જી 20 દેશોના સંમેલનના આમંત્રણ પત્ર ઉપર પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાતા દેશના નામ બદલવાની ચર્ચાએ જોર પકડયું, વિપક્ષના ગઠબંધનના નામને લઈને પણ રાજકારણ શરૂ
જી 20 દેશોના સંમેલનમાં ડિનર માટેના આમંત્રણ પત્ર તમામ દેશોના પ્રતિનિધિઓને મોકલવામાં આવ્યા છે. જેમાં ઇન્ડિયાને બદલે ભારત શબ્દ વાપરવામાં આવ્યો છે. ત્યારે સરકારે જે સંસદનું ખાસ સત્ર બોલાવ્યું છે. તેમાં દેશનું નામ બોલાવવાનો પ્રસ્તાવ મુકાઈને ભારત નામને બહાલી મળશે કે કેમ તે જોવું રહ્યું.
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પણ રાષ્ટ્રપતિના આમંત્રણ પત્રના ચાર દિવસ પહેલા 1 સપ્ટેમ્બરે દેશના નામ તરીકે ભારત શબ્દનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. આ નિવેદનના ત્રણ-ચાર દિવસમાં જ રાષ્ટ્રપતિના આમંત્રણ પત્રમાં આવી જ એક વાત સામે આવતા દેશનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે પક્ષો અને વિપક્ષના નેતાઓ આમને-સામને આવી ગયા છે.
બીજી તરફ ઘણા વિરોધ પક્ષોના નેતાઓએ કહ્યું કે સરકાર વિપક્ષી ગઠબંધનથી ડરી રહી છે, જેનું નામ ‘ઇન્ડિયા’ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ‘ભારત’ ગઠબંધનના નામને કારણે દેશનું નામ બદલીને ભારત થઈ રહ્યું છે. જો ભારત ગઠબંધન તેનું નામ ભારત રાખે છે, તો શું તે દેશનું નામ બદલીને ભાજપ કરશે?
નામનો ઇતિહાસ જોઈએ તો અંગ્રેજોએ દેશનું નામ બદલીને ભારતથી ઇન્ડિયા કરી દીધું. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની મહેનત અને બલિદાનના કારણે જ્યારે 1947માં દેશ આઝાદ થયો અને 1950માં બંધારણમાં ઇન્ડિયા લખવામાં આવ્યું.
નામ બદલવા માટે બન્ને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી અને અડધા રાજ્યોની બહાલી જરૂરી
કાનૂની અને બંધારણીય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોઈપણ સત્તાવાર સંદેશાવ્યવહારમાં ઇન્ડિયાની જગ્યાએ ભારતનો ઉપયોગ કરવામાં કોઈ ગેરકાયદેસરતા નથી કારણ કે તે બંધારણનો ભાગ જ છે. જો કે, તેઓ એ વાત પર પણ સર્વસંમત હતા કે ઇન્ડિયા બદલે ભારતની પ્રસ્તાવનામાં ફેરફાર કરવા માટે સંસદના બે ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીથી પસાર થવા અને ઓછામાં ઓછા અડધા રાજ્યો દ્વારા બહાલી મેળવવા માટે બંધારણીય સુધારાની જરૂર પડશે.
1948થી દેશનું નામ ભારત રાખવાની હિલચાલ શરૂ થઈ હતી
અગાઉ 1948માં બંધારણના પ્રથમ ડ્રાફ્ટમાં ભારતની બદલે ઇન્ડિયા નામ હોવાથી વિવાદ થયો હતો. 1 વર્ષ બાદ ભારત નામ રાખવા મુદ્દે મત પણ પડ્યા હતા. આ વેળાએ 38 લોકોએ હા પાડી હતી. જ્યારે 51 લોકોએ ના પાડી ઇન્ડિયા નામને સમર્થન આપ્યું હતું. જેને પગલે ઇન્ડિયા નામ યથાવત રહ્યું હતું.
શહેરોના નામ બદલી શકાય તો દેશના કેમ નહિ ?
અગાઉ દેશના અનેક શહેરોના નામ ફેરવવામાં આવ્યા છે. બોમ્બેને મુંબઇ, બરોડાને વડોદરા આ ઉપરાંત ઉત્તરપ્રદેશ તો ખાસ આના માટે જાણીતું બન્યું છે. જ્યાં અનેક શહેરોના નામ બદલવામાં આવ્યા છે. ત્યારે હવે લોકો પણ માંગ ઉઠાવી રહ્યા છે કે ભારત એ આપણી સંસ્કૃતિને વર્ણવતું નામ છે જેથી ઇન્ડિયાનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત કરવામાં આવે.