ઈઝરાયલ પાસેથી રૂ.૩૫૦૦ કરોડની એન્ટી ટેન્ક ગાઈડો મિસાઈલ-એટીજીએમ ખરીદવાનો કરાર ભારતે પડતો મુકયો!
ટોચની ઈઝરાયેલી ફર્મએ માહિતી આપતા જણાવ્યું છે કે, ભારતે ૩૫૦૦ કરોડ રૂપિયાના સંરક્ષણના કરાર રદ કર્યા છે. આ બાબતે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન યાહુએ દિલગીરી પણ વ્યકત કરી છે. ધી રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ લીમીટેડના પ્રવકતા ઈસાઈ ડેવિડે જણાવ્યું છે કે, ભારત મંત્રાલય તરફથી માહિતી મળી છે કે તેમણે મિસાઈલ અને હથિયારોનો સ્પાઈક કરાર રદ કર્યો છે. સ્પાઈક મિસાઈલ વિશ્ર્વમાં ૨૬ દેશો પાસે છે અને આ સ્પાઈક મિસાઈલ ખરીદવાનો ભારતે પણ નિર્ણય કર્યો હતો. તેમજ લાંબા વિચાર અને પ્રોસેસ બાદ ઈઝરાયલ સાથે કરાર કર્યો હતો પરંતુ હવે ભારતે આ કરાર રદ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી ઈઝરાયલ ભારતને એડવાન્સ અને ઈનોવેટીવ સિસ્ટમ પુરી પાડે છે તો સામે ઈઝરાયલ પણ ભારતીય માર્કેટમાં જોડાવા ઈચ્છે છે તેથી જ ઈઝરાયલે આ કરાર રદ થતા દુ:ખ વ્યકત કર્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ લીમીટેડની માંગોને ધ્યાને રાખી ભારતે આ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (એટીજીએમ) કરાર રદ કર્યો છે તેમ જાણવા મળ્યું છે. જોકે કંપનીએ આ માટે કોઈ નકકર કારણ જણાવ્યું નથી.
જણાવી દઈએ કે, ૩૫૦૦ કરોડનો આ કોન્ટ્રલટ એવા સમયે રદ થયો છે કે જયારે ઈઝરાયલના વડાપ્રધાન નેતાનયાહુ તાજેતરમાં જ ભારતની ચાર દિવસીય મુલાકાતે આવવાના છે. ૧૪ જાન્યુઆરીએ ઈઝરાયલ પીએમ નેતાનયાહુ સાથે રાફેલના સીઈઓ પણ ભારતની મુલાકાતે આવશે અને આ કરાર મામલે ચર્ચા કરશે તે સ્વાભાવિક છે.