ભારત હવે બ્રિકસના દેશો વચ્ચે મુક્ત અને સરળ વ્યાપાર મામલે હાથ ઉપર રાખશે: ચીન અને રશિયાને વ્યાપાર વાણિજયમાં સાંકળવા કવાયત
બ્રીકસને મજબુત બનાવવા ઇન્ડો પેસીફીક પોલીસીની જાહેરાત ભારત દ્વારા કરવામાં આવી છે જેમાં ચીન અને રશિયાનો પુરતો સહકાર મળી રહે તે માટે ભારત સરકારે કવાયત હાથધરી છે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા સહિતના દેશના સંગઠનને મજબુત બનાવવા ભારત ઘણા સમયથી તૈયારી કરી રહ્યું છે.
ઇન્ડો પેસીફીક પોલીસીના માધ્યમથી બ્રીક્સના દેશો મુકત વ્યાપારમાં સરળતાથી કામગીરી કરી શકે તેવો ધ્યેય અગાઉ વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી ચુકયા છે. ભારત હવે બ્રીક્સના દેશો સંગઠીત બને તે માટે પ્રયાસમાં કોઇ કસર છોડી રહ્યું નથી. થોડા સમય પહેલાં જ નરેન્દ્ર મોદીએ સાંગરીલા ખાતે ભૌગોલિક, આર્થિક અને સામાજીક રાજકારણ મામલે બ્રીકસના દેશો વચ્ચે સંગઠનની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ઇન્ડો પેસીફીક નિતીથી માત્ર બ્રીક્સના દેશો જ નહી પરંતુ ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સહિતના વિકસીત દેશો પણ અસરગ્રસ્ત થશે તેવું માનવામાં આવે છે. અત્યાર સુધી બ્રીકસમાં ચીન અને રશિયાનો હાથ ઉપર હતો પરંતુ હવે ભારતનો હાથ ઉપર રહે તેવા પ્રયાસો મોદી કરી રહ્યા છે. આગામી તા. ૨૫મીથી યુગાન્ડા ખાતે બ્રીકસ સમિટનો પ્રારંભ થશે આ વખતે સાઉથ આફ્રિકા યજમાન બન્યું છે. સાઉથ આફ્રિકામાં ભારત અને ચીન વચ્ચે વ્યાપાર અને મુડી રોકાણ મામલે હરિફાઇ છે.