૨૦૪ રનનો તોતિંગ લક્ષ્યાંક ભારતે ૪ વિકેટના ભોગે ૧૯મી ઓવરમાં જ હાંસલ કરી લીધો: શ્રેયસ ઐય્યર અને કે.એલ. રાહુલની આક્રમક અડધી સદી: સીરિઝમાં ભારતને ૧-૦ની સરસાઇ: બીજી વિકેટ માટે રાહુલ-વિરાટ વચ્ચે ૯૯ રનની ભાગીદારી
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ સ્થિત ઇડન પાર્ક ખાતે રમાઇ રહેલી પ્રથમ ટી-૨૦ મેચમાં વિરાટ સેનાની વિજય કૂચ જારી રહેવા પામી છે. પાંચ ટી-૨૦ મેચની શ્રેણીમાં ભારતે પ્રથમ મેચમાં જીત હાંસલ કરી શ્રેણીમાં સરસાઇ હાંસલ કરી લીધી છે. ઓપનર કે.એલ. રાહુલે આક્રમક અડધી સદી ફટકારી હતી તો કેપ્ટન વિરાટ પણ ખીલ્યો હતો.
પ્રથમ ટી-૨૦ મેચમાં વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારીત ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ૨૦૩ રન નોંધાવ્યા હતા. ઓપનર મુનરો અને કેપ્ટન વિલિયમ્સન તથા ટેલરે અડધી સદી ફટકારી હતી. એક તબક્કે જ્યારે આઠ ઓવરમાં ન્યૂઝીલેન્ડે વિના વિકેટે ૮૦ રન બનાવી લીધા હતા ત્યારે એવુ લાગી રહ્યું હતું કે પ્રથમ ટી-૨૦માં ૨૪૦ થી ૨૫૦ રન બનાવશે પરંતુ પાછળથી ભારતીય બોલરોએ કરકસરયુક્ત બોલિંગ કરી હતી અને ન્યૂઝીલેન્ડની ટીમને ૨૦૩ રન પર સીમીત રાખી હતી. બુમરાહે સૌથી અસરકારક બોલિંગ કરતા ૪ ઓવરમાં માત્ર ૩૧ રન આપી એક વિકેટ ઝડપી હતી. ૨૦૪ રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં પડેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખુબ જ ખરાબ થઇ હતી. સ્કોરબોર્ડ પર માત્ર ૧૬ રન નોંધાયા હતા ત્યારે ઓપનર રોહિત શર્મા માત્ર ૭ રન પર આઉટ થઇ ગયો હતો. જો કે ત્યારબાદ રાહુલ અને વિરાટની જોડીએ તમામ કિવિઝ બોલરોની બરાબરની ધોલાઇ કરી હતી. રાહુલ ૨૭ બોલમાં ૩ સિક્સર અને ૪ ચોગ્યા ફટકારી ૫૬ રન બનાવી સોઢીનો શીકાર બન્યો હતો. બીજી વિકેટ માટે બન્ને વચ્ચે ૯૯ રનની ભાગીદારી નોંધાઇ હતી. ૧૦ ઓવરમાં જ ભારતનો સ્કોર બે વિકેટે ૧૧૫ રન થઇ જતા ટીમની જીતનું પ્લેટફોર્મ તૈયાર થઇ ગયું હતું. જો કે ત્યારબાદ ઉપરા ઉપર ભારતની બે વિકેટો ધરાશાયી થઇ જતા એક તબક્કે એવુ લાગી રહ્યું હતું કે મેચ હાથમાંથી નીકળી જશે. શ્રેયસ ઐય્યર અને મનીષ પાંડેએ ભારતીય ટીમને વિજયી બનાવવા માટે ન્યૂઝીલેન્ડના બોલરો સામે સતત સંઘર્ષ કર્યો હતો. ભારતે ૨૦૪ રનનો લક્ષ્યાંક એક ઓવર બાકી રહેતા જ હાંસલ કરી લીધો હતો અને પ્રથમ ટી-૨૦ મેચમાં છ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. શ્રેયસ ઐય્યર ૨૯ બોલમાં ૫૮ રન ફટકારી ટીમને જીત અપાવવામાં સિંહ ફાળો આપ્યો હતો.