પ્રથમ ટી-૨૦માં જીત બાદ બાંગ્લાદેશની ટીમ ભારે ઉત્સાહી: ભારત શ્રેણી સરભર કરવા મરણીયું બનશે: મેચ હાઈસ્કોરીંગ રહે તેવી શકયતા: સતત બીજા દિવસે બંને ટીમોએ નેટ પ્રેકટીસમાં પરસેવો પાડયો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે કાલે યજમાન ભારત અને મહેમાન બાંગ્લાદેશ વચ્ચે ૩ મેચોની ટી-૨૦ શ્રેણીનો બીજો મેચ રમાશે. હાલ ગુજરાત પર મહાવાવાઝોડાનો ખતરો મંડરાયેલો હોય કાલની મેચમાં વરસાદનું વિઘ્ન આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. પ્રથમ ટી-૨૦ મેચમાં જીત બાદ બાંગ્લાદેશની ટીમનો ઉત્સાહ સાતમા આસમાને આંબી ગયો છે તો બીજી તરફ ઘર આંગણે રમાતી શ્રેણી સરભર કરવા માટે ટીમ ઈન્ડિયા મરણીયું બનશે. રાજકોટની વિકેટ બેટસમેનોને યારી આપવા માટે જાણીતી હોય રણનાં ઢગલા થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે સતત બીજા દિવસે બંને ટીમોએ કલાકો સુધી નેટમાં પરસેવો પાડયો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે દિલ્હી ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ભારતનો ૭ વિકેટે કારમો પરાજય થયો હતો. ૩ મેચની શ્રેણી બચાવવા માટે ભારતે કોઈપણ ભોગે કાલે રાજકોટમાં રમાનારી બીજી ટી-૨૦ મેચ જીતવી પડશે તો બીજી તરફ સતત ૮ મેચોમાં મળેલા પરાજય બાદ દિલ્હીમાં ભારત સામે પ્રથમ વિજય મળતા બાંગ્લાદેશની ટીમ ખુબ જ ઉત્સાહી છે અને શ્રેણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. છેલ્લા બે દિવસથી બંને ટીમો ખંઢેરી ખાતે આકરી નેટ પ્રેકટીશ કરી રહી છે. ભારતની બેટીંગ લાઈન ખુબ જ મજબુત છે પરંતુ બોલીંગ લાઈન નબળી હોવાનાં કારણે બાંગ્લાદેશની ટીમ તેનો ભરપુર ફાયદો ઉઠાવી રહી છે જોકે દિલ્હીમાં પ્રથમ મેચમાં શિખર ધવનને બાદ કરતા મોટાભાગનાં બેટસમેનો નિષ્ફળ રહ્યા હતા. કાલે ભારત આ ભુલ નહીં દોહરાવે તેવું ક્રિકેટ પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે. ખંઢેરી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં બે ટી-૨૦ મેચ રમાઈ છે જેમાં એકમાં ભારતનો વિજય થયો છે અને એકમાં પરાજય થયો છે. આમ રાજકોટમાં ટીમ ઇન્ડિયાની સફળતાનો આંક ૫૦-૫૦ ટકા છે.
ગુજરાત પર મહાવાવાઝોડાનો ખતરો ઝળુબી રહ્યો છે જેના કારણે બે દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની આગાહી આપવામાં આવી હોય કાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદ પડે તેવી સંભાવના નકારી શકાતી નથી જોકે મેચ શ થવા પૂર્વે જો ૩ કલાક પહેલા પણ વરસાદ રોકાઈ જશે તો મેચ રમાશે તેવો વિશ્ર્વાસ એચસીએ દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો. છેલ્લા બે દિવસથી વાતાવરણ સારું છે છતાં વરસાદનું વિઘ્ન મંડરાયેલું છે. ક્રિકેટ રસિકોને રાજકોટ ખાતે એક હાઈસ્કોરીંગ મેચ માણવા મળે તેવું હાલ જણાઈ રહ્યું છે. બંને ટીમો એક બીજાને ભરી પીવા માટે છેલ્લા બે દિવસથી આકરી નેટ પ્રેકટીસ કરી રહી છે.
રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો, શ્રેણી સરભર કરવા પ્રયત્નો કરીશું: રોહિત શર્મા
બેટીંગમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં કરાય બોલીંગ આક્રમણમાં ચોકકસ ફેરફાર કરાશે: નવોદિત ખેલાડીને તમામ ફોર્મેેટમાં તક અપાશે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે રમાનારી બીજી ટી-૨૦ મેચ પૂર્વે આજે પત્રકાર પરીષદમાં ટીમ ઈન્ડિયાના સુકાની અને આક્રમક ઓપનર રોહિત શર્માએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખુબ જ સારો છે અને કાલની મેચ જીતી શ્રેણી સરભર કરવાના પુરા પ્રયાસ કરીશું. બેટીંગમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. બોલીંગ આક્રમણમાં ચોકકસ ફેરફાર કરાશે. આજ ટીમ ભવિષ્યમાં ટી-૨૦ મેચ રમતી જોવા મળશે.
પત્રકાર સાથેની વાતચીત દરમિયાન સુકાની રોહિત શર્માએ જણાવ્યું હતું કે, ટી-૨૦માં અગાઉથી જ અનુમાન લગાવવું ખુબ જ મુશ્કેલ હોય છે. હાર માટે કોઈ એક ખેલાડીને કયારેય જવાબદાર ઠેરવી શકાતો નથી. છેલ્લી ૫ ઓવરમાં વધુ રન બનાવવાનાં પ્રયાસો કરવામાં આવશે. પાવર પ્લેમાં બેટીંગ અને બોલીંગ બંને શ્રેષ્ઠ રહે તેવા અમારા પ્રયાસો રહેશે. હાલ જે નવી ટીમ ટી-૨૦ ફોર્મેટમાં રમતી જોવા મળે છે. ભવિષ્યમાં પણ આ જ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા વતી રમતા જોવા મળશે. ભારતની બેટીંગ લાઈન ખુબ જ મજબુત છે ત્યારે બેટીંગમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. બોલીંગમાં થોડા ઘણા ફેરફાર કરવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, નવા જે ખેલાડીઓ હાલ ટી-૨૦માં રમી રહ્યા છે તેને ભવિષ્યમાં તમામ ફોર્મેટમાં તક મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. રાજકોટમાં ભારતની ટીમનો ટ્રેક હંમેશા સારો રહ્યો છે આવામાં રાજકોટની ટી-૨૦ જીતી અમે શ્રેણી સરભર કરવાના ટુંકા પ્રયાસો કરીશું.
ભારતની નબળી બોલીંગનો લાભ ઉઠાવી શ્રેણી જીતવાની તક: મુશરફે મોર્તઝા
રણનીતિ મેચ પૂર્વે નકકી કરીશું: ભારતીય ટીમ ખુબ જ મજબુત છતાં શ્રેણી જીતવાનો બાંગ્લાદેશ પાસે ગોલ્ડન ચાન્સ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનાં સુકાની મસરફે મોર્તઝાએ આજે પત્રકાર પરીષદમાં બાંગ્લાદેશની ટીમ શ્રેણી જીતવાના પુરા પ્રયાસો થશે તેવું જણાવ્યું હતું. ભારતીય ટીમને ઘરઆંગણે હરાવી ખુબ જ મુશ્કેલ છે છતાં શ્રેણી જીતવા માટે બાંગ્લાદેશ પાસે ગોલ્ડન ચાન્સ છે.
તેણે ઉમેર્યું હતું કે, દિલ્હી ખાતે રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં મળેલી જીત બાદ હાલ બાંગ્લાદેશની ટીમનો ઉત્સાહ સાતમા આસમાને છે છતાં અમે ટીમ ઈન્ડિયાને કોઈપણ ભોગે નબળી આકવાની ભુલ કરશું નહીં. ભારતીય ટીમ ખુબ જ મજબુત છે અને તેણે ઘર આંગણે પરાજય આપવો વિશ્ર્વની કોઈપણ ટીમ માટે કાયમ એક પડકાર રહ્યો છે. રાજકોટની વિકેટ બેટસમેનોને યારી આપે છે છતાં મેચની રણનીતિ કાલે મેચ પૂર્વે જ નકકી કરીશું. જો ટોસ જીતીશું તો પ્રથમ બેટીંગ લેવી કે ફિલ્ડીંગ તે ટીમ મેનેજમેન્ટની મીટીંગમાં નકકી કરવામાં આવશે. ભારત સામેની ટી-૨૦ શ્રેણી બાંગ્લાદેશ માટે મહત્વપૂર્ણ છે. આવામાં અમે ભારતને ઘર આંગણે ૨૦-૨૦માં પરાજય આપવા પુરતા પ્રયાસો કરીશું. અમારા સ્પીનરો ખુબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. બેટસમેનો પણ ફોમમાં છે. ભારતનાં નબળા બોલીંગ આક્રમણનો ફાયદો ઉઠાવીશું. ટીમ કોમ્બીનેશન પણ આવતીકાલે નકકી કરવામાં આવશે.