શાર્દુલ ઠાકુરને પ્લેયર ઓફ ધ મેચ જ્યારે શુભમન ગિલને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો
કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની તોફાની સદી બાદ બોલર્સે કરેલા દમદાર પ્રદર્શનની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં 90 રને શાનદાર વિજય નોંધાવ્યો છે. આ સાથે જ રોહિત શર્માની ટીમે ત્રણ મેચની સિરીઝ 3-0થી જીતી લીધી છે. ભારતે કીવીને પછાડી વન-ડેમાં નંબર વનનો તાજ મેળવ્યો છે.રોહિત શર્માના 101 અને શુભમન ગિલના 112 રનની મદદથી ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 9 વિકેટે 385 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ઓપનર ડેવોન કોનવેએ આક્રમક સદી ફટકારી હોવા છતાં પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 386 રનના લક્ષ્યાંકના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. કોનવેએ 138 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. શાર્દુલ ઠાકુરને પ્લેયર ઓફ ધ મેચ જ્યારે શુભમન ગિલને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
386 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે ન્યૂઝીલેન્ડને આક્રમક શરૂઆતની જરૂર હતી. જોકે, ફિન એલન અને ડેવોન કોનવેએ ઈનિંગ્સની શરૂઆત કરી હતી. જોકે, ફિન એલન બીજા જ બોલ પર આઉટ થયો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. કોનવેએ જોકે આક્રમક બેટિંગ કરી હતી. તેણે હેન્રી નિકોલ્સ સાથે મળીને મળીને 14.5 ઓવરમાં 106 રનની ભાગીદારી નોંધાવી હતી. નિકોલ્સે 40 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 42 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ડેરીલ મિચેલ 24 રન નોંધાવીને આઉટ થયો હતો.
મિડલ ઓર્ડરમાં કેપ્ટન ટોમ લાથમ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો જ્યારે ગ્લેન ફિલિપ્સ પાંચ રન જ નોંધાવી શક્યો હતો. આ દરમિયાન કોનવેએ એક છેડો જાળવી રાખ્યો હતો પરંતુ સામે છેડે તેને યોગ્ય સાથ મળ્યો ન હતો. તેણે 100 બોલમાં 12 ચોગ્ગા અને 8 સિક્સરની મદદથી 138 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત માઈકલ બ્રાસ્વેલે 26 અને મિચેલ સેન્ટનરે 34 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે શાર્દુલ ઠાકુર તથા કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલને બે તથા ઉમરાન મલિક અને હાર્દિક પંડ્યાને એક-એક સફળતા મળી હતી.
રોહિત શર્માએ જયસૂર્યાને પાછળ રાખ્યો, વન-ડે વધુ સિક્સર ફટકારનારા બેટર્સની યાદીમાં ત્રીજા ક્રમે
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાની 101 રનની ઈનિંગ્સમાં છ સિક્સર ફટકારી હતી. આ સાથે જ તે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટર્સની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે. રોહિત શર્માએ 272 સિક્સર ફટકારી છે અને આ દરમિયાન તેણે શ્રીલંકન લિજેન્ડ સનથ જયસૂર્યાના 270 સિક્સરના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. આ યાદીમાં રોહિતથી આગળ હવે વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટર ક્રિસ ગેઈલ અને પાકિસ્તાનનો આક્રમક બેટર શાહિદ આફ્રિદી છે. ગેઈલે 331 સિક્સર ફટકારી છે જ્યારે આફ્રિદીના નામે 351 સિક્સર છે. આ ઉપરાંત રોહિતે 896 ચોગ્ગા પણ ફટકાર્યા છ.
રોહિત શર્માએ રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી
રોહિત શર્માએ 101 રનની ઈનિંગ્સ રમી હતી. આ તેની વન-ડે કારકિર્દીની 30મી સદી છે. આ સાથે જ તેણે વન-ડેમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી છે. રિકી પોન્ટિંગે 30 સદી ફટકારી હતી. આ યાદીમાં હવે ટોપ-5 બેટર્સમાં ત્રણેય ભારતીય બેટર્સ જ છે. વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 49 સદી ફટકારી છે. જ્યારે બીજા ક્રમે રહેલા વિરાટ કોહલીએ 46 સદી ફટકારી છે. જ્યારે ત્રીજા ક્રમે રોહિત શર્મા આવી ગયો છે.