં નેપાળને 61-17થી હરાવ્યું હતું. ભારતીય ટીમ શનિવારે ફાઈનલ મેચ માટે મેદાનમાં ઉતરશે. બીજી સેમિફાઇનલ મેચ ઈરાન અને ચીની તાઈપેઈ વચ્ચે રમાવાની છે. આમાં જે ટીમ જીતશે તે ભારતનો સામનો કરશે.
એશિયન ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ભારતના કુલ 87 મેડલ છે.એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આજે કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ પોતાની જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે પ્રથમ રાઉન્ડ 10-0થી જીત્યો હતો.મહિલા કુસ્તીબાજ સોનમ મલિકે પોતાની જીત સાથે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેણે સોમાલિયાના રેસલરને 10-0થી હાર આપી છે.