વધતી માંગ, મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સ, વિવિધ સુધારાઓ અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં વેગને આધારે અર્થતંત્ર સતત સુધારા ઉપર
મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સ, વિવિધ સુધારાઓ અને વ્યાપારી પ્રવૃત્તિઓના આધારે, વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં પણ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આનાથી ભારતમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધશે એટલું જ નહીં પણ રોકાણ આકર્ષવામાં પણ મદદ મળશે.નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બુધવારે જારી કરાયેલા ડેટા અનુસાર આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યુ એડેડ 5.6 ટકા વધીને રૂ. 35.05 લાખ કરોડ થઈ છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર બીજા ક્વાર્ટરમાં 4.6 ટકા રહ્યો, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 3.2 ટકા હતો. સેવા ક્ષેત્ર એટલે કે હોટેલ, વેપાર, પરિવહન, સંચાર અને સેવાઓનો વિકાસ દર 14.7 ટકા હતો. 2021-22ના સમાન ત્રિમાસિક ગાળામાં આ ક્ષેત્રે 9.6 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી હતી. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓનો વિકાસ દર વધીને 7.2 ટકા થયો હતો. ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં તે 6.1 ટકા હતો.
દેશ 6.8 થી 7.0 ટકા આર્થિક વૃદ્ધિ દર હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યો છે
મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને બુધવારે જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.8 થી 7 ટકાની આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાના ટ્રેક પર છે. તેમણે કહ્યું કે, આર્થિક સુધારાની ગતિ ચાલુ છે. જીડીપી 2019-20ના સ્તરની નજીક પહોંચી ગયો છે.તેમણે કહ્યું કે, તહેવારોના વેચાણ, પીએમઆઈ, બેંકોની ક્રેડિટ ગ્રોથ અને વાહનોના વેચાણના આંકડા દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં અર્થતંત્રની ગતિ જળવાઈ રહી છે.
અર્થતંત્રમાં એમએસએમઇના યોગદાનને બમણું કરવાનો લક્ષ્યાંક
કેન્દ્રીય પ્રધાન ભાનુ પ્રતાપ સિંહ વર્માએ બુધવારે જણાવ્યું હતું કે સરકારે તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને અર્થતંત્રમાં દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રના યોગદાનને બમણું કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જીડીપીમાં એમએસએમઇ ક્ષેત્રનું યોગદાન હાલમાં એક તૃતીયાંશ છે. એમએસએમઇ રાજ્ય મંત્રીએ કહ્યું કે, મંત્રાલય સેક્ટરની અડચણોને દૂર કરીને આ દિશામાં કામ કરી રહ્યું છે.
ભારતનો વિકાસ દર 6.8% રહેવાનું આઈએમએફનું અનુમાન
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતની આર્થિક વૃદ્ધિ ધીમી પડીને 6.3 ટકા થઈ હતી, જે 2021-22ના સમાન સમયગાળામાં 8.4 ટકા હતી. જોકે, પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 9.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
મોંઘવારીનો સામનો કરવામાં ભારત સફળ રહેશે: નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત મોંઘવારીનો વધુ સારી રીતે સામનો કરી શકશે. ખાદ્યપદાર્થોની કિંમતો પર સપ્લાય બાજુના દબાણના સંદર્ભમાં ભારતે પહેલેથી જ ખૂબ સારું માળખું બનાવ્યું છે. રિટેલ ફુગાવો જાન્યુઆરીથી અત્યાર સુધી રિઝર્વ બેન્કના 6%થી ઉપર રહ્યો છે. નાણામંત્રીએ એક કાર્યક્રમમાં કબૂલ્યું હતું કે ક્રૂડ ઓઈલ જેવી કોમોડિટીની આયાતને કારણે મોંઘવારી યથાવત રહેશે. “અમે કદાચ ફુગાવાને વધુ સારી રીતે હેન્ડલ કરી શકીશું,” તેમણે કહ્યું. આરબીઆઈના સંકેતો ડાઉનસાઈડ તરફ ઈશારો કરે છે અને આવતા વર્ષની શરૂઆતમાં અથવા મધ્ય સુધીમાં તેની શ્રેણીમાં આવી જશે. ફુગાવો બાહ્ય પરિબળોથી પ્રભાવિત થવા જઈ રહ્યો છે, પરંતુ ભારતમાં આપણે કૃષિ પુરવઠા અને ઊર્જાના સંદર્ભમાં વધુ સારી સ્થિતિમાં છીએ.
ઔદ્યોગિક કામદારોનો છૂટક ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 6.08 ટકા થયો હતો
સસ્તી ખાદ્ય ચીજવસ્તુઓને કારણે ઔદ્યોગિક કામદારો માટે છૂટક ફુગાવો ઓક્ટોબરમાં ઘટીને 6.08 ટકા થયો હતો. એક મહિના પહેલા સપ્ટેમ્બરમાં તે 6.49 ટકા હતો. શ્રમ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા ઓક્ટોબર 2021માં તે 4.52 ટકા હતો. નિવેદન અનુસાર, ખાદ્ય ફુગાવો ગયા મહિને ઘટીને 6.52 ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં 7.76 ટકા હતો. જ્યારે એક વર્ષ પહેલા ઓક્ટોબર 2021માં તે 2.20 ટકા હતો. ઔદ્યોગિક કર્મચારીઓ માટે ઓલ-ઇન્ડિયા ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આ વર્ષે ઓક્ટોબરમાં 1.2 પોઇન્ટ વધીને 132.5 પર પહોંચ્યો છે.