22 દેશોમાંથી ભારત આર્મી ગ્રુપનાં 10,000થી વધુ ક્રિકેટ સમર્થકો
ક્રિકેટ અને ખાસ કરીને ભારતીય ક્રિકેટનાં ચાહકો સમગ્ર વિશ્ર્વમાં રહેલા છે ત્યારે વિશ્વકપ જયારે ઈંગ્લેન્ડમાં રમાઈ રહ્યો છે ત્યારે વિશ્ર્વનાં ખૂણે-ખૂણાથી તમામ ભારતીય ટીમને પ્રોત્સાહન આપવા માટે ઈંગ્લેન્ડ આવી પહોંચ્યા છે ત્યારે ક્રિકેટને ચાર ચાંદ લગાવવા ભારત આર્મી ગ્રુપ ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. ભારત આર્મી ગ્રુપમાં કુલ 22 દેશોનાં અંદાજીત 10,000થી વધુ ભારતીય લોકો જોડાયેલા છે કે જે વિશ્ર્વનાં કોઈપણ ખૂણે ભારતનો મેચ હોય તે જોવા અને ટીમને સમર્થન આપવા પહોંચી જતાં હોય છે. વિશ્વ આખામાં અનેકવિધ રમતો રમાય છે પરંતુ ક્રિકેટને ધર્મ માનતાં ડાઈ-હાડ પ્રશંસકોએ વિશ્ર્વ આખાને ઘેલું લગાવ્યું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપમાં રમાયેલા મેચમાં કાંગારુઓનો પરાજય થયો હતો ત્યારે મેચ બાદ પત્રકાર પરીષદ સંબોધતા ઓસ્ટ્રેલિયન ટીમનાં કેપ્ટન એરોન ફિન્ચે જણાવ્યું હતું કે, ભારતીય ટીમનાં સમર્થકો તમામ જગ્યા ઉપર ટીમને પ્રોત્સાહન અને સમર્થન આપવા પહોંચી જતા હોય છે ત્યારે એ જોતા એવું પણ લાગે છે કે, મેચ વાનખેડે અથવા તો ઈડનગાર્ડન ખાતે રમાતો હોય. આ ગ્રુપ બનાવવા પાછળ ભારત આર્મી ગ્રુપનાં સંસ્થાપક રમેશ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારત આર્મી ગ્રુપ હાલ વિશ્ર્વમાં પોતાનું એક આગવું જ સ્થાન ધરાવે છે જેમાં રીઝનલ હેડોની પણ નિમણુક કરવામાં આવી છે જેથી તેઓને યુ.કે., ભારત, યુ.એ.ઈ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુ.એસ.એ.માંથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ભારત આર્મી ગ્રુપનાં રાકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્ટેડિયમ પર ભારતીય ક્રિકેટ સમર્થકો, ટીમનું નામ અને તેનાં ચહિતા ખેલાડીઓને પણ સ્ટેડિયમ પરથી પ્રોત્સાહન આપતા હોય છે. યુ.કે.માં 1999માં રમાયેલા વિશ્વકપમાં 4 ભારતીયો તમામ ભારતનાં મેચોમાં જોવા મળ્યા હતા અને ત્યારથી જ તેઓએ તેમનું અભિયાન શરૂ કર્યું હતું અને ભારત આર્મી ગ્રુપની સ્થાપના પણ કરી હતી. જેમાં ડાઈ-હાડ ક્રિકેટ રસિકોનો જમાવડો કરવામાં આવ્યો છે ત્યારે વિશ્વનાં કોઈપણ ખૂણામાં ભારતીય ટીમ તેનાં વિરોધીઓ સાથે મેચ રમવા આવી પહોંચતી હોય છે ત્યારે તેની સાથે ભારત આર્મી ગ્રુપનાં પ્રશંસકો પણ ટીમને પ્રોત્સાહન આપવા આવી જતાં હોય છે. ભારત આર્મી ગ્રુપનાં વખાણ તમામ ટીમો દ્વારા અને ખાસ કરીને કહીએ કે ભારતીય ટીમ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ઓસન-18 નામની કંપની ભારત આર્મી ગ્રુપને સ્પોન્સર કરી રહ્યું છે. આ જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે વિશ્વમાં અનેક રમતો રમાઈ છે પરંતુ ક્રિકેટને લોકો ધર્મ પણ માને છે જેનાં કારણે ક્રિકેટ રસિકોમાં એક અનેરો જ ઉત્સાહ ક્રિકેટ રમતને લઈ જોવા મળે છે જે ક્રિકેટની ખાસીયત પણ માનવામાં આવે છે.