બજારમાં કહેવાય છે ને કે જે ધંધામાં અદાણી અને અંબાણી આવે એ ધંધામાંથી બીજાએ રોકડી કરીને દુકાન સમેટી લેવી !!
બદલાતો યુગ, બદલાતી પેઢી અને બદલાતી ટેકનોલોજી હવે ભારતીયોની રુચિ તથા આવકનાં સાધનો પણ બદલવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. અખબારો, ટેલિવિઝન, થિયેટર, હોર્ડિંગ્સ, વેબસાઇટ, અને મોબાઇલ ઍપ તથા સોશ્યલ મિડિયા જેવા ડિજીટલ પ્લેટફોર્મ સહિતનાં અનેક નવતર પ્રયોગો તમારી સમક્ષ આવી રહ્યા છે અને તેની સાથે જ જાહેરાતનાં વિકલ્પ આવી રહ્યા છે. લોકો સુધી પહોંચવાનાં આ તમામ માધ્યમોમાં ડિજીટલ અર્થાત સ્ટ્રીમિંગ આધારિત વિકલ્પ સૌથી વધારે લોકપ્રિય થઇ રહ્યો છે. આ ઉપરાંત આજની પેઢીને ફિલ્મો અને ટેલિવિઝનની સિરિયલો કરતાં ફાસ્ટ રિઝલ્ટ આપતી, સૌથી વધારે રોમાંચ આપતી અને દિલધડક પરિણામો આપતી ટી-20 ક્રિકેટ મેચમાં વધારે આનંદ મળે છે.
આ અનુમાન અમારૂ નથી, નાણાકિય રીતે સાબિત થઇ ચુક્યું છે. રિસર્ચ રિપોર્ટ નહીં પણ હવે તો રિલાયન્સ જેવી કંપનીઓના ફાયનાન્શ્યલ રિઝલ્ટમાં પણ તે જોવા મળ્યું છે.
જિયોસિનેમાએ હાલમાં જ રમાયેલી આઈપીએલ-2023 નું ડિજીટલ પ્રસારણ કર્યુ તેમાંથી રિલાયન્સનાં મિડીયા એન્ડ એન્ટર્ટાઇન્મેન્ટ બિઝનેસની આવકમાં 142 ટકાનો અધધધ વધારો જોવા મળ્યો છે. યાદ રહે કે જિયોસિનેમાએ આઈપીએલનું ફ્રી સ્ટ્રીમિંગ ઓફર કર્યુ હતું. જેનાથી તેની ટેલવિઝનની જાહેરાતની આવક કરતા આ આવકમાં 13 ગણો વધારો જોવા મળ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો આઈપીએલ ના ડિજીટલ રાઇટ્સ વાયકોમ-18 દ્વારા લેવાનું રિલાયન્સ માટે વરદાનરૂપ સાબિત થયું છે. વાયકોમ-18 એ 2023 થી 2027 સુધીનાં આઈપીએલ રાઇટ્સ 20500 કરોડ રૂપિયામાં લીધા. જ્યારે ટેલિવિઝન રાઇટ્સ ડિઝની સ્ટારને 23575 કરોડ રૂપિયામાં મળ્યા હતા.
ભારતમાં સૌ જાણે છૈ કે ગેમ જિતવા માટે રિલાયન્સ આ દેશમાં નિયમો અને પરંપરા પણ બદલી નાખવા સક્ષમ છે. અહીં પણ કદાચ એવું જ થયું છે. અત્યાર સુધી બીસીસીઆઈ કોઇપણ કંપનીને ટેલિવિઝન અને ડિજીટલ રાઇ્ટસ એકસાથે જ આપતું હતું પરંતુ આ વખતે સૌ પ્રથમવાર બીસીસીઆઈ એ બન્નેનાં રાઇટ્સ અલગ-અલગ વેચ્યા હતા.
ડિજીટલ સ્ટ્રીમિંગ રાઇ્ટસની બીડમાં રિલાયન્સે એમેઝોન, ડીઝની સ્ટાર, અને સોની ઇન્ડિયા જેવી કંપનીઓને પાછળ રાખી અને પોતાનો કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો છે. જેને આપણે મેચ શરૂ થયા પહેલાની જીત કહી શકીએ. એડવર્ટાઇઝરોને પોતાના પ્લેટફોમ પર આકર્ષવા માટે રિલાયન્સે કોસ્ટ ફ્લેક્સીબિલીટી, મેઝરમેન્ટ, ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરવાની સુવિધા સહિતનાં અનેક વિકલ્પો આપ્યા હોવાથી એડવર્ટાઇઝરોનો પ્રવાહ જિયોસિનેમા તરફ ફંટાયો હતો.
આ ઉપરાંત ફ્રી સ્ટ્રીમની ઓફર આપી હોવાથી દર્શકો પણ આ તરફ ફંટાયા હતા. આંકડા બોલે છે કે 4.49 કરોડ લોકોઐ આઈપીએલ માટે જિયોસિનેમા ટ્યુન ઓન ર્ક્યુ હતું જ્યારે ફાયનલ માટે 1.20 કરોડ લોકોની હીટ જોવા મળી છે. દરેક દર્શકનો દરેક મેચ દીઠ સરેરાશ વ્યુ ટાઇમ એક કલાકથી વધારે નોંધાયો છે. આ અગાઉ ઓટીટી પ્લેટફોર્મ ઉપર ટી-20 નાં પ્રથમ સપ્તાહમાં પાંચ કરોડથી વધારે નવા ગ્રાહકોઐ ઍપ ડાઉનલોડ ર્ક્યા હોવાથી નવો વિક્રમ બન્યો હતો. આ સાથે જ જિયોસિનેમા દેશનું સૌથી મોટું ઓટીટી પ્લેટફોમ બન્યું છે.
આમ તો આ સેગ્મેન્ટનાં ચોખ્ખા નફામાં 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે અહીં મુદ્દો રિલાયન્સનાં કારોબારનો નથી પરંતુ મુદ્દો લોકોનાં બદલાતા માઇન્ડ સેટ અને પસંદગીનો છે. દર્શકોને મેચ મફતમાં જોવા મળે અને તેમ છતાંયે ટેલિકાસ્ટ સ્ટ્રીમિંગ હકો ધરાવતી કંપની એડવર્ટાઇઝમેન્ટસ દ્વારા કરોડો રૂપિયા કમાય તો આગામી દિવસોમાં દેશનાં ઓટીટી સેગ્મેન્ટમાં કેવી સ્પર્ધા અને ક્રાંતિ આવશે તેની આપણે કલ્પના કરવી રહી.
અત્રે યાદ રહે કે મોબાઇલ ઓપરેટર તરીકે રિલાયન્સે જ્યારે ભારતમાં એન્ટ્રી કરી ત્યારથી ઇનકમિંગ મોબાઇલ ફ્રી શરૂ થયા હતા. ત્યાર પહેલા દર મિનીટે આપને એક રૂપિયાથી માંડીને આઠ રૂપિયા સુધીનાં ચાર્જ ચુકવી ચુક્યા હતા. આજે દેશનાં મોબાઇલ ઓપરેટરોની શું હાલત છે? એટલે જ તો બજારમાં કહેવાય છૈ ને કે જે ધંધામાં અદાણી અને અંબાણી આવે એ ધંધામાંથી બીજાઓઐ રોકડી કરીને દુકાન સમેટી લેવી!