ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપનને લાગે છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારત પાસે જીત મેળવવાની સર્વશ્રેષ્ઠ તક હશે કારણ કે, મેજબાન ટીમ ઘણી બાબતોમાં સારું પ્રદર્શન કરી રહી નથી. ચેપલે જણાવ્યું કે ભારત પાસે ઈંગ્લેન્ડને ટેસ્ટ સીરીઝમાં તેની જ જમીન પર હરાવવાની દુર્લભ તક છે. લોર્ડ્ઝના મેદાન પર પાકિસ્તાન સામે હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમને ઝટકો લાગ્યો છે. ત્યારબાદ ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હેડિંગ્લેમાં હરાવ્યું પણ તે પ્રભાવ છોડવામાં સફળ થઈ શકી નહીં.
ચેપલે ઈંગ્લેન્ડની ટીમમાં ઘણી ખામીઓ ગણાવી જેમાં એલિસ્ટર કૂકના પ્રદર્શનની સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે તેના જોડીદારને વારંવાર બદલવા અને ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં માત્ર રાઈટ આર્મ ફાસ્ટ બોલર્સનું હોવું શામેલ છે. તેમણે કહ્યું કે, ઑફ સ્પિનર ડોમ બેસ અનુભવહિન છે.
ચેપલે લખ્યું કે, ઈંગ્લેન્ડનો ટોપ ઓર્ડર મુરઝાઈ રહ્યો છે. બંને ઓપનર્સના કંગાળ પ્રદર્શનથી આ વાત આશ્ચર્યજનક નથી. કૂકની સાથે ઈનિંગની શરૂઆત માટે ઘણા બેટ્સમેનોને અજમાવાયા. કૂકનું પ્રદર્શન પણ કથળી રહ્યું છે. તેણે છેલ્લા એક વર્ષમાં ૨૯ ટેસ્ટ ઈનિંગ્સમાં ૧૯ વખત ૨૦ રનથી ઓછા રન બનાવ્યા છે જેમાં દસ વાર ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યો નથી.
જો ઓપનર બેટ્સમેન નિયમિત અંતરે સદી ન ફટકારી શકે તો પણ તેને એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે, મધ્યમ ક્રમને નવા બોલનો સામનો ન કરવો પડે અને કુક આ બંનેમાં નિષ્ફળ રહ્યો છે.