“ત્રિદેવ”માંથી બેને બહાલી; કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના આપાતકાલીન ઉપયોગને DCGIની મંજુરી
મોદીનું મિશન વેક્સિન; ત્રણ ફાર્મા કંપનીઓ સાથેની આત્મનિર્ભર ટુર ફળી!!
ભારતનો વિશ્વમાં ડંકો; બંને રસીનું દેશમાં જ ઉત્પાદન; આત્મનિર્ભરતાની સાથે નિકાસ પણ કરશે!!
કોરોના વાયરસને નાથી વૈશ્ર્વિક મહામારીના આ કપરા કાળમાંથી મૂકત થવા દરેક રાષ્ટ્રોની સરકાર તેમજ વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. આ માટે સૌથી વધુ ભાર ‘રસી’ પર મૂકાઈ રહ્યો છે. ત્યારે બ્રિટન, અમેરિકા અને રશિયા સહિતના દેશોમાં રસીકરણ બાદ હવે, ભારતમાં પણ આગામી ટૂંક જ સમયમાં રસી આપવાનું શરૂ થઈ જશે. કારણ કે આ માટે ડીસીજીઆઈએ (ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા) એક સાથે બે કોવિશીલ્ડ અને કોવેકિસનને મંજૂરી આપી દીધી છે. એ પરથી ફલિત થાય છે કે અને કોરોનામાંથી મૂકત થવા ભારત એક, બે નહિ પણ ‘ત્રિદેવ’ એટલે કે કોરોના વાયરસને નાથવા ‘દેવ’ રૂપી કાર્ય કરતી ત્રણ રસીઓ પર નિર્ભર છે. આ ‘ત્રિદેવ’ ગણાતી ત્રણ રસીઓમાંથી બેને બહાલી મળી ગઈ છે. જેમાં કોવીશિલ્ડ અને કોવેકિસનનો સમાવેશ છે.જયારે હવે, ત્રીજી રસી ‘ઝાયકોવ-ડી’ને બહાલી મળવાની રાહ છે. ભારત આ ‘ત્રીદેવ’ થકી રસીની ‘રસ્સાખેંચ’માં મેદાન મારી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આ ત્રણેય રસીમાં ‘આત્મનિર્ભરતા’ મેળવવાથી ભારત દૂર નથી.
‘મિશન વેકિસન’ શરૂ કરી થોડા સમય અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ત્રણ ફાર્મા કંપનીઓની મુલાકાત કરી હતી. જેમાં અમદાવાદની ઝાયડસ કેડિલા, હૈદરાબાદની ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઈન્સ્ટીટયુટનો સમાવેશ થયો હતો. આ ત્રણેય કંપનીનાં સીઈઓ તેમજ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી પીએમ મોદીએ રસી અંગે ચર્ચા કરી હતી. આ ત્રણમાંથી બે રસી ભારત બાયોટેકની સ્વદેશી વેકિસન કોવેકિસન અને સીરમ ઈન્સ્ટટીયુટની કોવિશીલ્ડને આપાતકાલિન ઉપયોગ માટે મંજૂરી મળી જતા પીએમ નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ટુર ફળી છે. એમાં પણ મોટી અને ગૌરવવંતી વાત એ છે કે, આ બંને રસીનું ઉત્પાદન ભારતમાં થયું છે.
સીરમ ઈન્સ્ટીટયુટની આ રસી કોવિશીલ્ડ ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકા સાથે મળી વિકસાવાઈ છે.જેના પ્રથમ ૧૦ કરોડ ડોઝ તૈયાર થઈ ચૂકયા છે. જયારે ભારત બાયોટેક કંપની અને આઈસીએમઆર દ્વારા વિકસાવાયેલી રસી ‘કોવેકિસ’ સંપૂર્ણ પણે સ્વદેશી જ છે.જેના પણ મોટી માત્રામાં બંને તૈયાર છે. હવે, માત્ર વાર છે તો રસીકરણ શરૂ થવાની !!