ભારતે આર્થિક ક્ષેત્રે ચીનને મ્હાત આપવા મહોરા ગોઠવી દીધા છે. આગામી સમયમાં તેમાં ભારતને સફળતા સાંપડવાની છે. તે પૂર્વે ભારતે ભણતર ક્ષેત્રે ચીનને મ્હાત આપી દીધી છે. કારણકે કયુએસ યુનિવર્સિટીના રેન્કિંગમાં ચીન કરતા ભારતની વધુ શૈક્ષણિક સંસ્થાઓને સ્થાન મળ્યું છે.
કયુએસ યુનિવર્સિટીના રેન્કિંગમાં ચીન કરતા ભારતની વધુ શૈક્ષણિક સંસ્થાઓને મળ્યું સ્થાન : IIT બોમ્બે સતત બીજી વખત દેશમાં સર્વશ્રેષ્ઠ સંસ્થાન બની
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બેને ક્યૂએસ રેન્કિંગ 2024માં સતત બીજી વખત દેશમાં સર્વશ્રેષ્ઠ સંસ્થાન તરીકેનો દરજ્જો આપ્યો છે. આટલું જ નહીં ભારતે રેન્કિંગ યુનિવર્સિટીની સંખ્યા મામલે ચીનને પણ પછાડી દીધું છે. ક્યૂએસ એશિયાની રેન્કિંગ 2024માં અહીં રેકોર્ડ 148 યુનિવર્સિટીઓએ સ્થાન મેળવ્યું છે. જોકે ચીનની 133 યુનિવર્સિટી જ આ યાદીમાં સામેલ થઇ શકી હતી.
ક્યૂએસ વિશ્લેષકો દ્વારા જારી એક નિવેદનમાં જણાવાયું કે ભારત હવે ક્યૂએસ એશિયા રેન્કિંગમાં 148 વિશેષ યુનિવર્સિટીઓ સાથે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હાયર એજ્યુકેશન સિસ્ટમ ધરાવે છે જે ગત વર્ષની તુલનાએ 37 વધુ છે. તેના પછી 133 સાથે ચીન અને 96 સાથે જાપાનનો નંબર આવે છે. આ ઉપરાંત કમ્બોડિયા, મ્યાનમાર અને નેપાળ પહેલીવાર આ યાદીમાં સામેલ થયા છે.
ક્યૂએસ અનુસાર આઈઆઈટી બોમ્બે, કાનપુર, મદ્રાસ, દિલ્હી, ખડગપુર ઉપરાંત આઇઆઈએસસી બેંગ્લોર અને દિલ્હી યુનિવર્સિટી પણ દેશની ટોચની 100 સંસ્થાઓમાં સામેલ છે. ક્યૂએસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બેન સોટરે કહ્યું કે ભારતે પીએચડી સંકેતક સાથે સ્ટાફ માટે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર મેળવ્યો હતો જે ગત વર્ષના 22ની તુલનાએ 42.3 હતો. ક્યૂએસના રિપોર્ટની માનીએ તો ભારતની આઉટબાઉન્ડ સ્ટુડન્ટ્સ ગતિશીલતા એક સીમાચિહ્ન છે. આઈઆઈટી બોમ્બેએ 40મું સ્થાન મેળવ્યું છે. તેના પછી આઈઆઈટી દિલ્હીએ 46મું અને આઈઆઇટી મદ્રાસે 53મું રેન્ક મેળવ્યું છે.