ટીમ ઈન્ડિયા હોટલ ફોર્ચ્યુન અને ન્યુઝીલેન્ડની ટીમ ઈમ્પિરીયલ પેલેસમાં રોકાશે: બંને ટીમોનું રાજકોટમાં ૪ દિવસનું રોકાણ: ૩ નવેમ્બરે નેટ પ્રેકટીશ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આગામી ૪ નવેમ્બરના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. જેના માટે બંને ટીમોનું આગામી ગુરુવારના રોજ સાંજે રાજકોટખાતે આગમન થશે. ટીમ ઈન્ડિયા પ્રથમવાર ફોર્ચ્યુન હોટલમાં રોકાશે. જયારે ન્યુઝીલેન્ડની ટીમને ઈમ્પીરીયલ પેલેસમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમો ૪ દિવસ રાજકોટમાં રોકાવાની હોય. રાજકોટ ક્રિકેટમય બની જશે. ૩ નવેમ્બરના રોજ બંને ટીમો નેટપ્રેકટીસ કરશે અને ત્યારબાદ ટીમના સુકાનીઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચ પૈકીનો પ્રથમ મેચ ૧લી નવેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રમાવાની છે. આ મેચ પૂર્ણ થયા બાદ ૨જી નવેમ્બરના રોજ બંને ટીમો એક જ ફલાઈટમાં ગુરુવારે સાંજે રાજકોટ આવી પહોંચશે. ટીમ ઈન્ડિયાને ૧૫૦ ફુટ રીંગ રોડ સ્થિત હોટેલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. અહીં કુલ ૪૦ રૂમ બુક કરવામાં આવ્યા છે. સુકાની વિરાટ કોહલી અને પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીને સ્પેશ્યલ સ્યુટ આપવામાં આવશે. જયારે ટીમના અન્ય ખેલાડીઓને રેગ્યુલર રૂમની ફાળવણી કરવામાં આવશે. બીસીસીઆઈ દ્વારા ફોર્ચ્યુન હોટલમાં મોકલવામાં આવેલા ડાયટ પ્લાનમાં કુલ ૧૨૮ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૪ દિવસ દરમિયાન ટીમના ખેલાડીઓને આ વાનગીઓ પીરસવામાં આવશે. હોટલ ફોર્ચ્યુનના સંચાલકો દ્વારા ટીમના મેનુમાં અનેક વાનગીઓ ઉમેરો કરવામાં આવે તેવી સંભાવના છે. ટીમ ઈન્ડિયા ઉપરાંત બીસીસીઆઈના અધિકારીઓની એક ટીમ પણ ફોર્ચ્યુન હોટલમાં રોકાશે. કુલ ૪ દિવસ ટીમ રોકાવાની હોય. હોટલ ફોર્ચ્યુન દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ન્યુઝીલેન્ડની ટીમ યાજ્ઞિક રોડ સ્થિત હાટેલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે રોકાશે. અહીં ૧૨૦ રૂમ બુક કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમ ઉપરાંત આઈસીસીના અધિકારી, બીસીસીઆઈના અધિકારી, અમ્પાયર તથા કોમેન્ટેટર પણ ઈમ્પીરીયલ પેલેસમાં રોકાશે.૨જી નવેમ્બરે બંને ટીમનું સાંજે રાજકોટમાં આગમન થયા બાદ બંને ટીમ આરામ કરશે. ૩જી નવેમ્બરે બંને ટીમો ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેકટીશ ટીમના સુકાનીઓ પત્રકાર પરીષદને સંબોધશે. ૪થી નવેમ્બરે સાંજે ૭ કલાકે મેચનો પ્રારંભ થશે. રાજકોટમાં મેચ રમ્યા બાદ બંને ટીમ ત્રીજો મેચ રમવા માટે તિ‚પુરમ જવા રવાના થશે.