ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે દેશની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના કનેક્શનની તપાસમાં વ્યસ્ત છે.
પીએમ જસ્ટિન ટ્રુડોનું નિવેદન ખોટું અને ભ્રામક: ભારતનો જડબાતોડ જવાબ
ઓટાવામાં હાઉસ ઓફ કોમન્સને સંબોધતા ટ્રુડોએ કહ્યું હતુ કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. ટ્રુડોએ કહ્યું કે પોતાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં અન્ય કોઈ દેશ અથવા વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે જેના દ્વારા લોકશાહી સમાજ કાર્ય કરે છે. તેમણે કહ્યું કે ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો ગુસ્સામાં છે અને કદાચ ડરી ગયા છે. તેથી અમને બદલવા માટે મજૂબત કરશો નહીં.
નોંધનીય છે કે ભારતના મોસ્ટ વોન્ટેડ અને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની 18 જૂનના રોજ કેનેડાના સરેમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. નિજ્જરને કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.
ભારતીય એજન્સી એનઆઈએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાનો પ્રમુખ હતા અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.
વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડાની સુરક્ષા એજન્સીઓ પાસે એવું માનવા માટેનું કારણ છે કે નિજ્જરની હત્યા ભારત સરકારના એજન્ટોએ કરી હતી. કેનેડિયન એજન્સીઓ નિજ્જરની હત્યામાં ભારતીય સંડોવણીની શક્યતાની તપાસ કરી રહી છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત મામલે ભારત સરકારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પીએમ જસ્ટિન ટ્રુડોનું નિવેદન ખોટું અને ભ્રામક છે. અમે કાયદાના શાસન માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જૂઠા છે અને તેમનું નિવેદન ભ્રામક છે. અમે કાયદાના શાસન માટે પ્રતિબદ્ધ છીએ. નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ટોચના ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હટાવી દીધા છે.