રાજકોટવાસીઓએ ક્યારેય ભાજપ કે કોંગ્રેસ સિવાયના પક્ષને સ્વીકાર્યો નથી
કોર્પોરેશનની સ્થાપના બાદ ૧૯૭૫થી લઈ ૨૦૧૫ સુધીમાં યોજાયેલી ૮ સામાન્ય ચૂંટણીમાં સાત વખત ભાજપને બહુમતી મળી તો એક વખત રાજકોટવાસીઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે
આ વખતે આપ, શિવસેના, એનસીપી સહિતના રાજકીય પક્ષો ચૂંટણી જંગમાં ઝંપલાવશે: જો કે તેઓને સફળતા મળશે કે કેમ? તેની સામે અનેક સવાલ
રાજકોટવાસીઓએ એક તાસિર રહી છે કે તેઓ મહાપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ રાજકિય પક્ષ કે અપક્ષ ઉમેદવારને ક્યારેય સ્વીકાર્યા નથી. મહાપાલિકાની સ્થાપના ૧૯૭૩માં થઇ હતી.વર્ષે ૧૯૭૫માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધીમાં કુલ આઠ વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે. જેમાં સમ ખાવા પૂરતા એક પણ વખત એક પણ બેઠક પર રાજકોટની શાણી જનતાએ અપક્ષ ઉમેદવારને જીતાડયો નથી.માત્ર ભાજપ અને કોંગ્રેસ પર જ પોતાનો વિશ્વાસ મૂક્યો છે.આ વખતે આપ, શિવસેના, એનસીપી સહિતના રાજકીય પક્ષો મહાપાલિકાની ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવું લાગી રહ્યું છે.પરંતુ તેઓને સફળતા મળશે કે કેમ તેની સામે પણ અનેક સવાલો સર્જાય રહ્યા છે. મહાપાલિકાની સ્થાપના બાદ અત્યાર સુધીમાં આઠ વખત યોજાયેલી ચૂંટણીમાં સાત વખત રાજકોટવાસીઓએ ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે શાસનની ધૂરા સોંપી છે. જ્યારે વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૫ સુધીની ટર્મમાં શહેરીજનોએ કોંગ્રેસનો સાથ આપ્યો હતો.રાજકોટ મહાપાલિકાની એક ઇતિહાસ રહ્યો છે કે અહીં ભાજપ કે કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ પણ રાજકીય પક્ષોના કે અપક્ષ ઉમેદવાર ક્યારે વિજેતા બનતા નથી એટલું નહીં મોટાભાગના ચૂંટણી જંગમાં અપક્ષ કે અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ પણ ગુમાવી પડી છે. મહાપાલિકાની સ્થાપના તા .૧૯/૧૧/૧૯૭૩ના રોજ થયા બાદ તારીખ ૧૯/૧૦/૧૯૭૫ના રોજ પ્રથમવાર સામાન્ય ચૂંટણી યોજાય હતી. શહેરના ૧૮ વોર્ડની ૫૧ બેઠકોની ચૂંટણીમાં ભાજપ ૩૨ બેઠકો પર વિજેતા બન્યો હતો.જ્યારે કોંગ્રેસના ફાળે ૧૯ બેઠક આવી હતી. બહુમતી સાથે પ્રથમ ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપે પાંચ વર્ષ સુધી શાસન કર્યું હતું.તા. ૨૫/૧/૧૯૮૧ના રોજ મહાપાલિકાની બીજી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧૮ વોર્ડ ૫૧ બેઠકો માટે મતદાન થયું હતું. આ ચૂંટણી જંગ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. જેમાં ભાજપને ૨૬ અને કોંગ્રેસને ૨૫ બેઠકો મળી હતી માત્ર એક બેઠકની પાતળી બહુમતી હોવા છતાં ભાજપે કદાવર નેતા સ્વ. ચીમનભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષ સુધી ટનાટન શાસન ચલાવ્યું હતું.તારીખ ૨૫/૧/૧૯૮૭ના રોજ મહાપાલિકાની ત્રીજી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.જેમાં શહેરમાં કુલ છ બેઠકનો વધારો થયો હતો જ્યારે વોર્ડની સંખ્યા યથાવત રહી હતી.૧૮ વોર્ડની ૫૯ બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ ૩૨ બેઠકો પર જ્યારે કોંગ્રેસ ૨૭ બેઠક ઉપર વિજેતા બન્યો હતો અને ભાજપે જીતની હેટ્રીક લગાવી હતી. તારીખ ૧૨/૬/૧૯૯૫ના રોજ મહાપાલિકાની ચોથી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૨૦ વોર્ડ માટે ૬૦ બેઠકોની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હતું અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. ૬૦ બેઠકો માંથી ૫૯ બેઠક ઉપર ભાજપ વિજેતા બન્યું હતું. કોંગ્રેસને સમ ખાવા પૂરતી માત્ર એક જ બેઠક મળી હતી.આ પાંચ વર્ષનો સમયગાળો મહાપાલિકામાં કોંગ્રેસ માટે લાધા યુગ માટે જાણીતો છે કારણ કે કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર લધાભાઈ જ વિજેતા બન્યા હોવાથી આ સમયગાળાને લાધા યુગ પણ કહેવામાં આવે છે.મહાપાલિકાની પાંચમી સામાન્ય ચૂંટણી તારીખ ૧૭/૯/૨૦૦૦ના રોજ યોજાઈ હતી. ચોથી ચૂંટણીમાં ૬૦ બેઠકોમાંથી માત્ર એક જ બેઠક જીતનાર કોંગ્રેસે આ ચૂંટણીમાં ચૂંટણીમાં ભાજપ પાસેથી સત્તાનો પ્યાલો આંચકી લીધો હતો. ૨૩ વોર્ડની ૬૯ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ફાળે માત્ર ૨૪ બેઠકો અને કોંગ્રેસના ફાળે ૪૬ બેઠક આવી હતી. આ પાંચ વર્ષના સમયગાળા માટે માટે મહાપાલિકામાં કોંગ્રેસનું શાસન રહ્યું હતું ત્યાર પછી કોંગ્રેસ ક્યારેય શાસન ધૂરા સંભાળવામાં સફળ રહી નથી મહાપાલિકાની છઠ્ઠી ચૂંટણી તારીખ ૧૪/૧૦/૨૦૦૫ના રોજ યોજાઈ હતી.જેમાં ૨૩ વોર્ડની ૬૯ બેઠકો માધુરી ભાજપ ૫૯ બેઠક ઉપર વિજેતા બન્યું હતું અને કોંગ્રેસ ૧૦ બેઠકો પર જીત મેળવી શક્યુ હતું અને ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. મહાપાલિકાની સાતમી સામાન્ય ચૂંટણી તારીખ ૧૦/૧૦/૨૦૧૦ના રોજ યોજાઇ હતી.જેમાં ૨૩ વોર્ડની ૬૯ બેઠક પૈકી ભાજપ ૫૮ બેઠા અને કોંગ્રેસ ૧૧ બેઠક ઉપર વિજેતા બન્યું હતું. જ્યારે મહાપાલિકાની છેલ્લી અને આઠમી સામાન્ય ચૂંટણી તારીખ ૨૨/૧૧/૨૦૧૫ના રોજ યોજાઈ હતી.૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટેની આ ચૂંટણી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને ૫૦ ટકા અનામતની જોગવાઇ બાદ પ્રથમ વખત યોજાયેલી આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી.૧૮ વોર્ડ પૈકી ૧૭ વોર્ડની મતગણતરી પૂર્ણ થઇ ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ બંને એક સમાન ૩૪-૩૪ બેઠકો પર વિજેતા બન્યા હતા.જ્યારે વોર્ડ નંબર ૬ની મત ગણતરી ચાલુ થઈ ત્યારે તમામ રાજકીય પક્ષો અને રાજકીય પંડિતોના શ્વાસ ઉંચા થઈ ગયા હતા. કારણ કે આ મતગણતરી સત્તાનાં સમીકરણો નક્કી કરનારી હતી જો કે વોર્ડ નંબર ૬ની ચારે બેઠકો ભાજપના ફાળે આવતા ૭૨ બેઠકો પૈકી ભાજપ ૩૮ અને કોંગ્રેસ ૩૪ બેઠકો પર વિજેતા બન્યું હતું.ચાર બેઠકોની પાતળી બહુમતી છતાં ભાજપે ગત ટર્મમાં ટનાટન શાસન ચલાવ્યું હતું. મહાપાલિકાની નવમી સામાન્ય ચુંટણી માટેના પડઘમ વાગી રહ્યા છે.આઠ ચૂંટણીનો ઈતિહાસ તપાસવામાં આવે તો રાજકોટવાસીઓએ ક્યારે આપવા કે અન્ય પક્ષના ઉમેદવારને સ્વીકાર્ય નથી આવામાં આ વખતે ની ચૂંટણીમાં આપ શિવસેના અને એનસીપી સહિતના રાજકીય પક્ષો ચૂંટણી જંગમાં પૂરી તાકાત સાથે ઝંપલાવે તેવી સંભાવના દેખાય રહી છે. પરંતુ તેઓ વિજેતા બનશે કે કેમ તેની કોઇ જ ગેરંટી નથી જો અપક્ષ કે અન્ય રાજકીય પક્ષોના ફાળે માત્ર એક બેઠક પણ આવશે. તો તે મહાપાલિકાની ચૂંટણી જંગમાં ઇતિહાસ તરીકે આલેખાશે.