ભારતીય બોલરો સામે કિવીઝ બેટસમેનો ઘુંટણીયે: કુલદીપ યાદવે ૪ અને સામીએ ૩ વિકેટો ખેડવી: ન્યુઝીલેન્ડ ૧૫૭ રનમાં ઓલ આઉટ: ખરાબ હવામાનના કારણે ભારતને ડકવર્થ લુઈઝ સિસ્ટમ મુજબ મળેલો ૧૫૬ રનનો લક્ષ્યાંક ૨ વિકેટના ભોગે હાંસલ કરી લીધો: શિખર ધવને અણનમ ૭૫ રન ફટકાર્યા

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં અજેય રહી કિર્તીમાન રચના વિરાટ સેનાએ ન્યુઝીલેન્ડ પ્રવાસમાં પણ શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. આજે નેપિયર ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતે ન્યુઝીલેન્ડને ૮ વિકેટે પરાજય આપી વન-ડે શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય બોલરોની આગ ઝરતી બોલીંગ સામે કિવીઝ બેટસમેનો રિતસર ઘુંટણીયે પડી ગયા હતા. માત્ર ૧૯ રન આપી ૩ કિવીઝ બેટસમેનોને પેવેલિયન ભેગા કરનાર મહમંદ સામીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આજે પ્રથમ વન-ડેમાં ન્યુઝીલેન્ડના શુકાની કેન વિલિયમ્સને ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો જોકે યજમાન શુકાની આ નિર્ણય ટીમ માટે ઘાતક સાબિત થયો હતો. કિવીઝ બેટસમેનો ભારતીય સ્પીનરો અને પેસરોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. એકમાત્ર કેન વિલિયમ્સને બાદ કરતા એક પણ કિવીઝ બેટસમેન પીચ પર ટકી શકયો ન હતો. કેને ૬૪ રનની શાનદાર ઈનીંગ રમી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે ૩૯ રનમાં ૪ વિકેટ, મહમંદ સામીએ ૧૯ રનમાં ૩ વિકેટ, યજુવેન્દ્ર ચહલે ૪૩ રનમાં ૨ વિકેટ, કેદાર જાદવે ૧૭ રનમાં ૨ વિકેટ હાંસલ કરી હતી. ન્યુઝીલેન્ડની આખી ટીમ માત્ર ૩૮ ઓવરમાં ૧૫૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

૧૫૮ રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખુબ જ સારી રહી હતી. ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે ૪૧ રનની અને ધવન તથા વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે ૯૧ રનની ભાગીદારી નોંધાવી ભારતનો વિજય નિશ્ચીત બનાવી દીધો હતો.

આ દરમિયાન ખરાબ પ્રકાશના કારણે રમત થોડીવાર રોકવી પડી હતી જેને લીધે ભારતને ડકવર્થ લુઈઝ સિસ્ટમ પ્રમાણે ૪૯ ઓવરમાં ૧૫૬ રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો જે ભારતીય ટીમે માત્ર ૨ વિકેટના ભોગે ૩૪.૫ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ઓપનર શિખર ધવને ૧૦૩ બોલમાં અણનમ ૭૫ રન અને અંબાતી રાયડુએ ૨૩ બોલમાં ૧૩ રન ફટકાર્યા હતા. સુકાની વિરાટ કોહલી ૪૫ રન પર આઉટ થયો હતો. આ સાથે ભારતે ૫ વન-ડેની શ્રેણીમાં ૧-૦ની લીડ હાંસલ કરી લીધી છે. બીજો વન-ડે ૨૬મી જાન્યુઆરીના રોજ રમાશે.

વન-ડેમાં સૌથી ઝડપી ૧૦૦ વિકેટ મેળવનાર બોલર બન્યો મોહમ્મદ સામી

7 27

ન્યુઝીલેન્ડ સામે આજે નેપિયર ખાતે રમાયેલા પ્રથમ વન-ડેમાં ભારતના ફાસ્ટ બોલર મહમંદ સામીએ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સૌથી ઓછા વન-ડેમાં ઝડપી ૧૦૦ વિકેટ મેળવનાર પ્રથમ ભારતીય બોલર મહંમદ સામી બની ગયો છે. મહમંદ સામીએ માત્ર ૫૬ વન-ડે મેચ દરમિયાન ૧૦૦ વિકેટ ઝડપતા આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આજે પ્રથમ વન-ડેમાં સામીએ માત્ર ૧૯ રન આપી ન્યુઝીલેન્ડના ૩ બેટસમેનોને પેવેલિયનની વાટ દેખાડી હતી અને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ હાંસલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.