ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં મલેશિયાને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ડ્રો રહેવાને કારણે ભારતની ચિંતા વધી ગઈ હતી, પરંતુ ભારતે શાનદાર વાપસી કરી પહેલાં વેલ્સને પરાજય આપ્યો અને હવે આજે મલેશિયાને ૨-૧થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

ભારતે ગોલ્ડકોસ્ટ હોકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મલેશિયાને ૨-૧થી હરાવી દીધું. ભારત તરફથી હરમનપ્રીતસિંહે ત્રીજી અને ૪૪મી મિનિટે ગોલ કર્યા, જ્યારે મલેશિયા તરફથી એકમાત્ર ગોલ ફૈઝલ સારીએ ૧૬મી મિનિટે કર્યો હતો. હરમનપ્રીતે બંને ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યા હતા.

ભારતે મેચની શરીઆત શાનદાર રીતે કરી હતી અને ત્રીજી જ મિનિટે સરસાઈ હાંસલ કરી લીધી. મેચની ત્રીજી મિનિટે જ ભારતે પેનલ્ટી કોર્નર હાંસલ કરી લીધો, જેના પર હરમનપ્રીતે ગોલ કરતાં ભારત ૧-૦થી આગળ થયું હતું. ગોલ ખાધા બાદ પણ મલેશિયા દબાણમાં નહોતું આવ્યું અને તેણે ઘણી વાર ભારતીય ડિફેન્સની આકરી પરીક્ષા લીધા.

જોકે મલેશિયન ખેલાડીઓ પોતાના પ્રયાસોને અંજામ આપી શક્યા નહોતા અને પહેલા ક્વાર્ટરનો અંત ભારતના પક્ષમાં ૧-૦થી આવ્યો હતો. બીજા ક્વાર્ટરમાં જોકે મલેશિયાની ટીમ બરાબરી કરવામાં સફળ રહી હતી. મલેશિયા તરફથી ફૈઝલ સારીએ ગોલ કર્યો હતો. ફૈઝલ પાસે બોલ આવ્યો અને તે બોલ લઈને એકલો આગળ વધ્યો.

તેણે આસાનીથી વન-ટુ-વનમાં ભારતના ગોલકીપર પી. આર. શ્રીજેશને માત આપીને સ્કોર ૧-૧થી બરોબર કરી દીધો. આમ બીજા ક્વાર્ટરનો અંત ૧-૧થી આવ્યો હતો. ત્રીજા ક્વાર્ટરની અંતિમ પળોમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જેના પર હરમનપ્રીતે ગોલ કરીને ભારતને ૨-૧ની સરસાઈ અપાવી દીધી. આ સરસાઈને ભારતે મેચના અંત સુધી જાળવી રાખીને મેચ જીતી લઈ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.