ઓપનર અજીંક્ય રહાણેના ૧૦૩ અને કોહલીના ૮૭ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ૩૧૧ રનનો જંગી સ્કોર ખડક્યો: સિરિઝમાં ૧-૦ થી સરસાઇ લીધી
પોર્ટ ઓફ સ્પેનના ક્વિન્સ પાર્ક ઓવલ મેદાનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૦૫ રનથી ભારતીય ટીમે વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વનડે ઇન્ટરનેશનલ મેચમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યુ હતું પરંતુ અંતે ૪૩ ઓવરની મેચમાં ઓપનર અજીંક્ય રહાણેન ૧૦૩ રન અને કોહલીના ૮૭ રનની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ૩૧૧ રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૪૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ર૦પ રન કરી શકી હતી. પાંચ વનડેની સિરીઝમાં કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ ૧-૦ની સરસાઇ મેળવી છે.
આ જ મેદાન પર ગયા શુક્રવારની મેચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.ગઈ કાલે ટીમદીઠ ૪૩ ઓવરની મેચમાં ભારતે ૪૩ ઓવરમાં પાંચ વિકેટે ૩૧૦ રન કર્યા હતા. અજિંક્ય રહાણેએ સેન્ચૂરી ફટકારી હતી અને ૧૦૩ રન કર્યા હતા. એણે અને શિખર ધવન (૬૩)ની જોડીએ પહેલી વિકેટ માટે ૧૧૪ રન બનાવ્યા હતા. ધવનની વિકેટ પડ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી (૮૭) અને રહાણેની જોડીએ ટીમનો સ્કોર ૨૧૧ પર પહોંચાડ્યો હતો. તે પછી ભારતની વિકેટો નિયમિત અંતરે પડતી રહી હતી. હાર્દિક પંડ્યા ૪, યુવરાજ સિંહ ૧૪ રન કરીને આઉટ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાધવ, બંને જણ ૧૩-૧૩ રન કરીને નોટઆઉટ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૪૩ ઓવરમાં ૬ વિકેટે ૨૦૫ રન કરી શકી હતી. ઓપનર અને વિકેટકીપર શાઈ હોપ ૮૧ રન સાથે ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. એ સિવાય બીજો કોઈ બેટ્સમેન અડધી સદીની નજીક પણ પહોંચી શક્યો નહોતો. રોસ્ટન ચેઝ ૩૩ રન અને એશ્લે નર્સ ૧૯ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કાઈરન પોવેલ અને જેસન મોહમ્મદ, બંનેને ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે ઝીરો પર આઉટ કર્યા હતા. ચાઈનામેન બોલર કુલદીપ યાદવ ૫૦ રનમાં ૩ વિકેટ લઈને ભારતનો બેસ્ટ બોલર રહ્યો હતો. ઓફ્ફ સ્પિનર અશ્વિનને એક વિકેટ મળી હતી. રહાણેને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. બંને ટીમ હવે એન્ટીગ્વા ટાપુ પર જશે અને ત્યાં નોર્થ સાઉન્ડમાં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે ૩૦ જૂને એમની વચ્ચે ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાશે.