૭મીએ રાજકોટમાં રમાનારી બીજી ટી-૨૦ મેચમાં એકબીજાને ભરી પીવા બન્ને ટીમોના ખેલાડીઓએ કલાકો સુધી નેટમાં પરસેવો પાડયો
ખંઢેરી સ્થિત ક્રિકેટ એસોસીએશનના સ્ટેડિયમ ખાતે આગામી ૭મી નવેમ્બરના રોજ રમાનારી બીજી ટી-૨૦ મેચ માટે ભારત અને બાંગ્લાદેશની ટીમનું ગઈકાલે રાજકોટમાં આગમન થતાંની સાથે જ શહેરમાં જબરદસ્ત ક્રિકેટ ફિવર છવાઈ ગયો છે. બીજી મેચમાં એકબીજાને ભરી પીવાના બુલંદ ઈરાદા સાથે આજે બન્ને ટીમોના ખેલાડીઓએ આકરી નેટ પ્રેક્ટિસ કરી હતી અને ત્યારબાદ પત્રકાર પરિષદમાં વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આગામી ગુરૂવારે ‘મહા’ વાવાઝોડાની અસરના કારણે રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોવાના કારણે મેચ પર વરસાદનું વિઘ્ન પણ ઝળુંબી રહ્યું છે.
રાજકોટની વિકેટ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં ચોગ્ગા-છગ્ગાની આતશબાજી થશે અને હાઈસ્કોરીંગ મેચ બને તેવી સંભાવના જણાય રહી છે. આજે સવારના સેશનમાં ૧૦ થી ૧ વાગ્યા સુધી બાંગ્લાદેશની ટીમે ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ બપોરના સેશનમાં ૨ થી ૫ દરમિયાન ભારતીય ટીમે નેટ પરસેવો પાડયો હતો.
બન્ને ટીમના સુકાનીઓએ નેટ પ્રેક્ટિસ પૂર્વે અને પછી પત્રકાર પરિષદમાં રાજકોટમાં ગુરૂવારે રમાનારી બીજી ટી-૨૦ મેચમાં જીત હાંસલ કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી ખાતે રવિવારે રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં બાંગ્લાદેશની ટીમે ભારતને ૭ વિકેટે સજ્જડ પરાજય આપ્યો હતો. ભારત સામે સતત ૮ ટી-૨૦ મેચમાં કારમા પરાજય બાદ પ્રમ વિજય મળતા હાલ બાંગ્લાદેશની ટીમનો ઉત્સાહ સાતમાં આસમાને પહોંચી ગયો છે. તો બીજી તરફ શ્રેણીને બચાવવા માટે ભારતની ટીમે કોઈપણ ભોગે રાજકોટ ખાતે રમાનારી બીજી ટી-૨૦ મેચ જીતવી પડશે. રાજકોટની મેચ માટે ભારતીય ટીમને હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. પરંતુ જે રીતે પ્રમ મેચમાં બાંગ્લાદેશની બોલીંગ, બેટીંગ અને ફિલ્ડીંગનું સ્તર ખુબજ ઉંચુ રહ્યું હતું તે જોતા એવું લાગી રહ્યું છે કે, બીજી મેચ રોમાંચક બની રહેશે. આવતીકાલે પણ બન્ને ટીમો આકરી નેટ પ્રેક્ટિસ કરશે. ગુરૂવારે સાંજે ૭ કલાકી ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે મેચનો પ્રારંભ થશે.
રાજકોટમાં ૨ ટી-૨૦ મેચ રમાઈ છે જેમાં ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં ભારતીય ટીમનો વિજય થયો હતો જ્યારે ન્યુઝીલેન્ડ સામે ભારતે પરાજયનો સામનો કરવો પડયો હતો. બન્ને ટીમનો ગઈકાલે રાજકોટમાં આગમન થતાંની સાથે જ શહેરમાં ક્રિકેટ ફિવર છવાઈ ગયો છે. આજે સવારે જ્યારે ટીમ નેટ પ્રેક્ટિસ કરવા માટે હોટલ થી સ્ટેડિયમ જવા માટે રવાના થઈ ત્યારે હોટલ અને સ્ટેડિયમની બહાર પોતાના માનીતા ક્રિકેટરોની એક ઝલક પામવા માટે ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડયા હતા.