- ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના આક્ષેપો થતા ફરી વિવાદ: ભારતે કેનેડામાંથી ડિપ્લોમેટને પાછા બોલાવી લીધા, કેનેડિયન ડિપ્લોમેટને દેશ છોડવા આદેશ
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ ખૂબ જ ગંભીર સ્થિતિએ પહોંચ્યો છે. સોમવારે, નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનરને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને આરોપો પર ઠપકો આપ્યો હતો કે કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અને હાઈ કમિશનના અધિકારીઓને નિજ્જર હત્યા કેસ સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સોમવારે કેનેડાએ હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માનું નામ સામેલ કર્યું હતું. જેનો મતલબ પોલીસને લાગે છે કે તે કોઈ ગુનામાં સંડોવાયેલ હોઈ શકે છે. જો કે, પોલીસ તેની ધરપકડ કરી શકતી નથી, પરંતુ તેને તપાસ હેઠળ રાખી શકાય છે. ભારતે કેનેડા ખાતેના તેના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય તમામ અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે કે જેમની સામે કેનેડા સરકાર કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી રહી છે. મોડી સાંજે ભારતે કેનેડિયન હાઈ કમિશનર સહિત છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. તેમને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારના આરોપોને વાહિયાત ગણાવ્યા અને કહ્યું કે તેને હવે ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી, તે કંઈ પણ કરી શકે છે. તેણે એવી ચેતવણી પણ આપી છે કે ભારત વિરુદ્ધ ઉગ્રવાદ, હિંસા અને અલગતાવાદને સમર્થન આપતી ટ્રુડો સરકાર સામે વધુ કાર્યવાહી કરવાનો તેનો અધિકાર અનામત છે.
ઉલ્લેખનીય છે કે ભારત-કેનેડા વિવાદ વર્ષ 2023માં શરૂ થયો હતો જ્યારે 18 જૂને કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. કેનેડાએ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં ભારતની સંડોવણીનો દાવો કર્યો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બર, 2023ના રોજ કેનેડિયન સંસદમાં આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારના એજન્ટોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી હતી. ભારતે કેનેડાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક વર્ષથી ચાલી રહેલા આ વિવાદમાં કેનેડાએ હજુ સુધી ભારતને એક પણ પુરાવા આપ્યા નથી.
ભારત વિરોધી વલણ સહિતના કારણોસર ટ્રુડોની લોકપ્રિયતા ઘટી રહી છે
જસ્ટિન ટ્રુડોની ભારત પ્રત્યેની આક્રમકતા સ્થાનિક સ્તરે કેનેડાના વડા પ્રધાનની લોકપ્રિયતાના રેટિંગ્સ અને તેમની સામે વધતી જતી અસંતોષ સાથે સુસંગત છે, જે આગામી વર્ષની ફેડરલ ચૂંટણીઓ પહેલા રાજકીય રીતે મહત્વપૂર્ણ શીખ સમુદાયને આકર્ષવાની તેમની જરૂરિયાતને કારણે જોવામાં આવે છે. જીવનનિર્વાહની વધતી જતી કિંમત, સંઘર્ષ કરી રહેલી આરોગ્યસંભાળ પ્રણાલી અને ગુનાખોરીના વધતા દર અંગેની ફરિયાદો વચ્ચે, એક ઇપ્સોસ પોલમાં માત્ર 26% લોકોએ ટ્રુડોને સર્વશ્રેષ્ઠ પીએમ ઉમેદવાર તરીકે જોયા છે, જે ક્ધઝર્વેટિવ નેતા પિયર પોઈલીવરે કરતાં 19 ટકા ઓછા છે .’