પૂર્વીય લડાખ સરહદે એપ્રિલથી મે મહિનામાં કરાયેલા બાંધકામો તોડી પાડવા સમજૂતી: ફિંગર ૪ અને ફિંગર ૮ વચ્ચે ’નો પેટ્રોલિંગ ઝોન’
ભારત અને ચીન વચ્ચે ઘણા મહિનાઓથી વાસ્તવિક નિયંત્રણ રેખા બાબતે માથાકૂટ ચાલતી હતી, દરમિયાન બંને દેશો વચ્ચે મતભેદ ઉકેલવા માટે તબક્કાવાર સૈન્યના ટોચના અધિકારીઓની બેઠકનો દોર થયો હતો. અંતે આઠમી બેઠકમાં બંને દેશોના સૈનિકો ત્રણ તબક્કામાં પરત થવા સમજૂતી થઇ હતી. હવે બંને દેશો આ બાબતનો કાયમી નિકાલ કરવા તૈયાર થયા છે સરહદે ફરીથી કોઇ તણાવ ન સર્જાય તે માટે પગલા લેવાનું નક્કી થયું છે.
જેના અનુસંધાને ભારત અને ચીન સરહદ નજીક ખડકવામાં આવેલા બાંધકામોને તોડી પડાશે. એપ્રિલથી મે મહિના દરમિયાન આ બંને દેશોએ સરહદે રોડ અને બંકર સહિતના બાંધકામો કર્યા હતા આ બાંધકામોને તોડી પાડવા માટે સમજૂતી થઈ છે.
ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે. આમ તો ભારત અને ચીન એકબીજાને શત્રુ સમજતા નહોતા ભારતે પોતાના સર્વ ભૌમત્વ માટે પ્રયાસો કર્યા હતા બંને દેશોએ સરહદે ખડકેલા જંગી શસ્ત્ર-સરંજામ બાદ હવે કાયમી શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.
તાજેતરમાં થયેલી શાંતિ મંત્રણામા બંને દેશો ફિંગર ૪ થી લઇ ફિંગર ૮ વિસ્તાર વચ્ચે પેટ્રોલીંગ ન કરવા માટે સહમત થયા છે. એકંદરે આ પરિપક્વ નિર્ણયના કારણે ભવિષ્યમાં પણ સૈનિકો વચ્ચે અથડામણ થશે નહીં તેવી આશા છે.
બન્ને દેશો વચ્ચે બે દિવસ પહેલા થયેલી સમજૂતી અનુસાર, પહેલા તબક્કામાં બંને દેશો ટેન્ક, તોપો અને હથિયારોથી સજ્જ વાહનોને એલએસીથી ખાસા દુર પાછા લઈ જશે. આ કામગીરી એક દિવસમાં પૂરી કરાશે. બીજા તબક્કામાં પેંગોગ લેકના ઉત્તરી કિનારા પર પણ બંને દેશની સેના પોતાની પહેલાની પોઝિશન પર પાછી ફરશે.આ કામગીરી ત્રણ દિવસ ચાલશે અને બંને દેશો રોજ ૩૦ ટકા સૈનિકોને પાછા હટાવશે.જેમાં ભારતીય સેના ધાનસિંહ થાપા પોસ્ટ સુધી પાછી જશે અને ચીની સેના ફિંગર આઠથી પાછળની પોઝિશન પર પાછી ફરશે. આ યોજનાના ત્રીજા તબક્કામાં બંને દેશની સેના ચુશુલ અને રેઝાંગ લા વિસ્તાર સહિત પેંગોંગ લેકના દક્ષિણિ કિનારા વિસ્તારમાંથી પણ પોતાની પહેલાની પોઝિશન પર જતી રહેશે.
હવે બન્ને દેશો પૂર્વીય લદાખ સરહદે થયેલા બાંધકામ તોડવા માટે પણ સહમત થઈ ચૂકી છે આ બાંધકામો એપ્રિલથી મે મહિના દરમિયાન કરવામાં આવ્યા હતા. હવે બંને દેશો વચ્ચે કાયમી શાંતિ જળવાઈ રહે તે મુજબના પગલા લેવાની તત્પરતા જોવા મળે છે.