૩-૦થી કિલન સ્વીપ કરવા ખેલાડીઓ નિરાંતનો શ્વાસ નહીં લ્યે: કોહલી
ત્રણ ટેેસ્ટ મેચની સીરીઝમાં ભારતે આફ્રિકાને બે ટેસ્ટમેચ હરાવી સીરીઝ પોતાને નામ કરી છે જેમાં કોહલી મેન ઓફ ધ મેચ બન્યો હતો. ભારતે દક્ષિણ આફ્રિકાને છેલ્લે ૨૦૦૮માં એક ઈનીંગ અને ૯૦ રને હરાવ્યું હતું. વિશેષરૂપે ટીમ ઈન્ડિયા ઘર આંગણે ૨૦૧૨ પછી એક પણ ટેસ્ટ સીરીઝ હારી નથી. આફ્રિકા સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બંને ઈનીંગ્સમાં અશ્ર્વિન અને ઉમેશ યાદવે ૬-૬ વિકેટ લઈ ટીમને વિજય અપાવ્યો હતો. આ તકે ભારતીય ટીમનાં સુકાની વિરાટ કોહલીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભલે ભારતીય ટીમ આફ્રિકા સામેની ૩ ટેસ્ટ મેચમાંથી ૨ ટેસ્ટ મેચ જીતી ગઈ હોય અને સીરીઝ કબજે કરી હોય પરંતુ ટીમ ઈન્ડીયાનો લક્ષ્ય છે કે, બાકી રહેતી એક ટેસ્ટ મેચ પણ જીતવામાં આવે અને કલીન સ્લીપ કરવામાં આવે જે માટે ટીમનાં ખેલાડીઓ નિરાંતનો શ્ર્વાસ નહીં લ્યે અને સારી રમત રમી ટીમને કલીન સ્વીપ કરાવવામાં મદદરૂપ થશે.
બોલર્સના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે અહીં રમાયેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકા સામે એક ઈનિંગ્સ અને ૧૩૭ રનના જંગી અંતરથી વિજય નોંધાવ્યો છે. શનિવારે મેચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ ૨૭૫ રનમાં સમેટાઈ ગયો હતો. ભારત પાસે જંગી સરસાઈ હતી ત્યારે માનવામાં આવતું હતું કે સુકાની વિરાટ કોહલી પ્રવાસી ટીમને ફોલોઓન નહીં આપે. પરંતુ ભારતે રવિવારે ચોથા દિવસે સાઉથ આફ્રિકાને ફોલોઓન આપ્યું હતું. સાઉથ આફ્રિકન બેટ્સમેન બીજા દાવમાં પણ ભારતીય બોલર્સ સામે ટકી શક્યા ન હતા અને ટીમ ૧૮૯ રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતે પ્રથમ દાવમાં પાંચ વિકેટે ૬૦૧ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. આ વિજય સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત માટે બીજા દાવમાં ઉમેશ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે અશ્વિને બે અને ઈશાન્ત શર્મા તથા મોહમ્મદ શમીને એક-એક સફળતા મળી હતી.
રવિવારે ફોલોઓન બાદ બેટિંગમાં ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. ફાફ ડુ પ્લેસિસની આગેવાનીવાળી ટીમે ૭૯ રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર એઈડન માર્કરામ ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે ડી બ્રુન આઠ અને સુકાની ડુ પ્લેસિસ પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. પ્રથમ દાવની જેમ વેરનોન ફિલેન્ડર અને કેશવ મહારાજે બીજા દાવમાં પણ થોડી લડત આપી હતી. ટીમનો સ્કોર ૧૮૫ રન હતો ત્યારે ઉમેશ યાદવના બોલ પર વિકેટકીપર રિદ્ધિમાન સહાએ ફિલેન્ડરને કેચ આઉટ કર્યો હતો. ત્યારબાદ ચાર રનની અંદર સાઉથ આફ્રિકાનો દાવ સમેટાઈ ગયો હતો. ફિલેન્ડરે ૩૭ અને મહારાજે ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. ટીમ માટે સૌથી વધુ સ્કોર ડિન એલ્ગરે નોંધાવ્યો હતો. તેણે ૪૮ રનની ઈનિંગ્સ રમી હતી જ્યારે બાવુમાએ ૩૮ રન ફટકાર્યા હતા.