ભારત-પાકિસ્તાને એકબીજાની જેલમાં બંધ નાગરિકો અને માછીમારોની યાદી સોંપી

ભારતીય જેલમાં ૯૫ માછીમારો સહિત ૪૩૪ પાકિસ્તાની છે કેદ

વર્ષ ૨૦૦૮માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોન્સ્યુલર એક્સેસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હેઠળ બંને દેશો દર વર્ષે ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈના રોજ એક બીજાના નાગરિકોની માહિતી શેર કરે છે. જેના ભાગરૂપે ભારત-પાકિસ્તાને એકબીજાની જેલમાં બંધ નાગરિકો અને માછીમારોની યાદી પણ સોંપી છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને જણાવ્યું છે કે તેમના ૪૩૪ કેદીઓ ભારતની જેલોમાં બંધ છે. જેમાંથી ૩૩૯ નાગરિકો અને ૯૫ માછીમારો છે. જ્યારે આ તરફ પાકિસ્તાને પણ ૭૦૫ ભારતીય કેદીઓની યાદી પણ શેર કરી છે. તેમાં જણાવ્યું છે કે પાકિસ્તાનની જેલમાં ૫૧ નાગરિકો અને ૬૫૪ માછીમારો કેદ છે.

આ સમજુતી ભારત અને પાકિસ્તાન વચ્ચે ૩૧ ડિસેમ્બર ૧૯૮૮ ના રોજ કરવામાં આવી હતી. તેનો અમલ ૨૭ જાન્યુઆરી ૧૯૯૧ ના રોજ કરવામાં આવ્યો હતો અને પ્રથમ યાદી ૧ જાન્યુઆરી ૧૯૯૨ ના રોજ શેર કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે ૧ જાન્યુઆરીએ બંને દેશો આ યાદી શેર કરવામાં આવે છે.

ભારતે પાકિસ્તાનને તેના ભારતીય કેદીઓને વહેલી તકે મુક્ત કરવાની માંગ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જેમની સજા પૂરી થઈ ગઈ છે અને તે ભારતીય હોવાની પુષ્ટિ થઈ ગઈ છે તો તેમને મુક્ત કરી દેવામાં આવે.

ભારત અને પાકિસ્તાને રવિવારે એકબીજા સાથે તેમના પરમાણુ મથકોની યાદી પણ શેર કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રક્રિયા છેલ્લા ૩૨ વર્ષથી ચાલી રહી છે. બંને દેશો પરમાણુ સંસ્થાઓ અને સુવિધાઓ પર હુમલો નહીં કરવાના કરાર હેઠળ આ યાદી શેર કરે છે. આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એક સાથે પૂર્ણ કરવામાં આવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ ખતરા અંગે પણ સમજૂતી કરાઈ છે. જેને ૨૦૧૭માં પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી હતી. આ સમજુતી પરમાણુ હથિયારો સબંધીત દુર્ઘટનાના જોખમને ઘટાડવા માટે કરવામાં આવી હતી. આ સમજુતી અંતર્ગત બંને દેશ પોતાના ક્ષેત્રમાં પરમાણુ હથિયારોથી દુર્ઘટના થતા એક-બીજામે સૂચના આપશે. આવું એટલા માટે કારણ કે રેડિએશનના કારણે સરહદ પર પણ નુકશાન થઈ શકે છે. આ સમજુતી ૨૧ ફેબ્રુઆરી ૨૦૦૪ માં લાગુ કરવામાં આવી હતી. પ્રથમ વખત તેને ૫ વર્ષ માટે લંબાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.