પાકિસ્તાન સહિતના દેશો આગામી 10-11એ કોન્ફરન્સમાં જોડાશે
અબતક, નવી દિલ્હી : અફઘાનિસ્તાનની બિન અધિકૃત સરકારને હટાવીને લોકોની સરકાર રચવા માટે વિશ્વના દેશોને ભારતે આહવાન કર્યું છે. આ માટે ભારતે પોતે કોન્ફરન્સ યોજવાનું નક્કી કર્યું છે. આ કોન્ફરન્સ આગામી 10-11મી નવેમ્બરએ યોજાઈ તેવી શકયતા છે. જેમાં પાકિસ્તાન સહિતના દેશોને પણ જોડવામાં આવનાર છે.
તાલિબાને અફઘાનિસ્તાન ઉપર પોતાનો કબજો જમાવી પોતાની સરકાર પણ બનાવી નાખી છે. જેને પગલે આતંકવાદને પણ પ્રોત્સાહન મળી રહ્યો છે. તેમ છતાં તાલિબાનની સરકાર વૈશ્વિક માન્યતા મેળવવા હવાતિયાં મારી રહી છે. ભારતે આ મામલે અગાઉ વેઇટ એન્ડ વોચની સ્થિતિ જાહેર કરી હતી. પણ હવે ભારત આ મામલે સ્ટેન્ડ લેવા જઈ રહ્યું છે. ભારતે જાહેર કર્યું છે કે અફઘાનિસ્તાન સામે ભારતને કોઈ વાંધો નથી. પણ અફઘાનિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે તેની સામે વાંધો છે. આ ઉપરાંત ત્યાં માનવ અધિકારો જળવાતા ન હોય તેની સામે પણ વાંધો છે.
બીજી તરફ ભારતે એવું પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં લોકોની સરકાર રચાવી જ જોઈએ. આ માટે ભારતે કોન્ફરન્સ યોજવાનું નક્કી કર્યું છે. જે આગામી 10-11 નવેમ્બરના રોજ યોજવામાં આવશે. આ કોન્ફરન્સમાં પાકિસ્તાન, ચીન અને રશિયા સહિતના દેશોને પણ આમંત્રણ આપવામાં આવશે.
અફઘાનમાં મસ્જિદ ઉપર આતંકી હુમલો : 37ના મોત
અફઘાનિસ્તાનના કંધારમાં શિયા સમુદાયની મસ્જિદમાં શુક્રવારે આતંકી હુમલો થયો છે. જેમાં 37 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 74 લોકો ઘાયલ થયા છે. આ બોમ્બ ધડાકો નમાઝ દરમ્યાન થયો હતો. અફઘાનિસ્તાનમાં સતત બીજા શુક્રવારે શિયા મસ્જિદને ટાર્ગેટ બનાવવામાં આવી છે. આ બોમ્બ વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી.
સ્થાનિક અહેવાલો મુજબ મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. આ બોમ્બ ધડાકાના હુમલાની જવાબદારી હજી સુધી કોઈ લીધી નથી. કંધાર શહેરમાં એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટ શિયા જૂથની એક મસ્જિદમાં થયો હતો. આ બોમ્બધડાકો થયો એ વખતે જુમાની નમાઝ ચાલી રહી હતી.
આ પહેલાં આઠ ઓક્ટોબરે ઉત્તરીય અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 100 લોકોનાં મોત થયાં હતાં. એ ધડાકામાં શિયા મુસલમાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે, જે તાલિબાનનો કટ્ટર દુશ્મન છે.