ગાઈડેડ મિસાઈલ કોઈપણ સ્થળે સૈન્ય માટે અનુકુળ બનશે
ઈઝરાયલમાં હથિયાર બનાવતી સરકારી કંપની રફાલ પાસેથી ભારત સરકાર ૫૦૦ મીલીયન ડોલર (અંદાજે રૂ.૩ હજાર કરોડ)ના ખર્ચે અત્યાધુનિક એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ખરીદવાની વાટાઘાટો કરી રહી છે.
તાજેતરમાં ભારત સરકારે અત્યાધુનિક ગણાતી ૮૦૦૦ મિસાઈલો ખરીદવા માટે મંત્રણા કરી હતી. પરંતુ ભારતની જ સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગનાઈઝેશન દ્વારા આ પ્રકારની મિસાઈલો ઘર આંગણે જ બનાવવાની તૈયારી દર્શાવાતા ૮૦૦૦ મિસાઈલનો ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યો હતો.
ઘર આંગણે જ ગાઈડેડ મિસાઈલ બનાવવાની ક્ષમતા હોવાના કારણે ભારત આ પ્રકારની મિસાઈલ વિદેશમાંથી ખરીદશે નહીં. જો કે, આગામી સમયમાં ઈઝરાયલ પાસેથી ખરીદવામાં આવનાર અત્યાધુનિક મિસાઈલ સૈન્ય માટે દરેક ક્ષેત્રમાં લડવા ખૂબજ અનુકુળ ગણવામાં આવે છે. પોર્ટેબલ પ્રકારની આ મિસાઈલનું લોન્ચર હળવું હોવાનો મનાય છે. માટે આ મિસાઈલની ખરીદી પર પસંદગી ઢોળવામાં આવી છે. વડાપ્રધાન મોદી સત્તા પર આવ્યા બાદ વિદેશથી અથિયારો ખરીદવાની જગ્યાએ ઘર આંગણે જ હથિયારોનું ઉત્પાદન થાય તેવું ઈચ્છી રહ્યાં છે. આ માટે મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટ પણ શરૂ કરવામાં આવ્યો છે.
ઘર આંગણે ઉત્પાદિત થતા હથિયારોના કારણે વિદેશ ઢસડાઈ જતું ભંડોળ અટકશે અને સસ્તા દરે હથિયારો સૈન્યને મળશે. અલબત હજુ ટેકનોલોજીનો પૂર્ણ વિકાસ થયો ન હોવાથી કેટલાક અત્યાધુનિક હથિયાર ખરીદવા માટે અન્ય દેશોની કંપનીઓ પર નિર્ભર રહેવું પડે છે.