બજેટ 2022-23 નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આમ તો હવે નિર્મલા સિતારામન સમસદમાં બજેટ રજૂ કરે તેને માંડ એક સપ્તાહનું છેટું છે ત્યારે બજેટની મોટાભાગની જોગવાઇઓ નક્કી થઇ જ ગઇ હોય અને હવે માત્ર તેને આખરી ઓપ અપાઇ રહ્યો હોય તે સ્વાભાવિક છે. ભારત સહિત વિશ્વભરની ઇકોનોમીઓ કોવિડ-19 નાં ભરડામાં ભિંસાઇ રહી છે ત્યારે આગામી બજેટમાં ભારત સરકારને આવક સાથે રાહતોની જાહેરાતોમાં સંતુલન જાળવવાનું છે. સરકારને મોંઘવારી, કૄષિક્ષેત્રના વિકાસ ઉપરાંત રોકાણકારોમાં હોટફેવરિટ બની ગયેલા ક્રિપ્ટો કરન્સીના કારોબારને હવે સાચી દિશા આપવાનો સમય આવી ગયો છે. જો કે દેશમાં આજે પણ એક વર્ગ એવો છે જે ક્રિપ્ટોના કારોબારને સદંતર બંધ કરવાની તરફેણ કરે છે.
ભારતમાં હજુ ચિત્ર સ્પષ્ટ ન હોવા છતાં 2021 માં 38 અબજ ડોલરનો કારોબાર થયો હોવાના સમાચાર છે. પરંતુ તાજેતરમાં રિઝર્વ બેંકે જે ગાઇડલાઇન્સ જાહેર કરી છે તેનાથી ક્રિપ્ટોના એક્સચેન્જોને પોતાની ઓફિસો વિદેશોમાં લઇ જવી પડી છે. સામાપક્ષે સરકાર સમયાંતરે ક્રિપ્ટો ઉપર કાતર મુકવાની વાતો કરી ચુકી છે. બાકી હોય તો સરકાર પોતે કદાચ ક્રિપ્ટો કરન્સી ચાલુ કરે તેવી વાતો ચાલી હતી. એવું કહેવાય છે કે હાલમાં ભારતમાં ક્રિપ્ટોનો કારોબાર શ્રીમંતો સુધી સિમીત છે. અમુક જગ્યાઐ ક્રિપ્ટોના વેપારમાં હવાલા થતા હોવાનું પણ ચર્ચાય છે. આવા સંજોગોમાં ક્રિપ્ટોના દિવાના રોકાણકારો આગામી બજેટમાં ક્રિપ્ટોને સરકાર એસેટ ક્લાસ જાહેર કરે તેવું દબાણ કરી રહ્યા છે. આ ઉપરાંત ક્રિપ્ટોનું કાયદાકિય માળખું જાહેર થાય, ક્રિપ્ટોના ભાવની વધઘટ માટે થનારા રિસર્ચને માન્યતા મળે, અને તમામ વિરોધાત્મક માનસિકતા દૂર થાય એવું આ રોકાણકારો ઇચ્છી રહ્યા છે.
એવું કહેવાય છે કે જો બજેટમાં ક્રિપ્ટો કરન્સીનાં કારોબારને કાયદેસર માન્યતા આપી દેવાય તો ભારતમાં રોજગારીનું એક નવું સેક્ટર તૈયાર થશૈ. હાલમાં આ કારોબાર વાસ્તવમાં કેટલો છે તે કોઇ જાણી શક્યું નથી, જો બજેટમાં તેને કાયદેસર માન્યતા મળે તો આ ફાઇનાન્શ્યલ સેક્ટર ઓર્ગેનાઇઝ્ડ થશે અને સેક્ટરમાં નાના રોકાણકારો પણ નાણા રોકતા થશે. આ કારોબારને નજીકથી જોનારા કહે છે કે સરકાર તેને કાયદેસર બનાવે કે નહીં પણ આગામી પાંચ વર્ષમાં ક્રિપ્ટોનો કારોબાર એટલો વધશે કે દરેક રોકાણકારના પોર્ટફોલિયોમાં ક્રિપ્ટો કરન્સીનું સ્થાન અચૂક હશે. આજે પણ 38.1 ટકા લોકો એવા છે ભારતમાંથી ક્રટો કરન્સીને ધરમૂળથી નાબુદ કરવાના મુડમાં છે જ્યારે 27.6 ટકા લોકો આજે પણ ક્રિપ્ટોના કારોબારને કાનુની દાયરામાં લાવવાના હિમાયતી છૈ. જે આગામી દિવસોમાં ક્રિપ્ટોના કારોબારને નવી ઉંચાઇ આપવા હવે શકિતમાન છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સીનાં કારોબાર માટે સરકાર વહેલી તકે કાયદો લાવશે એવી અટકળો લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ સંસદના શેસન ઉપર શેસન જઇ રહ્યા છે પણ આ કાયદો ટેબલ ઉપર આવતો નથી. આમ છતાંયે ભારત હાલમાં 10 કરોડથી વધારે રોકાણકારો સાથે ક્રિપ્ટો ધારકોની સંખ્યામાં વિશ્વમાં ટોચના સ્થાને હોવાનું કહેવાય છે. ત્યારબાદ અમેરિકા 2.74 કરોડ રશિયા 1.74 કરોડ તથા નાઇજીરિયા 1.30 કરોડ ક્રિપ્ટો ધારકો સાથે પ્રથમ ચાર દેશોની યાદીમાં સ્થાન પામે છે.
એશિયામાં પણ ભારત, વિયેટનામ તથા પાકિસ્તાન ક્રિપ્ટોના કારોબારમાં અગ્રક્રમે છે. એશિયાનાં કુલ કારોબારમાં ભારતનો હિસ્સો 59 ટકા જેટલો છે. ભારતમાં ક્રિપ્ટોના કારોબારમાં 641 ટકાનો જ્યારે પાકિસ્તાનમાં 711 ટકા નો ઉછાળો જોવા મળ્યો છે. જો કે પાકિસ્તાનનાં અર્થતંત્રની હાલત જ એટલી નાજુક છે કે ત્યાં હવે વધારે સુધારાનાં ચાન્સ ઓછા છે. કદાચ આ જ કારણ છે કે ભારતમાં સરકાર ક્રિપ્ટોને લઇને કાંઇપણ જાહેરાત કરે તો વૈશ્વિક બજારમાં ઉથલપાથલ મચી જાય છે. ખેર સરકાર બજેટ સત્રમાં કોઇ સ્પષ્ટ ગાઇડલાઇન્સ લાવે કે નહીં પણ જ્યાં સુધી સદંતર પ્રતિબંધ ન આવે ત્યાં સુધી ભારતમાં આ કારોબાર વધતો જશૈ.
2022માં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું
* 2021 માં બી.એસ.ઇ. સેન્સેક્સમાં 20 કટાનો અને એન.એસ.ઇ. નિફ્ટીમાં 22 ટકા સુધીનો સુધારો થયો છૈ. સેન્સેક્સમાં વળતર એક વર્ષની બેંકની ફિક્સ ડિપોઝીટ કરતા બમણાંથી વધારે મળ્યા છે. નવા લિસ્ટ થયેલા ઘણા આઇ.પી.ઓમાં 10 દિવસનાં ટૂંકાગાળામાં સરેરાશ 25 થી 50 ટકા જેટલાં વળતર મળ્યાં છે.
* દેશમાં બેંક વ્યાજની કમાણી કરતાં મોંઘવારી બમણાથી વધારે દરથી વધી છે. તેથી 2022 માં તમારે બેંકના વ્યાજથી વધારે કમાવાની ગોઠવણ કરવી પડશે. સરકાર પાસે પણ હાલમાં નાણા નથી, તેથી સરકારી યોજનાઓ કાંઇ મોટા વળતર આપી દે એવી આશા છોડવાની રહેશે.
* હંમેશા મહામંદીના સમયમાં સોનાએ સારા અને સુરક્ષિત વળતર આપ્યાં છે. તેથી સોનામાં રોકાણને ભુલી શકાય નહીં.
* વર્ક ફ્રોમ હોમ અને વર્ચ્યુઅલ વર્ક કલ્ચરમાં શહેરોથી દૂર પ્રોપર્ટીમાં મૂડીરોકાણ કરવાથી અથવા તો કમર્શીયલના સ્થાને રેસિડેન્શ્યલ પ્રોપર્ટોમાં રોકાણ કરવાથી વધારે વળતર મળી શકે.
* શેરબજારમાં રોકાણ હંમેશા મોટા વળતર આપશે જ એવા સપનાં જોવા હિતાવહ નથી. કોઇપણ ઇન્વેસ્ટરે તેમના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં જોખમને ધ્યાનમાં રાખવું જોઇએ. જેમાં 100 રોકાણકારની ઉમર વાળી ફોમ્યુર્લા શ્રેષ્ઠ છે. અર્થાત જો તમારી ઉમર 35 વર્ષ હોય તો 65 ટકા રોકાણ જોખમવાળું કરી શકાય.
* જો તમારી ઉમર 50 વર્ષની હોય તો 50:20:20: 10 ની ફોમ્યુર્લા સારી છે. જેમાં 50 ટકા શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ, 20 ટકા સોનું, 20 ટકા પ્રોપર્ટી તથા 10 ટકા પી.એફ. પી.પી.એફ કે બેંકમાં વ્યાજે રાખી શકાય. હાલનાં સંજોગોમાં પર્સનલ બિઝનેસ લોન આપવાથી દુર રહેવું ઇચ્છનિય છે.
* જો કુલ 50 લાખથી વધારેનું બજેટ હોય તો જ ક્રિપ્ટોમાં નાણા રોકવા અને આ રોકાણને શેરબજારનાં ઇન્વેસ્ટમેન્ટ માટે ફાળવાયેલા ફંડમાંથી કરવું.