દરરોજના કેસ 3 લાખને પાર: આવી જ પરિસ્થિતિ યથાવત રહી તો 1લી મે સુધીમાં નવા કેસ 5 લાખને પાર થઈ જાય તેવી દહેશત !!
કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે. એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 3.16 લાખ નવા કેસ નોંધાતા તંત્ર પણ હચમચી ગયું છે. વિશ્વમાં સૌથી વધુ કે એક જ દિવસમાં નોંધાવવાનો રેકોર્ડ ભારતે તોડી નાખ્યો છે. અગાઉ અમેરિકામાં દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાતા હતા. જોકે, અમેરિકામાં એક લાખથી ત્રણ લાખ સુધી કેસ વધતા 65 દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતમાં આટલા કેસ આવતા 17 દિવસો થયા હતા. એકંદરે અમેરિકામાં કેસ વધવાનું પ્રમાણ 1.5પ ટકા જ્યારે ભારતમાં 6.50 ટકાથી વધુ હતું. બીજી તરફ અમેરિકામાં ભારત કરતાં મૃત્યુદર વધુ છે. અમેરિકામાં દર 10ની જનસંખ્યાએ 97,881 કેસ નોંધાય છે. જ્યારે ભારતમાં દર 10 લાખે 11418 કેસ નોંધાતા હોવાનું આંકડા કહી રહ્યા છે.
ભારતમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સતત વધ્યા છે આંકડા મુજબ કર્ણાટક, કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, બંગાળ, હરિયાણા, ઝારખંડ, પંજાબ ઉત્તરાખંડ, તેલંગણા, જમ્મુ-કાશ્મીર અને ગોવા સહિતના રાજ્યોમાં કેસ વધ્યા છે. ભારતમાં હવે ત્રીજો મ્યુટન્ટ હોવાની વાત પણ સામે આવી છે. આવી સ્થિતીમાં વિશ્ર્વમાં સૌથી વધુ કેસ નોંધાતા તંત્ર સાબદું થઇ ગયું છે. આવી જ પરિસ્થિતિ યથાવત રહી તો 1લી મે સુધીમાં નવા કેસ 5 લાખને પાર થઈ જાય તેવી દહેશત સેવાઇ રહી છે.